આજના સમયમાં ફ્રીજ વગર જીવવું ખુબ મુશ્કેલ લાગે છે. અત્યારે લગભગ દરેક ઘરમાં ફ્રીજનો ઉપયોગ થાય છે. ખાવાનું સિવાય પણ રસોડામાં રહેલી બીજી વસ્તુઓને પણ તેમાં રાખવામાં આવે છે. ઉનાળો હોય કે શિયાળો, ચોમાસુ દરેક ઋતુમાં ફ્રીજનો ઉપયોગ થાય છે.
ફ્રિજ ખોરાકને બગડતા અટકાવે છે અને શાકભાજી અને ફળોને લાંબા સમય સુધી તાજા રાખે છે. ઘણી વાર ફ્રિજનું તાપમાન એકદમ બરાબર હોય છે, પણ તેમ છતાં ખાવાની વસ્તુઓ બગડી જાય છે અથવા તેમાંથી દુર્ગંધ આવવા લાગતી હોય છે.
તેનું કારણ સામાનને સ્ટોર કરવાની ખોટી રીત અથવા ફ્રિજનું ગંદુ હોવું પણ હોઈ શકે છે. તેથી ફ્રિજનો ઉપયોગ કરવાની રીતમાં થોડો ફેરફાર કરીને પણ ખોરાકને દુર્ગંધથી બચાવી શકાય છે. તો ચાલો જાણીએ ફ્રિજમાંથી આવતી દુર્ગંધને દૂર કરવાના કેટલાક અસરકારક ઉપાય.
આવું બિલકુલ ના કરો : ફ્રીજમાં જરૂર કરતા વધારે વસ્તુઓ ના રાખો. ઘણી બધી વસ્તુઓ રાખવાથી તેમને ખરાબ થવાનો ભય રહે છે.
જો ફ્રિજમાં રાખવામાં આવેલી કોઈ વસ્તુની એક્સપાયર ડેટ સમાપ્ત થઈ ગઈ છે તો તેને ફેંકી દો.
જો ફ્રીજમાં કંઈ પણ પડી ગયું હોય તો તેને તરત જ સાફ કરો. દૂધ કે જ્યૂસનું એક ટીપું પણ ફ્રિજમાં દુર્ગંધ ફેલાવી શકે છે. ફ્રીજમાં ખાવાની વસ્તુઓને હંમેશા ઢાંકીને રાખો. ખુલ્લા ખોરાકની ગંધ બીજી વસ્તુઓના સ્વાદને બગાડી શકે છે.
દુર્ગંધને દૂર કરવાના ઉપાય : જો ફ્રિજમાં કેટલાક કારણોસર ફૂગ લાગી જાય તો તેને સફેદ વિનેગરથી સાફ કરો, તેનાથી દુર્ગંધ પણ દૂર થઇ જશે અને ફ્રિજ પણ સારી રીતે સાફ થઈ જશે. ફ્રિજને સાફ કરવા અને દુર્ગંધને દૂર કરવા માટે 1 કપ પાણીમાં 1 ચમચી ખાવાના સોડાને મિક્સ કરીને તેને સાફ કરો. તેનાથી ફ્રિજની દુર્ગંધ દૂર થઈ જશે.
ફ્રિજમાંથી જો કોઈ ખાટી વસ્તુની દુર્ગંધ આવતી હોય તો એક વાટકીમાં ખાવાનો ચૂનો રાખીને ફ્રિજમાં મુકો. તેનાથી દુર્ગંધ દૂર થઇ જશે. જો ફ્રિજમાંથી દુર્ગંધ આવતી હોય તો લીંબુને અડધું કાપીને ફ્રિજમાં રાખો, તેનાથી પણ દુર્ગંધ નહીં આવે.
જો તમે ક્યાંક બહાર ફરવા જવાના છો અને ફ્રિજ લાંબા સમય સુધી બંધ જ રહેવાનું છે, તો દુર્ગંધથી બચવા માટે બધા સામાનને બહાર કાઢો અને ફ્રિજને બરાબર સાફ કરો. સાથે કાચા કોલસાના આઠથી દસ ટુકડાઓને ફ્રિજમાં મુકો. આમ કરવાથી પણ દુર્ગંધ નહીં આવે.