(1) બ્રેડ મેદુ વડા : જો તમારા ઘરમાં બ્રેડ વધી છે તો તમે તેમાંથી બ્રેડ વડા બનાવો. મેદુ વડાની જેમ થોડું ફેરફાર કરીને બનાવો. તમારે આમાં વધારે મહેનતકરવાની પણ કોઈ જરૂર નથી. તો આવો જાણીયે તેની સરળ રેસિપી.
સામગ્રી : 3 બ્રેડ કોઈપણ બ્રાઉન, વ્હાઇટ, મલ્ટિગ્રેન, 1/2 ચમચી આદુ-લસણની પેસ્ટ, 1 નાનું ગાજર છીણેલું, 1 નાની ડુંગળી જીણી સમારેલી, 2-3 ફુદીનાના પાન જીણા સમારેલા, 1 ચમચી કોથમીર જીણી સમારેલી, 1/2 નાની ચમચી જીરું, સ્વાદ મુજબ મીઠું, 1 નાની ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 1 ચમચી ચાટ મસાલો, 2 ચમચી ચોખાનો લોટ, જરૂર મુજબ પાણી અને તળવા માટે તેલ.
બનાવવાની રીત : એક મિક્સિંગ બાઉલમાં બ્રેડના ટુકડા નાખો અને પછી તેમાં પાણી સિવાયની બધી સામગ્રી ઉમેરીને હાથ વડે બધી સામગ્રી મિક્સ કરો અને પછી તેમાં પાણી ઉમેરીને બરાબર બાઇન્ડ (મિક્સ) કરી લો.
તેને મેદુ વડા સ્ટાઈલમાં બનાવો અથવા તમારી પસંદગી મુજબ તેમાં એનો આકાર આપી શકો છો. તમે વાળા જેમ પણ બનાવી શકો છો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને બ્રેડ વડા તળી લો. બ્રેડ મેદુ વડા તૈયાર છે. લીલી ચટણી અને ચા સાથે તેને સર્વ કરો.
(2) બટાકા વડા : વરસાદી ઋતુમાં એક પરફેક્ટ નાસ્તો છે. આ મહારાષ્ટ્રીયન નાસ્તાને બનાવવું માટે મસાલેદાર બટાકાને ચણાના લોટમાં બોળીને તળીને તૈયાર કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત.
સામગ્રી : 2-3 મધ્યમ કદના બાફેલા બટાકા, 1 નાની ચમચી રાઈ, 2 જીણા સમારેલા લીલા મરચા, 1/2 ઈંચ જીણું સમારેલ આદુ, 2-3 બારીક સમારેલા મીઠા લીમડાના પાન, 1/3 કપ જીણી સમારેલી કોથમીર, એક ચપટી હીંગ, સ્વાદ મુજબ મીઠું, 1/4 ચમચી હળદર, 1 નાની ચમચી આમચુર, 1/2 કપ બેસન, જરૂર મુજબ પાણી, ચપટી ખાવાનો સોડા અને તળવા માટે તેલ.
બનાવવાની રીત : સૌથી પહેલા કોથમીર, લીલા મરચા અને આદુને સારી રીતે કૂટીને બાજુ પર રાખો. એક બાઉલમાં બાફેલા બટાકાની છાલ કાઢીને તેને મેશ કરો. હવે એક પેનમાં થોડું તેલ ઉમેરી, તેમાં રાઈ નાખો, પછી તેમાં હિંગ, મીઠા લીમડાના પાન અને વાટેલા મરચાં, કોથમીર અને આદુ ઉમેરો. 30 સેકન્ડ પછી તેમાં હળદર ઉમેરીને 2-3 મિનિટ સાંતળો.
સારી રીતે સંતળાઈ જાય પછી ગેસ બંધ કરો અને પછી આને છૂંદેલા બટાકામાં નાખો અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો. તેમાં છેલ્લે આમચૂર પાઉડર ઉમેરીને તેને ફરી એકવાર મિક્સ કરો અને આ મિશ્રણના હાથ વડે નાના બોલ બનાવો.
હવે બીજા બાઉલમાં ચણાના લોટનું બેટર બનાવો. ધ્યાન રાખો કે બેટર બહુ પાતળું અને બહુ જાડું પણ ન હોવું જોઈએ. હવે બોલ્સને તૈયાર કરેલા બેટરમાં ડુબોળીને ગરમ તેલમાં તળી લો. બટાકા વડા તૈયાર છે, ચા સાથે આનંદ માણો.
આ 2 પ્રકારના નાસ્તાને તમે સવારે અથવા સાંજે બનાવી શકો છો. જો તમને આજે શું બનાવીશું ના સુજે તો પણ તમે આ રેસિપી બનાવી શકો છો. અમને આશા છે કે તમને ચોમાસુ સ્પેશિયલ વડા રેસીપી ગમશે. રસોઈનીદુનિયાની આવી વધુ વાનગીઓ જાણવા જોડાયેલા રહો.