શિયાળાની ઋતુમાં મળતા આમળા પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેને આપણે પાવરહાઉસ પણ કહી શકીયે અને તેના અનંત સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું ફળ છે. તમે તેનું સેવન કોઈપણ સ્વરૂપમાં કરી શકો છો, જેમ કે તેનો રસ બનાવીને, પાવડર અથવા કાચા.
તેના કડવા સ્વાદને કારણે ઘણા લોકો તેને કાચા ખાવાના બદલે તેનો રસ બાનવીને પીવાનું પસંદ કરે છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તમે તમારી માતા અથવા દાદી પાસેથી તેના સ્વાસ્થ્ય લાભ વિશે સાંભળ્યું જ હશે પરંતુ શું તમે જાણો છો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો છે જ પણ તેની સાથે તે ત્વચા માટે પણ એટલું જ ફાયદાકારક છે.
આમળાનો રસ તમારી ત્વચાની બધી સમસ્યાઓને દૂર કરી શકે છે, જેમ કે ખીલ, ડાર્ક સ્પોટ્સ અને કરચલીઓ વગેરે સામેલ છે. તો, ચાલો આ લેખ દ્વારા જાણીએ કે શા માટે આમળાનો રસ આપણી ત્વચા માટે અમૃત સમાન છે. આમળાના ફાયદાઓ વિશે જણાવતા પહેલા તમને જણાવવા જઈ રહયા છીએ આ આમળાનો રસ ઘરે કેવી રીતે બનાવી શકાય છે.
આમળાનો રસ બનાવવાની રીત : સૌથી પહેલા 2 થી 3 આમળા લઈને તેને સારી રીતે ધોઈ લો. ધોયા પછી તેના નાના-નાના ટુકડા કરો અને તેમાંથી બીજને કાઢી લો. આ ટુકડાઓને બ્લેન્ડરમાં નાખો અને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવવા માટે બ્લેન્ડ કરો. એક બાઉલ પર સ્વચ્છ કપડું મૂકો અને તેના પર પેસ્ટને નાખો. હવે કપડું નીચોવીને રસને ફિલ્ટર કરો. તો અમલનો રસ તૈયાર છે.
ત્વચા શા માટે ચમકદાર બને છે : આમળાનો રસ ખાસ કરીને સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે ભંડાર છે. જ્યારે મધ સાથે લેવામાં આવે અથવા તેનો આ રીતે સીધું લેવામાં આવે ત્યારે તે આપણી ત્વચાના સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરે છે. આપણી ત્વચાને જીવંત અને તાજી બનાવવામાં મદદ કરે છે.
ખીલ થતા અટકાવે છે : ત્વચાના સ્વાસ્થ્યની સીધી અસર આપણા પાચન પર થાય છે અને આ આમળાનો રસ આપણા પેટને સાફ રાખીને ત્વચાને સાફ અને ખીલને થતા અટકાવવામાં મદદ કરે છે અને તે આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢી નાખે છે.
આમળા વૃદ્ધત્વ વિરોધી હોય છે. તે વિટામિન-સી અને બી કોમ્પ્લેક્સમાં સમૃદ્ધ હોવાને કારણે તે કુદરતી એન્ટીઑકિસડન્ટ છે અને ત્વચાને વૃદ્ધ થતા અટકાવે છે અને ત્વચાની ટોન અને તેની બનાવટમાં સુધારો કરે છે.
આમળા વિટામિન-સીથી ભરપૂર હોય છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને તેની સાથે આપણી ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે જે તમને ફ્રી રેડિકલની હાનિકારક અસરોથી બચાવે છે. તે વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમું કરે છે અને કોલેજન ઉત્પાદન માટે જરૂરી છે.
ફ્રીકલ્સ ઘટાડે છે : આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર હોવાને કારણે તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારીને ત્વચામાં ગુલાબી ચમક લાવવામાં મદદ કરે છે અને આપણી ત્વચાને લોહી પરિભ્રમણ અને ઓક્સિજનના પુરવઠાને વધારવામાં પણ મદદ કરે છે. તેનાથી ત્વચાનું સ્વાસ્થ્ય સુધરે છે અને ખીલ ઘટાડે છે.
ત્વચાને સંક્રમણથી રાખે છે દૂર : વિટામિન-સીથી ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને તે ઘણા ત્વચાના ચેપને રોકવામાં મદદ કરે છે.
જો તમે પણ તમારી ત્વચાને ડાઘ રહિત રાખવા માંગો છો અને કરચલીઓને લાંબા સમય સુધી અટકાવવા માંગતા હોય તો તમારા દિવસના રૂટિનમાં આમળાનો સમાવેશ અવશ્ય કરો. આવી જ બ્યુટી સબંધિત વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.