ભીંડાનું શાક તો દરેકના ઘરમાં વારંવાર બને છે અને તમે પણ અનેક વાર બનાવીને ખાધું હશે, પરંતુ આજે અમે તમને જે રેસિપી વિશે જણાવવા જઈ રહયા છીએ તે રીતે ભીંડાનું શાક જો તમે ઘરે બનાવશો તો તમે 2 રોટલી ના બદલે 4 રોટલી ખાઈ જશો. જો કે બધાના ઘરે અલગ અલગ રીતે શાક બનતું હોય છે.
આ રીતે ભીંડાનું શાક ઝડપથી બની જાય છે. આ રેસિપીમાં ગ્રેવી બનાવીને શાક બનાવવામાં આવેલું તેથી તે સામાન્ય શાક કરતા વધુ સ્વાદિષ્ટ લાગે છે. તો આવો જાણીયે ભીંડાનું શાક બનાવવાની રીત.
સામગ્રી : 400 ગ્રામ ભીંડા, 2 ચમચી મગફળી દાણા અને 1 ચમચી સફેદ તલ, 6 ચમચી તેલ, 1 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, 1 ચમચી જીણું સમારેલું લસણ અને મરચા, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી હળદળ, દોઢ ચમચી લાલ મરચું પાવડર, દોડ ચમચી ધાણાજીરું, સ્વાદ મુજબ મીઠું, 4 ચમચી દહીં.
ભીંડાનું શાક બનાવવાની રીત : સૌ પ્રથમ ભીંડા ને ધોઈને સારી રીતે લૂછી લો. હવે ભીંડાને વચ્ચેથી 2 ટુકડા કરીને લાંબો કાપી લો. હવે મસાલો બનાવવા માટે, મિક્સરમાં 2 ચમચી મગફળી દાણા અને 1 ચમચી સફેદ તલને બરછટ વાટી લો.
હવે એક પેનમાં 4 ચમચી તેલ ઉમેરો. ભીંડાના શાકમાં તેલ બીજા શાક કરતા વધારે લેવું . તેલ ગરમ થાય એટલે તેમાં, સમારેલા ભીંડાને ઉમેરીને તેલમાં મિક્સ કરીને, મીડીયમ ગેસ પર 7 થી 8 મિનિટ સુધી સારી રીતે શેકી સાંતળી લો. વચ્ચે વચ્ચે ભીંડાને હલાવતા રહો. ભીંડા સંતળાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો.
હવે ફરીથી પેનમાં 2 ચમચી ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું ઉમેરો. જીરું તતડવા લાગે એટલે તેમાં 1/4 ચમચી હિંગ ઉમેરો. આ સાથે 1 ચમચી જીણું સમારેલું લસણ અને મરચાને ઉમેરીને મિક્સ કરો અને મીડીયમ ગેસ પર 20 સેકન્ડ માટે તેલમાં સાંતળી લો.
સંતળાઈ ગયા પછી 1 ચમચી ચણાનો લોટ ઉમેરો . ચણાને લોટને પણ 2 મિનિટ સાંતળી લો. આ સાથે સતત હલાવતા રહો, જેથી મસાલા બળી ના જાય. લસણને બધું સંતળાઈ જાય એટલે તેમાં ગ્રાઈન્ડ કરેલા તલ અને મગફળી દાણા ઉમેરીને 2 મિનિટ માટે સાંતળી લો.
હવે તેમાં 1 ચમચી હળદળ, દોઢ ચમચી લાલ મરચું પાવડર, દોડ ચમચી ધાણાજીરું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સ કરીને 1 મિનિટ ચડવા દો. હવે તેમાં 4 ચમચી દહીં ઉમેરીને, સતત હલાવતા રહીને 1 મિનિટ સાંતળો. તમારી ગ્રેવી તૈયાર ગઈ છે, તો હવે તેમાં ભીંડાને ગ્રેવીમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ સુધી ચડવા દો.
તો તૈયાર થઇ ગયું છે તમારું ભીંડાનું ચટાકેદાર શાક. તમે પણ આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. આશા છે તમારા ઘરે પણ સરસ બનશે. જો તમને રેસિપી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.