આજે અમે લઈને આવ્યા છીએ ખાટી મીઠી ચટણી સાથે કુંભણીયા ભજીયાની રેસિપી. આ ભજીયા બનાવવાની અને તળવાની રીત એકદમ અલગ જ છે. કુંભણીયા ભજીયા ફક્ત 10-15 મિનિટમાં જ બની જાય છે. આ ભજીયા બનાવવા એકદમ સરળ છે.
કુંભણીયા ભજીયા એક પ્રખ્યાત કાઠિયાવાડી શૈલીના ક્રિસ્પી ભજીયા છે. જે લીલા લસણ, મરચાં, ધાણાજીરું અને ચણાના લોટથી બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ક્રિસ્પી ભજીયા ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લામાં પ્રખ્યાત છે. તો શિયાળામાં એકવાર કુંભણીયા ભજીયા જરૂરથી બનાવો. ચાલો રેસિપી જોઈ લઈએ.
કુંભણીયા ભજીયા માટે જરૂરી સામગ્રી: 100 ગ્રામ સમારેલ લીલું લસણ, 100 ગ્રામ સમારેલા લીલા મરચા, 2 કપ સમારેલ કોથમીર, 2 ચમચી છીણેલું આદુ, 1 લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 કપ ચણાનો લોટ (બેસન), પાણી જરૂર મુજબ, તેલ
ખાટી મીઠી ચટણી માટે સામગ્રી: ¼ કપ આમલી, ¼ કપ ખજૂર, ¼ કપ ગોળ, 1.5 કપ ગરમ પાણી, ½ ચમચી જીરું પાવડર, ½ ચમચી લીલી વરિયાળીનો પાવડર, ½ ચમચી ધાણા પાવડર, ½ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, ¼ ચમચી સૂંઠ, સ્વાદ પ્રમાણે મીઠું
ખાટી મીઠી ચટણી બનાવવાની રીત: એક બાઉલમાં ખજૂર અને આમલીનો પલ્પ, ગોળ અને ગરમ પાણી ઉમેરો. સારી રીતે ભેળવી દો અને મિશ્રણને 30 મિનિટ માટે રહેવા દો. 30 મિનિટ પછી પલાળેલી ખજૂર અને આમલીનો માવો હાથની મદદથી મેશ કરી અને ગરણીની મદદથી ગાળી લો.
પછી તેમાં મસાલા માટે જીરું પાવડર, વરિયાળી પાવડર, ધાણા પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, સૂંઠ પાવડર અને મીઠું ઉમેરો. સારી રીતે ભેળવી દો. તૈયાર છે મીઠી અને ખાટી કુંભણીયા ભજીયાની ચટણી.
કુંભણીયા ભજીયા બનાવવાની રીત: સૌ પ્રથમ તીખા અને ચટપટા કુંભણીયા ભજીયા બનાવવા માટે એક બાઉલમાં ઝીણું સમારેલું લીલું લસણ, લીલું મરચું, ધાણાજીરું, છીણેલું આદુ, મીઠું અને લીંબુનો રસ ઉમેરો. હાથની મદદથી સારી રીતે ભેળવી દો.મિશ્રણને 5 મિનિટ ઢાંકીને રહેવા દો. જેથી મિશ્રણ થોડું પાણી છોડે.
5 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચણાનો લોટ ધીમે ધીમે ઉમેરો અને બધું મિક્સ કરો. લોટને મિશ્રણમાં યોગ્ય રીતે કોટ કરવો જેથી ભજીયા બનવામાં પોચા બને. થોડું થોડું પાણી ઉમેરો અને મધ્યમ જાડું બેટર બનાવો.
એક પેનમાં તેલ ગરમ કરો. હાથની આંગળીને ભીની કરી, એક સરખું બેટર લઇ અને ગરમ તેલમાં ભજીયા ઉમેરો. ત્યાર બાદ ગેસને મધ્યમ કરી અને ભજીયાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. 5 મિનિટમાં ભજીયા સારી રીતે તળાઈ જશે. ભજીયાને એક પ્લેટમાં લઇ લો. ભજીયાને ડુંગળીના ટુકડા, લીંબુનો રસ અને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરો.
જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.