આજે ગણપતિ બાપ્પાનો તહેવાર શરુ થઇ રહ્યો છે ભગવાન ગણેશના જન્મદિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને તમામ દુ:ખોનો નાશ કરનાર અને સંકટોને દૂર કરનાર કહેવામાં આવે છે. જો કે કોઈપણ નવું શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. પરંતુ કેમ કરવામાં આવે છે તે વિશે આ લેખમાં જાણીશું.
કોઈ પણ નવા કામ કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મના લોકોનું એવું માનવું છે કે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતી વખતે ભગવાન ગણેશની પૂજા કરવાથી તે કાર્યમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવતો નથી.
ઘણા લોકો એવું પણ માને છે કે ગણેશજીની પૂજા કરવાથી જો તમારી સફળતાના કે કામમાં કોઈ અવરોધ આવે છે તો તે ભગવાન ગણેશની કૃપાથી દૂર થઈ જાય છે. તેથી કોઈપણ શુભ કામની શરૂઆતમાં પહેલા ગણેશજીની પૂજા કરવી જોઈએ.
તમે પણ જોતા આવ્યો હશો કે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા પંડિતજી સૌથી પહેલા શ્રી ગણેશાય નમઃ લખે છે. તેનો અર્થ છે કે ભગવાન ગણેશનું નામ લખીને નવા કાર્યની શરૂઆત કરવામાં આવી રહી છે. તેની પાછળ પણ પૌરાણિક કથા છે જે તમારે જણાવી જોઈએ.
કેમ સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે, તો એક દંતકથા અનુસાર, એકવાર બધા દેવતાઓ વચ્ચે એક વસ્તુને લઈને વિવાદ શરૂ થયો હતો. આ વિવાદનું કારણ એક હતું કે કોઈ પણ શુભ કામ કરતા સૌથી પહેલા કયા ભગવાનની પૂજા કરવી જોઈએ.
બધા દેવતાઓનું પોતપોતાનું મહત્વ અને પોતપોતાના કાર્યો હોય છે. આવી સ્થિતિમાં પહેલા કયા દેવતાની પૂજા કરવી જોઈએ તે અંગે તમામ દેવતાઓમાં ચર્ચા વિચારણા ચાલી રહી હતી. દરેક દેવતા પોતાને સર્વશ્રેષ્ઠ ગણવા લાગ્યા કારણ કે દરેક દેવતા ઈચ્છતા હતા કે કોઈપણ કાર્ય પહેલા તેમની સૌ પ્રથમ પૂજા કરવામાં આવે.
બધા પોતપોતાના ગુણના વખાણ કરવા લાગ્યા, તે જ સમયે નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા જ્યારે તેમને આ વિવાદ વિશેની જાણ થઈ, ત્યારે તેઓ ત્યાં પ્રગટ થયા અને તેમણે બધા દેવતાઓને ભગવાન શિવ પાસે જઈને શિવ જોડે આ પ્રશ્નનો જવાબ મેળવવાની સલાહ આપી.
બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા અને આ પ્રશ્ન લઈને પોતાનો પક્ષ રજૂ કરવા લાગ્યા. આ વિવાદનો કોઈ સાચો રસ્તો નીકળે તે માટે ભગવાન શિવે એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભગવાન શિવે બધા દેવતાઓને કહ્યું કે આ સમગ્ર બ્રહ્માંડની સાત પરિક્રમા કર્યા પછી જે કોઈ પણ દેવતા મારી પાસે સૌ પ્રથમ પહોંચશે તેને વિજયી જાહેર કરવામાં આવશે અને તેની સૌથી પહેલા પૂજા કરવામાં આવશે.
આ સાંભળીને બધા દેવતાઓ પોતપોતાના વાહનો પર બેસીને બ્રહ્માંડની પરિક્રમા ફરવા લાગ્યા. આ સ્પર્ધામાં ભગવાન ગણેશજીએ પણ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે જ્યારે તમામ દેવતાઓ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી રહ્યા હતા ત્યારે જ ગણેશજીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને તેઓ પોતાના માતા-પિતા એટલે કે શિવ અને પાર્વતીની સાત પરિક્રમા કરવા લાગી ગયા.
આ પછી, જ્યારે તમામ દેવતાઓ બ્રહ્માંડની પરિક્રમા કરીને ભગવાન શિવ-પાર્વતી પાસે પહોંચ્યા ત્યારે ભગવાન ગણેશજીને સ્પર્ધાના વિજેતા જાહેર કરવામાં આવ્યા. આ સાંભળીને બધા દેવતાઓ અને ભગવાન ગણેશના ભાઈ કાર્તિકેયને પણ આશ્ચર્ય થયું હતું. જ્યારે બધા દેવતાઓએ પૂછ્યું કે ગણેશજીને કેમ વિજેતા જાહેર કરવામાં આવ્યા ?
તો ભગવાન શિવે બધાને કહ્યું કે ‘આ જગતમાં માતા-પિતાને સમગ્ર બ્રહ્માંડ અને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે તેથી આખી દુનિયા માતા અને પિતાના ચરણોમાં જ વસે છે. ભગવાન શિવે કહ્યું કે ‘ગણેશે તેના માતા-પિતાની પરિક્રમા કરી હતી એટલે તેણે આખા બ્રહ્માંડની પરિક્રમા કરી લીધી છે અને સૌથી પહેલા તેણે આ કાર્ય કર્યું, તેથી તે આ સ્પર્ધામાં ગણેશ વિજયી બન્યા.
ત્યારથી કોઈ પણ કામ કરતા પહેલા સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તો આજે ગણેશ ચતુર્થીના પવન તહેવાર પર આ હતી ગણેશજી સાથે જોડાયેલી માહિતી. જો તમને ખરેખર આ લેખ ગમ્યો હોય તો આવા જ અન્ય લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા જોડાયેલા રહો.