કોઈપણ ભોજન હોય તેમાં કંઈક સ્વાદ હોય જ છે. સ્વાદ વગર ભોજન અધૂરું ગણાય છે. પણ શું તમે જાણો છો કે કેટલા પ્રકારના સ્વાદ હોય છે? શું તમે જાણો છો કે તમે દરરોજ ભોજનમાં કેટલા પ્રકારના રસનું સેવન કરો છો? તમે જાણતા નહિ હોય કે આયુર્વેદમાં છ પ્રકારના સ્વાદનું વર્ણન કરવામાં આવ્યું છે. આ છ રસ એટલે કે મધુર, ખાટો, કડવો, તીખો, ખારો અને તૂરો.
તો અહીંયા તમને જણાવીશું કે આ છ સ્વાદ વાળી વસ્તુ વધારે ખાવાથી કયા કયા નુકસાન થઈ શકે છે અને જરૂરી પ્રમાણે ખાશો તો તેનો શું ફાયદો થઈ શકે છે તે બધીજ માહિતી તમારી સાથે શેર કરીશુ. તમને કયો સ્વાદ વધુ પસંદ છે તે તમે અમને કમેન્ટ માં જણાવી શકો છો. હવે જાણીએ છ સ્વાદ વિષે.
(1) મીઠો: સૌ પ્રથમ છે મીઠો સ્વાદ. મીઠો એટલે કે ગળ્યો. મીઠા રસ માં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનની માત્રા વધારે હોય છે. તમને જણાવી દઈએ કે આપણું શરીર સપ્તધાતુ પર ટકેલું છે. સપ્તધાતુ ના નિર્માણ માટે મીઠા રસ ની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સપ્તધાતુ આપણા શરીરના નિર્માણ માટે ખૂબ જ આવશ્યક છે.
મધુર રસ દૂધ, માખણ, અનાજ, ભાત, ગાજર, સક્કરીયા, પાકેલા ફળો વગેરે માંથી સહેલાઇથી મળી રહે છે. આ મીઠો સ્વાદ શરીરને પોષણ પણ પ્રદાન કરે છે. મીઠા રસથી શરીરને જરૂરી ઊર્જા મળે છે, માનસિક સ્વાસ્થ્ય પર પણ તે અસર થાય છે. પરંતુ મીઠા રસનું સેવન જરૂરિયાત મુજબ જ કરવું જોઈએ.
વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી તે નુકસાનકારક સાબિત થઇ શકે છે. વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી ડિપ્રેશન, મોટાપા, ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થઈ શકે છે. આનાથી શરીરમાં વધારે થાક લાગે છે, કફમાં વધારો થાય છે, શરીર ભારે થઇ ગયું હોય તેવો અનુભવ થાય છે અને અપચા જેવી સમસ્યાઓ પેદા થાય છે.
(2) ખાટો: તમે જાણતાજ હશો કે ખાટા રસ વાળા પદાર્થનું સેવન કરવાથી ભૂખ સારી લાગે છે. પાચન તંત્ર એકદમ તંદુરસ્ત રહે છે. ખાટો રસ શરીરમાં ઉર્જા પ્રદાન કરે છે તથા હૃદય માટે પણ ફાયદાકારક છે. આ રસ આમળા, લીંબુ, સંતરા, આમલી, દહી વગેરેમાંથી સહેલાઈ મળી રહે છે. ખાટા સ્વાદવાળા પદાર્થ ગરમીમાં ખુબજ રાહત અપાવે છે.
વધુ પડતા ખાટા પદાર્થોનું સેવન કરવાથી શરીર શિથિલ થઈ જાય છે. શરીરમાં ખંજવાળ તથા ચામડીને લગતી બીમારીઓ હોય તો તે વધુ પરેશાન કરે છે. વધુ પડતા ખાટા પદાર્થોનું સેવન કરવાથી વારંવાર તરસ લાગવા ની ફરિયાદ પણ વધી જાય છે માટે ખાટા સ્વાદનું સેવન જરૂરિયાત પ્રમાણે જ કરવું જોઈએ.
3) કડવો: કડવો સ્વાદ વાળા પદાર્થોમાં એમિનો એસિડ, વિટામિન તથા ખનિજ લવણ હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. લીવર તથા લોહીને સ્વચ્છ રાખવામાટે કડવો સ્વાદ જરૂરી છે સાથે સાથે કડવો સ્વાદ શરીરમાં રહેલા જેરીલા નકામા તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે.
કારેલા, મેથીના દાણા અને બીજી ઘણી બધી લીલા રંગ વાળી, પાંદડાવાળી શાકભાજી માં કડવો સ્વાદ રહેલો હોય છે. પરંતુ વધારે પડતું કડવા સ્વાદનું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી થઈ જાય છે. માટે કડવા સ્વાદ નું સેવન જરૂરિયાત પ્રમાણે જ કરવું જોઈએ.
4) તીખો રસ: તીખો સ્વાદ મરી મસાલા, રસોડામાં રહેલા મસાલામાંથી મળી રહે છે. આ તીખો સ્વાદ બ્લડ સાફ રાખે છે સાથે સાથે બહારના રોગોથી પણ બચાવે છે. માસપેશીઓના દર્દમાં પણ તીખો સ્વાદ રાહત પહોંચાડે છે. તીખો સ્વાદ શરીરમાં કફ જમા થવા દેતો નથી સાથે સાથે બીજા ઘણા બધા ફાયદા કરાવે છે.
પરંતુ વધારે પડતા તીખા પદાર્થનું સેવન કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. વધારે પડતા તીખા પદાર્થનું સેવન કરવાથી પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે જેવી કે એસિડિટી, અલ્સર વગેરેની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને અનિંદ્રાની ફરિયાદ પણ વધારે છે. માટે તીખો સ્વાદ નું સેવન જરૂર પ્રમાણે જ કરવું જોઈએ.
5) ખારો સ્વાદ: મીઠામાંથી ખારો સ્વાદ સહેલાઈથી મળી રહે છે. મીઠા વગર ભોજન અધૂરું છે. મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. ખારો સ્વાદ માંસપેશિઓની ગતી તથા કેશિકાઓમા પોષણ તત્વો વગેરેના પરિવહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પરંતુ વધારે પડતા ખારા સ્વાદનું સેવન કરવાથી બુઢાપણુ વહેલું આવે છે અને હાઇબીપીનો ખતરો પણ વધી જાય છે. ખારો સ્વાદનું વધુ સેવન કરવાથી લોહીમાં ખારાપણુ વધે છે અને અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે ખારો સ્વાદ માપમાં લેવો જોઈએ જેથી શરીર માં ફાયદાકારક સાબિત થાય.
6) તુરો રસ: બધા રસની જેમ તુરો રસ પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે. તુરો રસ ઝાડા માં રાહત આપે છે. જો શરીરમાં વધુ પ્રમાણમાં પરસેવો થતો હોય તો તેમાં રાહત પહોંચાડે છે. આ રસ કફ જમા થવા દેતો નથી તથા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
કોબી, તુલસી વગેરેમાં તૂરો સ્વાદ સહેલાઇથી મળી રહે છે પરંતુ વધારે પડતા તૂરા સ્વાદ નું સેવન કરવાથી શરીરમાં કમજોરી, ઝડપથી બુઢાપણુ, અપચો, ગેસ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માટે તૂરા રસનું સેવન માપમાં કરવું જોઈએ.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.