બદામને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેથી દરેકને તેને આહારમાં સામેલ કરવાની સલાહ પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે પુખ્ત વયના લોકો તેને ખાઈ લે છે પરંતુ બાળકો ક્યારેક તેને ખાવા માટે આનાકાની કરે છે.
આ સ્થિતિમાં બાળકોને તમારે અલગ-અલગ રીતે ખવડાવવું જોઈએ. જો કે એક કહેવત છે કે બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. બદામમાં પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે બાળકોના સંપૂર્ણ વિકાસ પર અસર કરે છે.
બદામ એન્ટીઑકિસડન્ટ તરીકે પણ કામ કરે છે, જે બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, બાળકના મગજના વિકાસ અને હાડકાના સ્વાસ્થ્યને પણ સુધારે છે. તેથી જો બાળકના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવા માંગતા હોય તો બાળકોને બદામ આપવી જ જોઈએ.
જો તમારું બાળકને બદામ ખાવાની પસંદ નથી તો તમે ઘણી અલગ-અલગ વાનગીઓની મદદથી દરેક વખતે બદામને નવી રીતે સર્વ કરી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને બાળકો માટે બદામમાંથી બનેલી મજેદાર 2 રેસિપી વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે પણ ચોક્કસથી ટ્રાય કરશો.
(1) બદામ દૂધ : બદામ દૂધનો સ્વાદ ખૂબ જ અદ્ભુત હોય છે અને જો બદામનું દૂધ બાળકો માટે બનાવવામાં આવે તો બદામનો તેમના આહારમાં સમાવેશ પણ થઇ જશે અને બાળકો પણ દૂધ પીતા શીખી જશે. સામગ્રી : થોડી બદામ, 1 ગ્લાસ દૂધ, એક ચપટી કેસર 1 ચમચી દૂધમાં ઓગળેલું, 1 ચમચી ખાંડ અને 1 એલચી
બદામ દૂધ બનાવવાની રીત : સૌથી પહેલા બદામને 20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખો. હવે તેમાંથી પાણી નિતારીને દરેક બદામમાંથી છાલ નીકાળી લો. હવે આ બદામને થોડા દૂધ સાથે બ્લેન્ડરમાં નાખીને સ્મૂધ પેસ્ટ બનાવવા માટે બ્લેન્ડ કરો. હવે પેસ્ટને બાજુમાં રાખો.
હવે વધેલું દૂધને એક કડાઈમાં રેડો અને ગેસની ફૂલ ફ્લેમ પર રાખો. હવે જયારે દૂધ ગરમ થાય એટલે એક નાની વાટકીમાં 2 ચમચી ગરમ દૂધ કાઢીને તેમાં કેસર નાખો. હવે જ્યારે કડાઈમાં દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં તૈયાર કરેલી બદામની પેસ્ટ ઉમેરો.
હવે તેને સારી રીતે મિક્સ કરો. હવે ગેસ ને ધીમો કરીને દૂધને 10 મિનિટ સુધી ઉકળવા દો. દૂધને તેને વારંવાર હલાવતા રહો જેથી કરીને દૂધ તળિયે ચોંટી ન જાય. હવે તેમાં અલગ રાખેલું કેસરનું દૂધ ઉમેરો. પછી ખાંડ ઉમેરીને ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી હલાવતા રહો.
આ પછી છેલ્લે ઈલાયના દાણા ઉમેરો. હવે બધું મિક્સ કરીને ગેસ બંધ કરો. તમે બદામનું દૂધ ગરમ કે ઠંડુ બંને રીતે સર્વ કરી શકો છો. કેટલાક બાળકોને ઇલાયચીનો સ્વાદ નથી ગમતો તો તમે એલચી પાવડર પણ મિક્સ કરી શકો છો અથવા ઈલાયચી નહિ ઉમેરો તો પણ ચાલશે.
(2) બદામનો હલવો : બાળકોને ગળ્યું ખાવાનું ખુબ જ પસંદ હોય છે તેથી જો તમારા બાળકને બદામ પસંદ નથી તો તમે તેમના માટે બદામનો હલવો પણ બનાવી શકો છો.
સામગ્રી : 1/2 કપ બદામ, પલાળવા માટે ગરમ પાણી, 1/4 કપ દૂધ, 1/2 ટેબલસ્પૂન ઘી, 1/4 કપ ખાંડ, 2 ચમચી કેસર દૂધ, 1/2 ચમચી ઈલાયચી પાવડર અને થોડા ડ્રાયફ્રુટ
બદામનો હલવો બનાવવાની રીત : સૌથી પહેલા બદામને ગરમ પાણીમાં 30 મિનિટ માટે પલાળી રાખો. હવે બદામને છોલીને બ્લેન્ડરમાં નાંખો અને તેમાં દૂધ પણ ઉમેરો. હવે તેની એક સ્મૂધ પેસ્ટ બનાવવા માટે બ્લેન્ડ કરો. હવે આ બદામની પેસ્ટને પેનમાં નાખો.
આ સાથે એક ચમચી ઘી પણ નાખો. હવે ધીમા તાપ પર એક મિનિટ માટે ફ્રાય કરો. હવે તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે 2 ચમચી કેસર વાળું દૂધ ઉમેરો અને મિક્સ કરો.
હવે ગેસની આંચને ધીમી-મધ્યમ પર રાખીને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તમે તેને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી મિશ્રણ પેનથી અલગ ના થાય અને ઘી કિનારીઓથી અલગ ના થઈ જાય. હવે તેમાં ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. હવે તમારો બદામનો હલવો તૈયાર છે.
છેલ્લે તેને સર્વિંગ બાઉલમાં કાઢીને સમારેલા બદામથી ગાર્નિશ કરીને સર્વ કરો. જો તમને આ બદામની આ બે રેસિપી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ અવનવી રેસિપી અને કિચન ટિપ્સ વિશે માહિતી મળતી રહેશે