જ્યારે તમે ઘરે હોવ અને તમને સાંજે નાસ્તામાં કંઈ મસાલેદાર ખાવાનું મન થયું છે પરંતુ સમજાતું નથી કે શું ખાવું તો તમે તમારે ઘરે આ રીતે ચોખા અને બટાકાનો નાસ્તો બનાવીને ખાઈ શકો છો.
ચોખામાંથી બનતો આ નાસ્તો ઘરે સરળતાથી બની જાય છે. તમે તેને સવાર અને સાંજના નાસ્તામાં ઝડપથી બનાવીને ખાઈ શકો છો. જો તમે આ રીતે નાસ્તો બનાવશો તો બાળકો અને મોટી ઉંમરના લોકો પણ ઉત્સાહથી ખાશે.
સામગ્રી : ચોખા 2/3 કપ, જીરું 1 ચમચી, બાફેલા બટાકા 4, સમારેલી ડુંગળી 1, છીણેલું આદુ લસણની પેસ્ટ 1 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, રેડ ચીલી ફ્લેક્સ (ક્રશ કરેલ લાલ સૂકું મરચું) 1 ચમચી, શાકનો મસાલો 1 ચમચી, મીઠું 1/2 ચમચી, થોડી કોથમીર, સમારેલી પાલક અને ખાવાનો સોડા 1/4 ચમચી.
હવે જોઈએ ચટણીની માટે સામગ્રી : લીલા મરચા 4, લસણની કળી 5, આદુ 1/2 ચમચી, થોડી કોથમીર, બેસન સેવ 2 ચમચી અને મીઠું 1/2 ચમચી અથવા સ્વાદ મુજબ.
નાસ્તો બનાવવાની રીત : નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ કાચા ચોખાને પાણીમાં 2 કલાક માટે પલાળી દો, જ્યારે 2 કલાક પછી ચોખા ફૂલી જાય એટલે ચોખામાંથી પાણી નિતારી લો. હવે મિક્સર જારમાં પલાળેલા ચોખા અને એક ચમચી જીરું નાખીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને બાજુમાં રાખો.
આ પછી, એક મોટા વાસણમાં ચાર બાફેલા બટાકાને તોડીને મેશ કરો. બટાકાને મેશ કર્યા પછી તેમાં ચોખાની પેસ્ટ, અડધી ચમચી ચાટ મસાલો, એક ચમચી શાકનો મસાલો, એક ઝીણી સમારેલી ડુંગળી, એક ચમચી છીણેલું લસણ આદુની પેસ્ટ, 1 ચમચી ક્રશ કરેલું સૂકું લાલ મરચું, 1/2 ચમચી મીઠું, એક ચતુર્થાંશ ચમચી ખાવાનો સોડા, થોડી સમારેલી કોથમીર,ઝીણી સમારેલી પાલકને ઉમેરીને બટાકામાં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને નાસ્તા માટે મિશ્રણ તૈયાર કરો.
પછી મિશ્રણને ઢાંકીને 5 મિનિટ માટે બાજુ પર રાખો અને ત્યાં સુધી તમે નાસ્તા માટે ચટણી બનવી લો. ચટણી માટે મિક્સર જારમાં થોડી કોથમીર, 3-4 લીલા મરચાં, 5-6 લસણની કળી, 2 ઇંચ આદુ ટુકડો, 2 ચમચી બેસન સેવ અને થોડું પાણી ઉમેરીને પીસીને કાઢી લો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સ કરી લો. ચટણી તૈયાર છે.
હવે તમારા હાથમાં થોડું તેલ લગાવો અને બટાકાનું મિશ્રણ બનાવેલું છે તેનું મિશ્રણ લઈને બંને હાથ વડે ગોળ બોલ્સ બનાવો અને તેને હળવા હાથે સહેજ દબાવો, જેથી ટિક્કી જેવો આકાર બની જાય.
આ રીતે બધા બોલ્સ બનાવી લો.
હવે તળવા માટે કડાઈને ગેસ પર મૂકીને તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે બોલ્સને તેલમાં નાખો અને મધ્યમ આંચ પર તળી લો. વચ્ચે વચ્ચે ફેરવતા રહો, ઉપરથી સોનેરી રંગનો થાય ત્યાં સુધી તળો. તો જ ઉપરથી ક્રિસ્પી બનશે અને ખાવામાં સ્વાદિષ્ટ ટેસ્ટી બનશે.
જ્યારે નાસ્તો બની જાય એટલે ચટણી સાથે સર્વ કરો. આ રીતે જ્યારે પણ તમને સવાર કે સાંજે મસાલેદાર નાસ્તો બનાવવાનું મન થાય ત્યારે આ નાસ્તો બનાવવાનું ટ્રાય કરજો. તેને દરેક ઋતુમાં ખાઈ શકાય છે.
નોંધ : નાસ્તામાં જ્યારે તમે બધી વસ્તુઓને મિક્સ કરીને મિશ્રણ બનાવો ત્યારે તેમાં પાણી બિલકુલ ઉમેરશો નહીં. જો તમને મિશ્રણ વધારે સૂકું લાગે તો જ 1 ચમચી પાણી ઉમેરો. કારણ કે જો મિશ્રણ વધુ ભીનું થઇ ગયા પછી નાસ્તો તળ્યા પછી ઉપરથી ક્રિસ્પી નહીં બને.