આજકાલ ઘણી ગૃહિણીઓ રોટલી બનાવતી વખતે ચીપિયાનો ઉપયોગ કરે છે. ચીપિયાથી મહિલાઓ સરળતાથી રોટલીને એક બાજુથી બીજી બાજુ ફેરવીને સરળતાથી રાંધે છે. ઘણી મહિલાઓ સ્કિન બળી જવાના ડરથી આ ચીપિયાનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં વારંવાર ગેસના સંપર્કમાં આવવાથી ચીપિયો કાળો થઈ જાય છે.
ક્યારેક તો આ કાળા ડાઘ એટલા હઠીલા થઇ જાય છે કે તે દૂર થવાનું નામ પણ નથી લેતા. એવામાં આજે આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ તમે જેને અપનાવીને કાળા રંગના ચીપિયાને સરળતાથી સાફ કરી શકો છો અને તેને એકદમ નવો બનાવી શકો છો તો ચાલો જાણીએ એવી ટિપ્સ વિશે.
સેન્ડપેપર : સેન્ડપેપરની મદદથી તમે થોડી મિનિટોમાં કાળા થયેલા ચીપિયાને સાફ કરી શકો છો. આનો ઉપયોગ કરવાથી ચીપિયો એકદમ નવો જ દેખાશે. આ માટે પહેલા એક વાસણમાં એકથી બે લિટર પાણી નાખો અને તેમાં ચીપિયાને નાખીને તેને થોડા સમય માટે આમ જ છોડી દો.
થોડા સમય પછી ડાઘ વાળી જગ્યા પર સેન્ડપેપરથી બરાબર ઘસો. સેન્ડપેપરથી ઘસવામાં લગભગ 5 થી 10 મિનિટ પછી તમે જોશો કે કાળા નિશાન સંપૂર્ણપણે દૂર થઇ ગયા છે. જો એક વારમાં ડાઘ દૂર નથી થતા તો તમે તેને ફરીથી સાફ કરી શકો છો.
લીંબુનો રસ અને મીઠું : લીંબુનો રસ અને મીઠુંનું મિશ્રણ પણ કાળા રંગના ચીપિયાને એકદમ નવો બનાવવા માટે બેસ્ટ ઉપાય બની શકે છે. આ બંને પદાર્થો જિદ્દી ડાઘોને પણ સરળતાથી સાફ કરી શકે છે.
આ માટે સૌથી પહેલા એક લિટર પાણીમાં ત્રણથી ચાર ચમચી લીંબુનો રસ અને બે ચમચી મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો. હવે આ સોલ્યુશનમાં ચીપિયાને મૂકો અને તેને લગભગ 10 મિનિટ માટે આમ જ છોડી દો. 10 મિનિટ પછી તેને સેન્ડપેપર અથવા ક્લિનિંગ બ્રશથી બરાબર ઘસીને સાફ કરો.
બેકિંગ સોડા : જો ચીપિયો ખૂબ વધારે જ કાળો દેખાય છે, તો તેને એકદમ નવો બનાવવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે બેકિંગ સોડા અને એક થી બે કપ પાણીનું દ્રાવણ તૈયાર કરો અને તેને ચીપિયા પર સારી રીતે છાંટ્યા બાદ થોડો સમય રહેવા દો. થોડા સમય પછી તેને ક્લિનિંગ બ્રશથી ઘસીને સાફ કરી લો. આમ કરવાથી ચીપિયા પરના કાળા નિશાન સરળતાથી દૂર થાય છે.
વિનેગર : વિનેગર ની મદદથી તમે ચીપિયાને સાફ કરી શકો છો. આ માટે ચીપિયા પર વિનેગર સારી રીતે છાંટીને તેને થોડા સમય માટે છોડી દો. થોડા સમય પછી ટૂથબ્રશ, સેન્ડપેપર અથવા ક્લિનિંગ બ્રશથી સાફ કરો.
સાફ કર્યા પછી તેને સામાન્ય પાણીથી પણ સાફ કરી લો. તમે જોશો કે ચીપિયો એકદમ નવો દેખાવા લાગશે. આ સિવાય તમે એમોનિયાનો પણ ઉપયોગ કરી શકો છો.