કારેલાનું શાક સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આપણા દાદી પણ કહેતા હોય છે કે કારેલા ખાઓ, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે. આ શાકભાજીના ઘણા ફાયદા છે. જો કે બાળકોને કડવા કારેલા ખાવાનું ગમતું નથી. પરંતુ આજે અમે તમારા માટે કારેલાનું શાક બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.
આ રેસિપી જાણીને પછી તમે આ રીતે શાક બનાવશો તો તમારું શાક બિલકુલ કડવું નહીં થાય અને ઘરના બધા લોકો પણ આંગળીઓ ચાટતા રહી જશે. આ શાકને તમે રોટલી, પરાઠા અને દાળ ભાત સાથે પીરસી શકો છો તો ચાલો જોઈએ કારેલાનું શાક બનાવવાની રીત.
સામગ્રી : કારેલા 250 ગ્રામ, ડુંગળી 3, તેલ 3 ચમચી, વરિયાળી 1 ચમચી, જીરું 1 ચમચી, ધાણાજીરું પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, હળદર પાવડર 1 ચમચી, 2 ટામેટાની પ્યુરી, આમચૂર પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ.
કારેલાનું શાક બનાવવાની રીત : શાક બનાવવા માટે પહેલા કારેલાને પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી તેને પાતળા ગોળ ગોળ આકારમાં સમારી લો. પછી કારેલામાં એક ચમચી મીઠું નાખો અને પછી તેને 10 મિનિટ ઢાંકીને રાખો જેથી કરીને કારેલા પાણી છોડવા લાગશે.
લગભગ 10 મિનિટ પછી કારેલાને બંને હાથથી નિચોવીને તેનું પાણી કાઢી લો. આ દરમિયાન કારેલાના બીજ પણ સરળતાથી નીકળી જશે તો બીજને પણ કાઢી લો. હવે ગેસ પર એક કડાઈને મૂકો અને કારેલાને તળવા માટે તેલ ઉમેરો અને ગરમ કરો.
તેલ ગરમ થયા પછી કારેલાને કડાઈમાં નાંખો અને તેને 2 થી 3 મિનિટ માટે ધીમી આંચ પર તળી લો. જેથી કારેલા તળ્યા પછી થોડા નરમ થઈ જાય. હવે શાક બનાવવા માટે એક કડાઈમાં 1 ચમચી તેલ નાખીને બરાબર ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું અને એક ચમચી વરિયાળી નાખીને ચટકાવા દો. આ પછી તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર, એક ચમચી હળદર પાવડર, એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરો.
ત્યાર બાદ બે ટામેટાની પ્યુરી, એક ચમચી આમચૂર પાઉડર ઉમેરો અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી મધ્યમ આંચ પર જ્યાં સુધી મસાલો બરાબર બફાઈ ન જાય અને તેલ ના છોડી દે ત્યાં સુધી ગ્રેવીને પકાવો.
ગ્રેવી સારી રીતે રાંધ્યા પછી હવે ત્રણ ડુંગળીને મીડીયમ ટુકડામાં કાપીને ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો અને બે થી ત્રણ મિનિટ સુધી પકાવો, જેથી મસાલામાં ડુંગળી સારી રીતે રંધાઈને નરમ થઈ જાય.
ત્યાર બાદ તેમાં તળેલા કારેલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. કરેલા ઉમેર્યા પછી ગેસ ઓછો કરો અને કઢાઈને ઢાંકીને, શાકને ધીમી આંચ પર 4 થી 5 મિનિટ સુધી ચડવા દો. શાકને વચ્ચે-વચ્ચે એક કે બે વાર હલાવતા રહો જેથી શાક કઢાઇની તળિયે બળી ન જાય.
શાકને સારી રીતે ચડી જાય પછી ગેસ બંધ કરો અને તેમાં થોડી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો. હવે કારેલાનું તીખું અને મસાલેદાર શાક તૈયાર છે. હવે તેને રોટલી, પરાઠા, પુરી અને દાળ ભાત સાથે પીરસો.
ધ્યાન રાખો : કાચા કારેલામાં મીઠું પહેલાથી નાખવામાં આવેલું હોવાથી, મસાલો રાંધતી વખતે સ્વાદ અનુસાર મીઠું નાખો, જેથી શાકમાં મીઠું ન થઇ જાય. મસાલાને ઊંચી આંચ પર ના રાંધશો, કારણ કે મસાલા ઊંચી આંચ પર સારી રીતે રંધાતા નથી અને ઝડપથી કઢાઇના તળિયે બળવા લાગે છે.