દિવાળીના તહેવારો શરુ થવાના છે. તમારામાંથી ઘણા લોકોએ દિવાળીની તૈયારીઓ શરુ દીધી હશે. દિવાળીમાં બધા લોકો જુદી જુદી મીઠાઈઓ, વાનગી અને નાસ્તા બનાવતા હોય છે. તો અહીંયા અમે તમારા માટે પાપડ પૌઆનો ટેસ્ટી અને ક્રિસ્પી ચેવડો લઈને આવ્યા છીએ.
આ ચેવડો બનાવામાં એકદમ ક્રિસ્પી બને છે અને તેને બનાવવો પણ એકદમ સરળ છે. આ ચેવડો ગુજરાતીઓનો સૌથી વધુ પસંદનીય ચેવડો છે. આ ચેવડાને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો. નાના બાળકો માટે એકવાર આ રીતે પાપડ પૌવાનો ટેસ્ટી અને ક્રિસ્પી ચેવડો જરૂર થી બનાવજો.
સામગ્રી: 250 ગ્રામ નાયલોન પૌઆ, 4-5 અડદના પાપડ, 7-10 ચમચી તેલ, ½ કપ મગફળી ના દાણા, 3-4 લીલા સમારેલા મરચા, 15-20 લીમડાના પાન, 1 ચમચી સફેદ તલ, 7-10 કાજુ, 7-10 બદામ , ½ કપ શેકેલી ચણાની દાળ, ચપટી હિંગ, 1 ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું
1 ચમચી સંચળ, 3 – 4 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી ચાટ મસાલો / આમચૂર પાવડર
પાપડ પૌઆનો ચેવડો બનાવવાની રીત: એક પેનમાં નાયલોન પૌઆને મધ્યમ તાપ પર એક મિનિટ માટે શેકી લો. તમે ઈચ્છો તો પૌઆને 30 થી 40 મિનિટ માટે તડકામાં રાખી શકો છો. પૌઆ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. હવે પૌઆને એક બાઉલમાં કાઢી લો.
ચેવડામાં મસાલો કરવા માટે: હવે એક બાઉલમાં મીઠું, દળેલી ખાંડ, સંચળ અને ચાટ મસાલો ઉમેરો. હવે તેને શેકેલા પૌઆમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.
ચેવડો બનાવવા માટે: એક પેનમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં પાપડ નાખીને તળી લો. બધા તળેલા પાપડને પ્લેટમાં કાઢીલો અને તેના મધ્યમ કદના ટુકડા કરો. હવે એ જ પેનમાં મગફળીના દાણા નાખીને થોડાક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
ત્યાર બાદ ચેવડાને તીખાશ આપવા માટે તેમાં લીલા મરચા અને લીમડાના પાન ઉમેરો. જ્યાં સુધી મરચાં અને લીમડાના પાન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં સફેદ તલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં કાજુ અને શેકેલી ચણાની દાળ (2-3 ગરમ પાણીમાં પલાળીને રાખવી અને પછી શેકવી ) ઉમેરો.
જ્યાં સુધી તે લાઈટ બ્રાઉન ન થાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. મસાલા માટે તેમાં હિંગ અને હળદરનો પાવડર ઉમેરો. સારી રીતે ભેળવી દો.હવે ગેસ બંધ કરો અને શેકેલા પૌઆ ઉમેરો. ચમચા વડે હળવા હાથે મસાલા સાથે પૌઆને સારી રીતે મિક્સ કરો.
હવે ફરીથી ગેસ ચાલુ કરો અને ધીમી આંચ પર 5 મિનિટ માટે ચેવડાને હળવા હાથે ચમચાની મદદથી મિક્સ કરો. 5 મિનિટ પછી તમે જોઈ શકશો કે તમારો ચેવડો બરાબર ક્રિસ્પી થઇ ગયો છે. હવે છેલ્લે પાપડના ટુકડાને પૌઆમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તો અહીંયા તૈયાર છે પાપડ પૌઆ ચેવડો. આ ચેવડાને એક મહિના માટે એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
ચેવડો બનાવતા પહેલા આટલી નોંધ જરૂર લો: 1) ચેવડા માટે પાતળા અને નાયલોન પૌઆનો ઉપયોગ કરો. 2) સૂકા પૌઆને મીડીયમ આંચ પર એક મિનિટ માટે શેકી લો. 3) પાપડના ટુકડા મધ્યમ કદમાં કરો.
4) મરચાં અને લીમડાના પણ જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. 5) તેલમાં હળદરનો પાઉડર નાખવો જેથી સુંદર રંગ મળે છે.
ચેવડાને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી શેકી લો, જેથી તેમાં મસાલાનો સ્વાદ આવી જાય.