રાજમા મોટાભાગે ઘરોમાં બનાવવામાં આવે છે. પણ જો તમે એક જ જેવા રાજમા બનાવીને ખાઈને કંટાળી ગયા હોય તો આ વખતે રાજમાને પનીરની સાથે બનાવીને ટ્રાય કરી શકો છો. રાજમામાં પનીરનો સ્વાદ પણ અદ્ભુત આવશે.
જો તમે પણ એકવાર ખાશો તો, જયારે પણ તમે રાજમાં ખાશો ત્યારે પનીર રાજમા વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો જાણીએ શું છે રાજમા અને પનીરનું શાક બનાવવાની રીત.
સામગ્રી
રાજમા 100 ગ્રામ, પનીર 200 ગ્રામ, 2-3 ડુંગળીની પેસ્ટ, 2-3 ટામેટાની પેસ્ટ, લાલ મરચું પાવડર 2 ચમચી, હળદર 1 ચમચી, ધાણા પાવડર 2 ચમચી, જીરું 1 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, કિચન કિંગ મસાલો 1/2 ચમચી, 2 તમાલપત્ર, એક ઈંચ તજનો ટુકડો, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 2 ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું.
રાજમા પનીર બનાવવાની રીત
સૌથી પહેલા રાજમાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે જ્યારે તે ફૂલી જાય ત્યારે તેને કૂકરમાં પાણી ઉમેરીને બાફી લો. રાજમાને બાફતી વખતે તેમાં થોડું મીઠું નાખો જેથી તે ઝડપથી ચડી જાય.
4 થી 5 સીટી વાગે પછી ગેસ બંધ કરી દો. પનીરના પણ નાના ચોરસ ટુકડા કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં પનીરના ટુકડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. જ્યારે પનીરની કિનારીઓ સોનેરી કલરની થઈ જાય ત્યારે આ પનીરના ટુકડાને તેલમાંથી બહાર કાઢીને બાજુ પર રાખો.
હવે પેનમાં બાકી રહેલા તેલમાં જીરું નાખો. જીરું તતડવા લાગે, ત્યારે તજ અને તમાલપત્ર પણ ઉમેરો. જ્યારે જીરું ફૂટે ત્યારે તેમાં ડુંગળીની પેસ્ટ નાખીને સાંતળો. ત્યાર પછી, તેમાં આદુ લસણની પેસ્ટ નાખીને થોડી વાર પકાવો.
થોડી વાર પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર નાખીને સાંતળો. સારી રીતે ફ્રાય કર્યા પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખીને હલાવો. જ્યારે ગ્રેવી તેલ છોડવા લાગે ત્યારે તેમાં બાફેલા રાજમા ઉમેરો અને મિક્સ કરો.
ગ્રેવી કેટલી જાડી બનાવવી છે તે પ્રમાણે તમે પાણી અને મીઠું ઉમેરો. છેલ્લે, ફ્રાય કરેલા પનીરના ટુકડા ઉમેરીને ગેસ ધીમો કરીને, તેને આઠથી દસ મિનિટ માટે રાંધવા દો. છેલ્લે, ગેસ બંધ કરીને અને લીલી કોથમીરથી ગાર્નિશ કરીને, રોટલી અથવા ભાત સાથે ગરમાગરમ સર્વ કરો.
Comments are closed.