મહિલાઓ દિવસ રસોડામાં પસાર કરે છે. દરરોજ રસોડામાં કામ કરવા છતાં તેઓ ઘણી બેઝિક ટિપ્સ વિશે ખબર નથી, જેની મદદથી તેઓ એ જ મહેનતમાં ભોજનને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવી શકે છે અથવા પોતાનો સમય બચાવી શકે છે. અમે આવી જ કેટલીક નાની પરંતુ મહત્વની રસોઈ ટિપ્સ વિશે જણાવીશું.
(1) સ્પ્રાઉટ્સ વધારે બનાવેલા છે તો તેને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેમાં લીંબુનો રસ ઉમેરીને ફ્રિજમાં રાખો. (2) લીંબુનો રસ કાઢી લીધા પછી વપરાયેલ લીંબુની છાલ ભેગી કરીને કન્ટેનરમાં ભરી, તેમાં મીઠું મિક્સ કરીને સૂર્યપ્રકાશ બતાવતા રહો. થોડા દિવસોમાં લીંબુનું અથાણું બનીને તૈયાર થઈ જશે.
(3) બટાકાની ટિક્કી બનાવતી વખતે એક કાચા કેળાને બાફીને તેના મિશ્રણમાં મિક્સ કરવાથી ટિક્કીનો સ્વાદ બમણો થઈ જાય છે. (4) જો તમને એવું લાગે કે દૂધ ફાટી જશે તો દૂધમાં અડધી ચમચી ખાવાનો સોડા અને થોડું પાણી ઉમેરીને ઉકાળો. દૂધ ફાટશે નહીં.
(5) જો ઘરમાં ઘી બનાવતી વખતે ઘી બળી જાય છે તો તેની કાળાશ દૂર કરવા માટે તાજા બટાકાને કાપીને ઘીમાં મિક્સ કરીને ઘી ગરમ કરવાથી તે સાફ થઈ જાય છે. (6) ડ્રાયફ્રુટ્સને સરળતાથી કાપવા માંગતા હોવ તો તેને એક કલાક માટે ફ્રીજમાં રાખીને કાપો.
(7) જો તમે ચણાને રાત્રે પલાળવાનું ભૂલી ગયા છો તો કૂકરમાં ચણાની સાથે કાચા પપૈયાના ટુકડાને મિક્સ કરી લો. ચણા પણ સરળતાથી ચડી જશે અને શાક પણ સ્વાદિષ્ટ બનશે. (8) જો દેશી ઘી ને વધુ દિવસો સુધી તાજું રાખવા માંગતા હોય તો તેમાં એક ટુકડો સેંધા મીઠું અથવા ગોળનો ટુકડો ઉમેરો.
(9) મશરૂમ્સને ક્યારેય પાણીથી ધોશો નહીં કારણ કે તે પાણીને શોષી લે છે, એટલે તેના બદલે, મશરૂમ્સને ભીના કપડાથી સાફ કરી લો.
(10) દાળ બનાવતી વખતે કુકરમાં બે-ત્રણ સોપારી નાખવાથી દાળ ઝડપથી પાકી જાય છે. (11) જો તમે ટામેટાં કે બદામની છાલ સરળતાથી નીકાળવા માંગતા હોય તો તેને પાંચથી દસ મિનિટ માટે ઉકળતા પાણીમાં મૂકો.
(12) જો શાકમાં વધારે મીઠું પડી ગયું છે અથવા શાક વધુ તીખું બની ગયું છે તો તેને સંતુલિત કરવા માટે મલાઈ, દહીં અથવા તાજી ક્રીમનો ઉપયોગ કરો. એ જ રીતે જો દાળમાં મીઠું વધુ પડી ગયું હોય તો એક ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરો. (13) જો દહીં જમાવતી વખતે જો દૂધમાં નારિયેળનો નાનો ટુકડો ઉમેરવામાં આવે તો દહીં સારું જામે છે અને બે-ત્રણ દિવસ સુધી તાજું રહે છે.
(14) દિવસમાં વધારે ચા બનાવ્યા પછી તેન ચા ના કૂચાને ધોઈ લો અને છોડના મૂળમાં નાખો. આ એક ઉત્તમ ખાતર બને છે. (15) જો તમે દહીંવાળી કોઈપણ ગ્રેવીવાળું શાક બનાવો છો તો તેને મધ્યમ આંચ પર રાંધો અને ઉકળવા લાગે પછી જ તેમાં મીઠું નાખો. તેનાથી દહીં ફાટશે નહીં અને શાક પણ સ્વાદિષ્ટ બનશે.
(16) દહીં વડા બનાવતી વખતે દાળને ફેટતા તેમાં એક બાફેલા બટેટાને સારી રીતે મેશ કરીને મિક્સ કરો. વડા સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે. (17) કેકના બેટરમાં એક ચમચી મધ ઉમેરો, કેક વધારે સ્પંજી બનશે.
(18) મગની દાળ ચીલાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં બે ચમચી ચોખાનો લોટ ઉમેરો. (19) પુરી બનાવતી વખતે તેલમાં થોડું વિનેગર નાખવાથી પુરી વધારે તેલ શોષી શકતી નથી અને પુરી પણ નરમ બને છે.
(20) દાળને એક દિવસ પહેલા પાણીમાં પલાળી રાખીને, બીજા દિવસે તેને રાંધવાથી તેના પોષક તત્વો નાશ પામતા નથી અને તે ઝડપથી પાકી જાય છે. (21) લીંબુના અથાણામાં મીઠાના દાણા પડી જાય છે તો અથાણામાં થોડો ખાંડનો પાવડર ઉમેરવાથી અથાણું ફરી તાજું થઈ જશે.