અહીંયા આપણે જોઈશું ઉપવાસ કરવાથી શરીરને થતા ફાયદા, ઉપવાસ કરવાનો યોગ્ય સમય, તેમજ શારીરિક ક્ષમતા મુજબ ઉપવાસ કરવાની યોગ્ય રીત વિશે જોઈશું. હિન્દૂ ધર્મમાં શ્રાવણ મહિનો, નવરાત્રી કે પુરુષોત્તમ માસ દરમિયાન, તેમજ મુસ્લીમ ધર્મમાં રમજાન માસમાં ઉપવાસનું ખાસ મહત્વ છે.
ધાર્મિક મહત્વ ઉપરાંત આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉપવાસ લાભકારી છે. ઉપવાસ દરમ્યાન ખોરાક ઘટાડીને કે ખોરાક બિલકુલ ન લઈને પાચનતંત્રને આરામ આપવામાં આવે છે. તમે ઘણીવાર અનુભવ્યું હશે કે શરદી કે તાવ જેવી બીમારીમાં ભૂખ ખૂબ ઓછી લાગે છે અને ખોરાક બિલકુલ ઘટી જાય છે.
આમ થવાનું મુખ્ય કારણ શરીર ખોરાકના પાચન માટે જરૂરી અગ્નિ કે શક્તિને બચાવીને શરીરને સાજું કરવા માટે વાપરે છે. શરીરની મોટાભાગની શક્તિ ખોરાકનું પાચન કરવામાં વપરાય છે. માટે ખોરાક લેવાનું બંધ કરવાથી શરીર પાચન માટે જરૂરી શક્તિ વાપરીને ચૂર્ણ કે વૃદ્ધ થયેલા કોષો એટલે કે ડેડ થયેલા કોષોને દૂર કરી શરીરને સ્વસ્થ બનાવવાનું કાર્ય કરે છે.
જો યોગ્ય રીતે ઉપવાસ કરવામાં આવે તો કોઈપણ જાતની દવા વગર જ શરીરની પોતે જ તેની પ્રણાલી ઘ્વારા ગમે તેવી બીમારીને દુર કરવા માટે સક્ષમ બને છે. ઉપવાસ દરમિયાન શરીર મૃત કોષોને દૂર કરી નવા કોષોનું નવનિર્માણ કરે છે. જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
વાઇટ બ્લડ સેલ રોગોના જીવાણુ સામે લડીને શરીરને રોગોથી બચાવે છે. જેમાંથી ટી સેલ્સ સૈનિક જેવું કાર્ય કરે છે. ઉપવાસ દરમિયાન શરીરમાં ટી સેલ્સ ની સંખ્યા વધે છે અને તે વધુ શક્તિશાળી બને છે. એક ટી સેલ્સ અને જીવાણુઓ સામે લડીને તેનો નાશ કરવા માટે સક્ષમ છે.
આમ ઉપચારથી શરીરમાં રહેલી બીમારી દૂર થાય છે અને નવા રોગોથી રક્ષણ મળે છે. આયુર્વેદની દ્રષ્ટિએ શરીરમાં પચ્યા વગરનો ખોરાક પડ્યો રહે તો તેમાંથી કાચો રસ એટલે કે આમ બને છે. ઉપરાંત ઉપવાસ કરવાથી શરીરમાં જમા થયેલા જુના આમનું પાચન થાય છે.
ખોરાક ન લેવાથી ખોરાકના પાચન માટે વપરાતી અગ્નિ શરીરના દોષો ને બાળીને તેનો નાશ કરે છે અને શરીરને નિરોગી બનાવે. આમનું પાચન થવાથી ઘણા પ્રયત્નો કરવા છતાં ના ઉતરતા વજનમાં ઝડપથી ઘટાડો થાય છે. આમના કારણે થતાં સાંધાના દુખાવા, તેમજ સોજામાં કોઈપણ જાતની દવા વગર પણ આરામ મળે છે.
ઉપવાસ કેટલા સમયે કરવા જોઈએ:
હવે ઉપવાસ કેટલા સમયે કરવા જોઈએ તે વ્યક્તિની પ્રકૃતિ અને શારીરિક કાર્ય પર આધાર રાખે છે. વધારે વજન, બેઠાડું જીવન અને કફ પ્રકૃતિ વાળા લોકો સળંગ બે થી ત્રણ દિવસ ઉપવાસ કરી શકે, પણ વધુ શારીરિક શ્રમ કરતા લોકો, તેમજ પિત્ત કે વાયુ પ્રકૃતિ હોય તેમણે એક થી વધુ દિવસ ઉપવાસ ન કરવા.
તેવા લોકો પંદર દિવસે એક વાર ઉપવાસ કરી શકે. પિત્ત કે વાયુ પ્રકૃતિના લોકો એ નિર્જળા કે ફક્ત પાણી પીને ઉપવાસ ન કરવા. તેઓ એકટાઈમ હળવું ભોજન કે ફ્રૂટ ખાઈને ઉપવાસ કરી શકે.
જેમનાથી વધુ સમય ભૂખ્યા રહેવાતું હોય તેવો 16 કલાક નો ઉપવાસ એટલે કે રાત્રિ નું ભોજન લીધા બાદ બપોરે ભોજન લઇ શકે આ પ્રકારના ઉપવાસથી નબળાઈ આવતી નથી અને ૧૬ કલાક દરમિયાન શરીરને સ્વસ્થ થવાનો સમય મળે છે. કફ પ્રકૃતિના લોકો અઠવાડીયામાં એક વખત ફક્ત પાણી પીને ઉપવાસ કરી શકે. જ્યારે પણ તરસ લાગે ત્યારે સૂંઠ નાખીને ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું.
જેમનાથી પંદર દિવસે એક વખત ઉપવાસ શક્ય ન હોય એવો મહિનામાં એક વખત અને તે પણ શક્ય ન થાય તો ઋતુઓનો સંધિકાળ એટલે કે શિયાળો પૂરો થાય અને ઉનાળાની શરૂઆતમાં, તેજ રીતે ઉનાળા અને ચોમાસા ની વચ્ચે તેમજ ચોમાસા અને શિયાળા ની વચ્ચેના સમયમાં ઉપવાસ અવશ્ય કરવા કેમકે આ સમય દરમ્યાન રોગો થવાની વધુમાં વધુ શક્યતાઓ હોય છે.
જેથી આ સમયે ઉપવાસ કરવાથી રોગોથી બચી શકાય છે. ઉપવાસ દરમિયાન ચા કે કોફી પીવાને બદલે ધાણા જીરું અને વરિયાળી ને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરમાંથી ઝેરી દ્રવ્યો એટલે કે ટોક્સિન્સ ઝડપથી બહાર નીકળે છે. આ સિવાય ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.
શરીરની સાથે સાથે મનની શુદ્ધિમાટે ઉપવાસ દરમિયાન ધ્યાન અને પ્રાણાયામ તેમજ પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવાથી શરીર નિરોગી બને છે . સાથે સાથે મન પણ શાંત અને નિર્મળ બને છે.
અમુક લોકો હોંશે હોંશે ઉપવાસ રાખી લે છે પણ ઉપવાસ તોડતી વખતે ખૂબ જ ભારે, ખુબજ ગળ્યો, તીખો કે તળેલો ખોરાક લે છે.. જેથી ફાયદાને બદલે નુકસાન થાય છે તેના બદલે ઉપવાસ તોડતી વખતે લીંબુ પાણી લઈને થોડા સમય બાદ હળવુ ભોજન લેવાથી ઉપવાસનો પૂરેપૂરો ફાયદો મળે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.