અહીંયા તમને અશ્વગંધા વિશેની કેટલીક માહિતી આપીશું સાથે સાથે તમને અશ્વગંધાની ઓળખ, જુદા-જુદા રોગોમાં તેના ઘરેલુ ઉપચાર અને અશ્વગંધાની ક્યારે, કેટલી માત્રામાં અને કઈ રીતે સેવન કરવું તેની માહિતી જોઈશું.
સૌ પહેલા તમને જણાવી દઈએ કે અશ્વગંધાના છોડ બે થી ત્રણ ફૂટ ઊંચા હોય છે. આ છોડમાંથી ઘોડા ના શરીર માં થી આવતી ગંધ જેવી ગંધ આવે છે. તેથી તે અશ્વગંધા ના નામથી ઓળખાય છે.
ચોમાસાના અંત અને શિયાળાની શરૂઆતમાં છોડ પર ફળ આવે છે.આ ફળ પાકે ત્યારે લાલ રંગના અને પીળા રંગના પોપડાની અંદર હોય છે. ઔષધીય પ્રયોગોમાં મોટેભાગે અશ્વગંધાના મૂળને સૂકવીને પાવડર બનાવીને ઉપયોગમાં લેવાય છે.
અશ્વગંધા તાસીરમાં ગરમ છે. તે કફ અને વાયુને દૂર કરે છે. અશ્વગંધા યાદ શક્તિને વધારે છે અને શક્તિ તેમ જ બળ આપનારી છે. તે મગજના જ્ઞાનતંતુ ને આરામ આપી ચિંતા અને ડિપ્રેશનને ઘટાડે છે તેમજ મગજને શાંત કરે છે.
અનિદ્રાની તકલીફમાં અશ્વગંધાનું સેવન કરવાથી ફાયદો થાય છે તે માનસિક તનાવને દૂર કરે છે. જેથી ઊંઘ લાવવામાં મદદ કરે છે. જે લોકોને મોટી ઉંમરે યાદશક્તિ ઘટી ગઈ હોય કે વિદ્યાર્થીઓને વાંચવામાં એકાગ્રતા ન રહેતી હોય તો અશ્વગંધાનું સેવન કરવાથી યાદશક્તિ એકાગ્રતા વધે છે.
જે લોકોને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર રીતે ન થતું હોય જેના કારણે હાથ-પગમાં ખાલી ચડી જવાની ફરિયાદ રહેતી હોય તેવા લોકો અશ્વગંધાનું સેવન કરે તો બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ખાલી ચડતી નથી.
અશ્વગંધા શરીરમાં ઈન્સ્યુલિનના સ્ત્રાવની વધારે છે. જેથી તે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખી ડાયાબિટીસ બ્લડ સર્ક્યુલેશન માં ફાયદો કરે છે. સાથે તે કોલેસ્ટ્રોલ તેમજ ટ્રાયગ્લીસરાઇડને ઘટાડીને હાર્ટ એટેકથી બચાવે છે.
જે લોકોને અનેક ઉપાયો કરવા છતાં વજન વધતું ન હોય તેવો અશ્વગંધાનું સેવન કરે તો સ્નાયુ, હાડકા મજબૂત બને છે અને વજનમાં વધારો થાય છે. અશ્વગંધા શરીરમાં થાઇરૉઇડ હૉર્મોનના સ્રાવને વધારે છે માટે જેને થાઇરોઇડ હોર્મોન નો સ્ત્રાવ ઓછા પ્રમાણમાં થતો હોય તેમના માટે અશ્વગંધા ફાયદાકારક છે.
પણ જે લોકોને વધુ પ્રમાણમાં થાઇરોઇડ બને છે તેમણે અશ્વગંધાનું સેવન ન કરવું. અશ્વગંધા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી રોગોથી બચાવે છે અને એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો ધરાવતી હોવાથી તે કેન્સર સામે રક્ષણ આપે છે. અશ્વગંધા શરીરના કોષોને વૃદ્ધ થતા અટકાવે છે અને યુવાની જાળવી રાખે છે.
અશ્વગંધા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન નું પ્રમાણ વધારે છે જેથી તે શરીરનો બાંધો મજબૂત બનાવવાની સાથે શુક્રાણુ વધારે છે. હવે જાણીએ કે અશ્વગંધાનું સેવન કઈ રીતે કરવું: અશ્વગંધા તાસીરમાં ગરમ છે. માટે દૂધ, ઘી અથવા મધ સાથે અડધીથી એક ચમચી અશ્વગંધાના મૂળનું ચુર્ણ લઇ શકાય.
એક કપ દૂધમાં અડધીથી એક ચમચી અશ્વગંધા ચૂર્ણ અને અડધી ચમચી સાકર નાખી અડધો કલાક રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ ગાળીને પીવું. સવારે અથવા રાત્રે બંને માંથી કોઈપણ એક ટાઈમ લઇ શકાય.
તાસીરમાં ગરમ હોવાથી અશ્વગંધા શરીરમાં ગરમી વધારે છે માટે જો વધુ ગરમ લાગે તો પ્રમાણમાં ઘટાડો કરી શકાય. સ્ત્રીઓએ ગર્ભાવસ્થામાં તેમજ થાઇરોડ વધતો હોય તેવો અશ્વગંધાનું સેવન ન કરવું.