સ્ટફ્ડ ડુંગળી, એક એવું શાક જે ઘણા લોકો જાણતા નથી પરંતુ એકવાર કોઈ તેને ખાઈ લે છે તો તે ક્યારેય તેને ખાવાની ના પાડશે નહીં. આ શાક મોટાભાગે રાજસ્થાનમાં વધારે બનાવવામાં આવે છે. આ રાજસ્થાનનું ખૂબ જ લોકપ્રિય શાક છે.
પરંતુ હવે આ શાક ખાવા માટે તમારે રાજસ્થાન જવાની કોઈ જરૂર નથી. અમે તમારા માટે લાવ્યા છીએ સ્વાદિષ્ટ ભરેલા ડુંગળીના શાકની ખૂબ જ સરળ રેસિપી. જેને વાંચીને તમે ઘરે સરળતાથી આ શાક બનાવી શકો છો.
આ શાકભાજી માટે તમારે ફક્ત ડુંગળી, ટામેટાં અને કેટલાક રસોડામાં રહેલા મસાલાની જરૂર પડશે. તેને બનાવવા માટે થોડી જ સામગ્રીની જરૂર પડશે, પરંતુ તે થોડી સામગ્રીનો ઉપયોગ કરીને જે શાક બનશે તેની પ્રશંસા કરવાનું તમે પણ ભૂલશો નહીં.
~
- સામગ્રી :
- ડુંગળી 6 થી 7 (નાની સાઈઝ)
- ટામેટા 1
- લીલા મરચા 3 થી 4
- મગફળી ¼ કપ
- જીરું ½ ચમચી
- તેલ 2 ચમચી
- સ્વાદ માટે મીઠું
- લાલ મરચું પાવડર ½ ચમચી
- હળદર પાવડર ¼ ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- તજની લાકડી 1 ઇંચ
- તમાલપત્ર 1
- કસુરી મેથી ½ ચમચી
~
સ્ટફ્ડ ડુંગળીનું શાક બનાવવાની રીત:
શાક બનાવવા માટે, ડુંગળીની છાલ કાઢીને ડુંગળીને વચ્ચેથી કટ કરીને રાખો. ડુંગળીને સંપૂર્ણપણે કાપશો નહીં. ગ્રેવી બનાવવા માટે, 1 મધ્યમ કદની ડુંગળી લો અને એક મિક્સર જાર લો અને તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચાં, મગફળી, જીરું, તજ ઉમેરો અને તે બધાની ઝીણી પેસ્ટ બનાવો.
હવે કડાઈમાં તેલ મૂકીને ગેસ પર ગરમ થવા મૂકો. પછી તેલમાં નાની ડુંગળીઓ નાખો. ડુંગળી હળવા સોનેરી થાય ત્યાં સુધી તળો અને પછી પ્લેટમાં કાઢી લો. પછી તે જ તેલમાં તમાલપત્ર અને તૈયાર ડુંગળી ટામેટાની પેસ્ટ નાંખો અને બધી વસ્તુઓને 1 મિનિટ માટે તેલમાં સાંતળી લો.
હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણા પાવડર અને ગરમ મસાલો નાખી બધા મસાલાને કરછી વડે મિક્સ કરો અને ગ્રેવીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી સારી રીતે સાંતળો. જ્યારે ગ્રેવીમાંથી તેલ ઉપર આવવા લાગે ત્યારે તેમાં એક કપ પાણી ઉમેરો અને તેને ચમચાથી હલાવીને બધા મસાલા સાથે મિક્સ કરો.
હવે તેમાં ફ્રાય કરેલી ડુંગળી અને કસૂરી મેથી ઉમેરો અને કરછી વડે હલાવતા રહો, જ્યાં સુધી ડુંગળી મસાલા સાથે મિક્સ ન થઇ જાય. હવે શાકને ઢાંકીને 8 થી 10 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો.
ડુંગળી બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
તૈયાર છે ટેસ્ટી ભરેલા ડુંગળીનું શાક. હવે તેને ગરમા-ગરમ ફુલકા કે પરાઠા અથવા રોટલી સાથે સર્વ કરો. જો તમને રેસિપી ગમી હોય તો, આવી વધી વાનગીઓ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
નૉધ: તમે ઈચ્છો તો આ શાકને કુકરમાં પણ બનાવી શકો છો. કૂકરમાં બનાવતી વખતે, કૂકરની માત્ર 1 સીટી વાગે ત્યાં સુધી શાકને રાંધો. અને પછી કૂકરનું પ્રેશર પૂરું થઈ જાય પછી એક બાઉલમાં શાકને કાઢી લો.
આ પણ વાંચો:
સરગવાનું શાક બનાવવાની રીત
પાલક અને બટાકાનું આવું અદભુત શાક કદાચ નહીં ખાધું હોય
હવેથી ચોખાની નહીં પણ સોજી અને અડદની દાળની બનાવો રવા ઈડલી