છોલે બધાને સૌથી વધુ ગમે છે અને આપણા ઘરે અઠવાડિયામાં એકવાર છોલે ચણા બનાવીએ જ છીએ. છોલે બનાવવાની દરેકની પોતાની અલગ રીત હોય છે. પણ આજે હું તમને શીખવાડીશ કે એકદમ ઇન્સ્ટન્ટ અને નવી સ્ટાઇલથી છોલે કેવી રીતે બનાવી શકાય. તમારે તેને બનાવવા માટે ચણાને અલગથી બાફવાની પણ જરૂર નથી.
કારણ કે જ્યારે પણ આપણે છોલે બનાવીએ ત્યારે તેને અલગથી બાફીએ છીએ અને પછી ગ્રેવી બનાવીએ છીએ અને પછી છોલે બને છે અને તેમાં ઘણો બધો સમય લાગે છે. પરંતુ જો તમે આ રીતે છોલે બનાવશો તો વધુ સમય લાગશે નહીં અને છોલે પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.
સામગ્રી : કાબુલી ચણા – 250 ગ્રામ (પાણીમાં 7 થી 8 કલાક પલાળી રાખો), ટામેટાં – 2 મોટી સાઈઝ (મિક્સરમાં પાણી વગર પેસ્ટ બનાવો), લસણ – 10 થી 12 કળીઓ, આદુ – 1 ઇંચનો ટુકડો, ડુંગળી – 4 મધ્યમ કદના રફલી સ્લાઈસમાં કાપો, છોલે મસાલો – 1.5 ચમચી, જીરા પાવડર – અડધી ચમચી,
હળદર પાવડર – અડધી ચમચી, ગરમ મસાલો – અડધી, લાલ મરચું – 2 ચમચી, ધાણાજીરું – અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ, કોથમીર જીણી સમારેલી, તેલ – 5 થી 6 ચમચી, જીરું – 1/2 ચમચી, તમાલપત્ર – 2, તજનો ટુકડો – અડધો ઇંચ, જાવિત્રી – 1/2 ફૂલ, લીલી ઈલાયચી – 2, મોટી ઈલાયચી – 1.
છોલે મસાલા બનાવવાની રીત : સૌથી પહેલા ડુંગળી, આદુ અને લસણની પેસ્ટ બનાવો. એક મિક્સર જાર લો, તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણની કળી અને આદુ, તેમાં થોડું પાણી ઉમેરીને તેની સ્મૂધ પેસ્ટ બનાવો.
હવે છોલે બનાવવા માટે એક કૂકર લો અને કુકરમાં તેલ નાખીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં બધા જ આખા ગરમ મસાલા (જીરું, તમાલપત્ર, તજ, જાવિત્રી, ઈલાયચી નાખીને તતડવા દો. પછી તેલમાં ડુંગળી, લસણ અને આદુને પીસીને બનાવેલી પેસ્ટ ઉમેરીને મિક્સ કરો અને એક મિનિટ સુધી પકાવો.
પછી આ પેસ્ટમાં લાલ મરચું પાવડર અને હળદર ઉમેરીને મિક્સ કરો અને પેસ્ટમાંથી હળવું હળવું તેલ નીકળે ત્યાં સુધી શેકો. જ્યારે તમને પેસ્ટમાંથી તેલ છૂટું દેખાવાનું શરૂ થાય, પછી જે ટમેટાની પેસ્ટ તૈયાર કરવામાં આવી છે તેમાં ઉમેરો અને તેને મિક્સ કરીને ટામેટાની પેસ્ટને એક મિનિટ માટે ફ્રાય કરો.
ત્યાર બાદ તેમાં ધાણા પાવડર, જીરું પાવડર અને છોલે મસાલો નાખીને મિક્સ કરો અને કૂકરને ઢાંકીને એક મિનિટ સુધી પકાવો.હવે કૂકરમાં પલાળેલા ચણાનું પાણી નાખીને મિક્સ કરો અને હવે દોઢથી બે ગ્લાસ પાણી ઉમેરીને મિક્સ કરો અને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરો.
ત્યાર બાદ કૂકરની સીટી લગાવીને મધ્યમ આંચ પર કૂકરમાં પાંચ સીટીઓ વગાડો. 5 સીટી પછી ગેસ બંધ કરો અને જ્યાં સુધી કૂકરમાં પ્રેશર હોય ત્યાં સુધી તેને ખોલશો નહીં. જ્યારે પ્રેશર બહાર નીકળી જાય, પછી કૂકર ખોલો અને હવે ચણાને સ્પેટુલામાં લો અને તેને તમારા હાથથી મેશ કરો.
જો ચણા મેશ થાય છે તો તમારા ચણા સારી રીતે રંધાઈ ગયા છે અને જો તમારા ચણા મેશ ન થતા હોય તો ફરીથી કૂકર પર ઢાંકણ મૂકી એકથી બે સીટી વગાડો. ચણા સારી રીતે ચડી જાય પછી તેમાં ગરમ મસાલો પાવડર અને લીલી કોથમીર નાખી એક મિનિટ ઢાંકીને પકાવો.
એક મિનિટ પછી ગેસ બંધ કરો અને તમારો છોલે મસાલા ચણા તૈયાર છે. હવે તમે તેને ભાત, પૂરી, રોટલી કે કુલચા સાથે ખાઈ શકો છો. જો તમને આવી અવનવી રેસિપી જાણવી પસંદ હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.