bataka tameta nu shaak banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજની રેસિપીમાં બટાકા અને ટામેટાંનું મસાલેદાર શાક બનાવીશું, આ શાક દરરોજ બનાવો તેના કરતા થોડું અલગ છે. તમે પણ એકવાર બનાવશો તો દરેકને પસંદ આવશે અને આ શાક બનાવવું પણ ખૂબ જ સરળ છે, તમે તેને ઓછા સમયમાં ઘરે બનાવી શકો છો.

સામગ્રી : કાચા બટાકા 4, ટામેટા 2, લસણ – 6 થી 8, આદુ 2 ઇંચ, તેલ 3 ચમચી, જીરું 1 ચમચી, સમારેલી ડુંગળી 1, લીલા મરચા 2, કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા પાવડર 1 ચમચી, હળદર પાવડર 1 ચમચી, દહીં 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, કશુરી મેથી 1 ચમચી, મીઠું 1 ચમચી સ્વાદ મુજબ, પાણી 100 મિલી અને થોડી કોથમીર.

બટાકાનું અને ટામેટાનું શાક બનાવવાની રીત : શાક બનાવવા માટે સૌથી પહેલા કાચા બટાકાની છાલ કાઢીને પાણીથી સારી રીતે ધોઈ લો. કારણ કે કાચા બટાકા કાપ્યા પછી કાળા પડી જાય છે. હવે ગેસ પર એક કડાઈ મૂકો, તેમાં 1 લીટર પાણી નાખીને તેમાં સમારેલા કાચા બટાકા અને 2 આખા ટામેટાં ઉમેરો અને તે ઉકળે ત્યાં સુધી તેને ધીમી આંચ પર પકાવો.

બટાકા અને ટામેટાં બાફ્યા પછી ગેસ બંધ કરી તેને પાણીમાંથી કાઢી લો. હવે મિક્સરમાં આ બાફેલા ટામેટાં, લસણની 6 થી 7 કળી, આદુનો બે ઈંચનો ટુકડો નાખીને ટામેટાંને પીસીને એક પ્યુરી બનાવો.

હવે કડાઈમાં 2 ચમચી તેલ નાંખો અને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે બાફેલા બટાકાને કડાઈમાં નાખીને, ઉંચી આંચ પર સતત હલાવતા રહો. બટાકાને સોનેરી રંગના ફ્રાય થઇ જાય પછી પ્લેટમાં કાઢી લો.

હવે ફરીથી કડાઈમાં 1 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યારે તેમાં એક ચમચી જીરું નાખીને તતડવા દો. પછી તેમાં એક સમારેલી ડુંગળી અને બે સમારેલા લીલા મરચા ઉમેરો અને ડુંગળીને હલકા સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો.

ડુંગળી સંતળાઈ જાય પછી, તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, એક ચમચી હળદર પાવડર, એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીને ડુંગળીમાં સારી રીતે મિક્સ કરો. આ પછી, મસાલામાં ટામેટાની પેસ્ટ અને થોડું પાણી ઉમેરીને સતત હલાવતા રહીને 3 થી 4 મિનિટ સુધી મધ્યમ તાપ પર ચડવા દો.

મસાલાઓ થોડા ચડી જાય એટલે, હવે તેમાં 1 ચમચી ફેંટેલુ તાજુ દહીં, એક ચમચી ગરમ મસાલા પાવડર અને એક ચમચી કસૂરી મેથી ઉમેરીને તેને સારી રીતે હલાવતા રહો, જ્યાં સુધી મસાલો સંપૂર્ણપણે બફાઈ ન જાય અને મસાલામાંથી તેલ છૂટું ન પાડવા લાગે ત્યાં સુધી તેને મધ્યમ તાપ પર ચડવા દો.

મસાલા સારી રીતે ચડી જશે તો જ શાક સ્વાદિષ્ટ બનશે, જ્યારે મસાલો બરાબર બફાઈ જાય ત્યારે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને તળેલા બટાકાને મસાલામાં મિક્સ કરીને લગભગ 1 થી દોઢ મિનિટ સુધી ચડવા દો જેથી મસાલો બટાકા ઉપર સારીરીતે ભળી જાય.

આ પછી, લગભગ ગ્રેવી માટે શાકમાં એક કપ પાણી ઉમેરીને મિક્સ કરો. જો તમારે થોડી જાડી શાકની ગ્રેવી બનાવવી હોય તો તેમાં થોડું પાણી ઉમેરી શકો છો. હવે શાકને ઢાંકીને 10 મિનિટ સુધી ધીમી આંચ પર ચડવા દો અને વચ્ચે-વચ્ચે એક-બે વાર હલાવતા રહો, જેથી શાક તપેલીના તળિયે ચોંટીને બળી ન જાય.

લગભગ 10 મિનિટ પછી, જ્યારે શાક સારી રીતે ચડી જાય એટલે ગેસ બંધ કરો અને શાકમાં ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. બટાકા અને ટામેટાનું શાક તૈયાર છે. હવે તમે શાકને રોટલી, પરાઠા, ભાત સાથે સર્વ કરો.

આ રીતે, તમે દરેક સિઝનમાં ગમે ત્યારે ઘરે બટાકા ટામેટાનું શાક બનાવી શકો છો. રોટલી હોય કે પરાઠા કે પછી પૂરી હોય દરેક સાથે આ શાક તમને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરરોજ અવનવી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા