જેવી ઋતુ બદલાય છે તેની સાથે ઘરમાં આમંત્રણ વગરના મહેમાનો ઘરમાં આવવા લાગે છે. અહીંયા અમે તમારા સંબંધીઓ અને મિત્રોની વાત નથી કરી રહ્યા પણ અમે વાત કરી રહયા છીએ વંદાઓ, ગરોળી, ઉંદરો, માખીઓ ઘરમાં ઘૂસી આવે છે. ખાસ કરીને ઉનાળાબી ઋતુમાં અને વરસાદની મોસમમાં તેઓ ખૂબ જ પરેશાન કરે છે.
ગઈ કાલની વાત છે, હું મારા રૂમમાં બેઠો બેઠો કામ કરી રહ્યો હતો અને માખીએ મારા નાકને ડંખ માર્યો. હું એટલો પરેશાન થઈ ગયો કે મેં તેને મારવાની કોશિશ કરી પણ કંઈ કરી શક્યો નહીં. જો તમને પણ આવી જ કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારા ઘરમાં ઘૂસેલા આમંત્રણ વગરના મહેમાનોને ભગાડી શકો છો.
1. કીડી : કંઈપણ મીઠી વસ્તુ નીચે પડી ગયા પછી તરત જ આવતી કીડીઓના કરડવાથી ખંજવાળ થવા લાગે છે. લાંબી કતારોમાં ચાલતી આ કીડીઓ પોતાની સાથે બેક્ટેરિયા લઈ જાય છે. જો તે ખોરાક સાથે ભળી જાય તો ફૂડ પોઇઝનિંગનું જોખમ રહેલું છે અને તેને કરડવાથી એલર્જી થઈ શકે છે.
કીડીઓને ભગાડવા માટે તમે તેમના ખાડા પર ટેલ્કમ પાવડર છાંટી શકો છો અથવા તેના દળમાં હળદર અથવા ફટકડી નાખી શકો છો. 2. વંદાઓ : તમારા રસોડામાં રહેતા વંદાઓ પણ તમારા માટે નુકસાનકારક છે. તેઓ ખોરાકમાં તેમની મૃત ત્વચા (ડેડસ્કિન) અને ગંદકી ઉમેરી દે છે. એ ખોરાક ખાવામાં આવે તો યુરિન ઈન્ફેક્શન અને ફૂડ પોઈઝનિંગનું જોખમ ઘણું વધી જાય છે.
વંદાઓથી છુટકારો મેળવવા માટે જ્યાં વંદાઓ હોય ત્યાં ખાંડ અને ખાવાનો સોડા નાખો અથવા ખાવાના સોડામાં થોડી ખાંડ અને લોટ મિક્સ કરીને નાના બોલ બનાવીને રસોડામાં રાખો. જેના કારણે રસોડામાં હાજર વંદોઓ દૂર ભાગી જાય છે. આ સિવાય ઘરના જે ખૂણામાં ઉપદ્રવ હોય ત્યાં લવિંગ રાખવાથી પણ ઘરમાં વંદોઓ નથી આવતા.
3. ગરોળી : ડરાવણી દેખાતી આ ગરોળીને જોઈને ઘણી સ્ત્રીઓ ચીસો પાડવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરોળી ડરામણીની સાથે જીવલેણ પણ હોઈ શકે છે. જો ગરોળી કે તેનો મળ આપણા ખોરાકમાં પડી જાય તો જીવલેણ બની શકે છે. ગરોળીથી છુટકારો મેળવવાની બે રીતો અસરકારક છે.
પહેલા કાળા મરીને પાણીમાં ભેળવીને છાંટવાથી ગરોળી ભાગી જાય છે અને બીજા ઉપાય, રૂમમાં લસણની કળીઓ રાખવાથી પણ ત્યાં ગરોળી આવતી નથી. 4. કરોળિયા : કરોળિયા પણ ખૂબ ઝેરી હોય છે. જો તે આપણી ત્વચા પર ચાલી જાય તો તે જગ્યાએ લાલ ફોલ્લીઓ નીકળી આવે અને ખંજવાળ શરૂ થઇ જાય છે.
કરોળિયામાં એક ખાસ પ્રકારનું ઝેર જોવા મળે છે જે માનવીના લોહીમાં પ્રવેશીને શારીરિક પીડા આપી શકે છે. આ કરોળિયા ઘરની અંધારાવાળી જગ્યાએ અને ગંદી જગ્યાએ રહે છે. કરોળિયા પોતે જ તેમના જીવન માટે માટે જાળ વણાવે છે, જે આપણા ઘરની દિવાલો, પલંગ, કબાટ અને દરેક જગ્યાએ બનાવે છે.
ક્યારેક તે તેમનું જાળ વણતી વખતે કરોળિયા આપણા શરીર પર પડે છે અને કરડે છે. કરોળિયાને ઘરમાંથી ભગાડવા માટે પાણીમાં મીઠું ભેળવીને ઘરના દરેક ખૂણે-ખૂણે છાંટી શકાય છે. આ સિવાય પાણીમાં વિનેગર, પેપરમિન્ટ ઓઈલ મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો.
5. મચ્છર : મચ્છરથી થતા રોગો આપણે સૌ જાણીએ છીએ. તેમના કરડવાથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ખતરનાક રોગો થાય છે. વરસાદની ઋતુમાં તેનો પ્રકોપ ખૂબ વધારે જોવા મળે છે. તેનાથી બચવા માટે તમે ઘરમાં સૂકા કડવા લીમડાના પાનનો ધુમાડો કરો અને ઘરની આસપાસ પાણી જમા ના થવા દો.
6. માખીઓ : માખીઓ તમને હેરાન કરવાની સાથે બીમારીઓ પણ ફેલાવે છે. માખીઓ ગંદી જગ્યાએ બેસી રહે છે અને જેના કારણે તેમના પગમાં ગંદકી ચોંટી જાય છે. આ ગંદકી ખાવામાં ભળી જવાથી ટાઈફોઈડ અને ટ્યુબરક્યુલોસિસ જેવી બીમારીઓ થઈ શકે છે. ઘરમાં કપૂરનો ધુમાડો કરવાથી અથવા સફરજનમાં લવિંગ દબાવી રાખવાથી માખીઓ આવતી નથી.
7. ખટમલ : ઘરમાં ખટમલ આવી ગયા પછી તેને ઓછા કરવા ખુબ જ મુશ્કેલ છે કારણ કે તે ખૂબ જ ઝડપથી વધે છે. તેમના કરડવાથી શરીર પર ઇન્ફેક્શન અને ખંજવાળ થઈ શકે છે. પથારી પર તેમની ત્વચા પડવાને કારણે અસ્થમાનું જોખમ રહેલું છે.
બેડબગ્સથી છુટકારો મેળવવા માટે તમે બેડબગનો ઉપદ્રવ હોય તે જગ્યા પર લીમડાના તેલનો છંટકાવ કરો. આ સિવાય તમે બેડશીટ પર ફુદીનાના પાન પણ ઘસી શકાય છે. 8. ઉંદર : ઉંદર ભલે તમને તમારા માટે હાનિકારક ના લગતા હોય પરંતુ જો cની ગંદકી તમારા ખોરાકમાં ભળી જાય તો લીવર અને કિડનીને નુકસાન થવાનું જોખમ રહેલું છે.
આ સિવાય તે તમારા રસોડામાં રાખેલી વસ્તુઓ ખાય છે અને તમારા કિંમતી કપડા પર જીણા જીણા કાણા કરે તે અલગ. તમારા ઘરમાંથી ઉંદરોને ભગાડવા માટે તમે જે ખાડાઓથી ઉંદરો આવે છે ત્યાં ડુંગળીના ટુકડા અથવા ફિનાઈલની ગોળીઓ નાખી દો. જો તમારા ઘર પર આ અનિચ્છનીય મહેમાનોએ કબજો જમાવી લીધો છે તો આ ઉપર જણાવેલ ટિપ્સની મદદથી તેમને ઘરેથી ભગાડી શકો છો.