આજના સમયમાં મોટાપો એક મોટી સમસ્યા છે. બેઠાડુ જીવન, ખાવાની ખોટી આદતો અને વધુ પડતો તણાવ વજન વધવાના કેટલાક કારણો છે. સામાન્ય રીતે, લોકો મોટાપાને તેમના દેખાવ સાથે સાંકળે છે અને તેથી સારી ફિગર મેળવવા માટે સખત મહેનત કરે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે, શરીની વધતી જતી ચરબી અને વજન ફક્ત તમારા શારીરિક દેખાવને જ અસર કરતી નથી, તે તમારા સ્વાસ્થ્યને પણ ખરાબ અસર કરે છે. જ્યારે તમારું વજન અતિશય વધી જાય છે, ત્યારે તમારું શરીર બીજી ભયંકર બીમારીઓને પણ નોતરે છે.
હા, વધારે વજન હોવાના કારણે બીજા પણ ઘણા સ્વાસ્થ્ય જોખમો વધી જાય છે. તો આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક બીમારીઓ વિશે જણાવી રહ્યા છીએ, જે મોટાપો વધવાથી થઇ શકે છે.
ટાઈપ 2 ડાયબિટીસ : ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા મોટાભાગના લોકોનું વજન વધારે હોય છે અથવા મોટાપો ધરાવતા હોય છે. ટાઇપ 2 ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે તમારી બ્લડ સુગર સામાન્ય કરતા વધારે હોય છે.
સમય જતાં, આ બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હૃદય રોગ, સ્ટ્રોક, કિડની રોગ અને દ્રષ્ટિની સમસ્યાઓ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારું વજન ઘટાડવાનો પ્રયાસ કરો છો, તો તમે ટાઇપ 2 ડાયાબિટીસને થતા અટકાવી શકો છો અથવા ટાળી શકો છો.
હૃદય રોગ : મોટાપા ધરાવતા લોકોમાં હૃદય રોગ થવાની સંભાવના વધી જાય છે. વાસ્તવમાં, સમય જતાં હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં ફેટી જમા થઈ શકે છે. જેના કારણે સ્થૂળતા ધરાવતા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર, લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ શુગર થાય છે, આ બધાથી હૃદય રોગ થવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે.
સ્ટ્રોક : મોટાપા ધરાવતા લોકોને સ્ટ્રોક થવાની શક્યતા વધુ હોય છે. સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મગજમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે. સ્ટ્રોક મગજની પેશીઓને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે વ્યક્તિની કમજોર માંસપેશીઓ, બોલવામાં અને સાંભળવામાં અને વિચારવાની ક્ષમતા પર પણ અસર થઈ શકે છે.
સ્લીપ એપનિયા : સ્લીપ એપનિયા એક એવી વિકૃતિ છે જેમાં વ્યક્તિ સૂતી વખતે શ્વાસ લેવાનો બંધ કરી શકે છે. જે લોકોનું વજન વધારે છે તેમને સ્લીપ એપનિયા થવાનું જોખમ સૌથી વધુ હોય છે. આ એટલા માટે છે કારણ કે તેમના ગળામાં વધારાની ચરબી જમા થઇ જાય છે, જે વાયુમાર્ગને સાંકડી બનાવે છે.
સાંકડી વાયુમાર્ગને કારણે રાત્રે નસકોરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ કિસ્સામાં, વજન ઘટાડવાથી તમને ગરદનમાં ચરબીનું પ્રમાણ ઘટાડવામાં અને સ્લીપ એપનિયાના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે છે.
હાઈ બ્લડ પ્રેશર : વધારે વજન ક્યાંકને ક્યાંક હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સાથે જોડાયેલું છે. વાસ્તવમાં, શરીરમાં હાજર વધારાની ચરબીના પેશીઓને વધુ ઓક્સિજન અને પોષક તત્વોની જરૂર હોય છે. આનાથી તમારી રક્તવાહિનીઓ વધારાની ચરબીયુક્ત પેશીઓમાં વધારાનું લોહી પંપ કરે છે.
જેનો સીધો અર્થ એ છે કે તમારા હૃદયને તમારા સમગ્ર શરીરમાં લોહી પંપ કરવા માટે વધારાની મહેનત કરવી પડશે. જેના કારણે તમારા હૃદય પર વધારાનું દબાણ પડતું હોય છે અને વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
તો હવે તમે પણ તમારું વજનને નિયંત્રણમાં રાખો અને તમારી જાતને બીજી ઘણી બીમારીઓથી બચાવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.