ઉત્તરાયણ આવી રહી છે એટલે બધા લોકો બજારમાંથી લાડુ, શેરડી અને સિંગની ચીકી લેવાનું વિચારી રહ્યા હશે. ઉત્તરાયણમાં લાડુ, ચીક્કી અને શેરડી ખુબજ ખાવામાં આવે છે. પરંતુ બજારમાંથી ચીકી અને લાડુ લાવવા વધુ પૈસા ખર્ચવા પડે છે. પરંતુ તમે ઓછા પૈસા ખર્ચીને આજ વસ્તુ એકદમ બજાર જેવી ઘરે બનાવી શકો છો.
તો આજે અમે તમને સિંગની ચીકી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિષે જણાવીશું. ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ચીકી બનાવ્યા પછી તે એકદમ કડક થઇ જાય છે અને તૂટતી નથી, ઘણા લોકોને ચીકી એકદમ છૂટી પડી જાય છે, તો ઘણા લોકોને બજાર જેવી ચીકી બનતી નથી. જો તમારો પણ આવો કોઈ પ્રશ્ન છે તો અહીંયા એકદમ સરળ રીતે પરફેક્ટ બજાર જેવી ચીક્કી ઘરે કેવી રીતે બનાવી શકો છો તે જાણી લો.
સિંગની ચીકી બનાવવા માટે જરૂરી સામગ્રી: 250 ગ્રામ સીંગ દાણા, 250 ગ્રામ ગોળ (કોલ્હાપુરી ગોળ), 3 ચમચી ઘી, અડધી ચમચી એલચી પાવડર
સિંગની ચીકી બાવવાવાની રીત: એક પેનમાં મગફળીના દાણા નાખીને 2-3 મિનિટ ધીમા ગેસ પર દાણાને શેકી લો. (સિંગના દાણાને શેકવા જરૂરી છે). સીંગ શેકાઈ જાય એટલે તેને કોટનના કપડાં પર પાથરી, કપડાંને ઉપરથી મશરીને સિંગના ફોતરાં કાઢી લો.
અહીંયા ચિક્કી માટે સીંગદાણા તૈયાર થઇ ગયા છે. હવે ભારે વસ્તુની મદદથી સીંગ દાણાના ટુકડા કરી લો. હવે એક પેનમાં 3 ચમચી ઘી એડ કરો. ઘી ઓગળી જાય એટલે ગોળ ઉમેરો. જ્યાં સુધી ગોળ એકદમ ઓગળી ન જાય ત્યાં સુધી ધીમા ગેસ પર ગોળને હલાવતા રહો.
ગોળની ચાસણીને ધીમા ગેસ પર ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી ગોળની ચાસણી ચળકતી અને ઘટ્ટ ન થાય. (ગોળનો કલર બદલાય ત્યાં સુધી).
ગોળની ચાસણી ચેક કરવાની રીત: ગોળની ચાસણી બરાબર થઇ છે કે નહિ તે ચેક કરવા માટે પાણીના બાઉલમાં થોડી ચાસણી નાખો. હવે પાણીમાંથી ચાસણી બહાર કાઢીને ચેક કરો. જો ચાસણી કાચની જેમ તૂટી જાય, તો તમારી ચાસણી બનીને તૈયાર થઇ ગઈ છે, પરંતુ જો ચાસણી તૂટે નહીં અને ખેંચાય તો સમજવું કે ચાસણી બરાબર બની નથી.
ચાસણી બની ગયા પછી એક મિનિટ માટે તેને પકાવો જેથી તે બરાબર ઘટ્ટ થઇ અને તેનો કલર બદલાઈ જાય. હવે તેમાં સ્વાદ માટે અડધી ચમચી એલચી પાવડર અને સીંગ દાણા ઉમેરી સારી રીતે મિશ્રણ મિક્સ કરી દો.
પછી તરત જ મિશ્રણને પ્લાસ્ટિકના કાગળ અથવા બટર પેપર અથવા સ્ટીલની થાળીને ઘીથી ગ્રીસ કરી મિશ્રણ તેમાં પાથરો. હવે એક વાટકી લઇ તેનો નીચેનો ભાગ ઘીથી ગ્રીસ કરો. મિશ્રણ ને વાટકીના નીચેના ભાગથી ફેલાવી દો. હવે વેલણની મદદથી ચીકીને વણી લો.
મિશ્રણ ગરમ હોય ત્યારે જ ચપ્પાની મદદથી તેના કાપા કરી લો. હવે એક કલાક માટે તેને ઠંડુ થવા દો. તો અહીંયા તમારી એકદમ બજાર જેવી જ ચીકી બનીને તૈયાર થઇ ગઈ છે.
નોંધ લેવી: મગફળીના દાણા અને ગોળનું પ્રમાણ સમાન હોવું જોઈએ. મધ્યમ ગેસ પર સિંગને શેકી લેવી. ઘી નાખવાથી ચીકી એકદમ ચમકદાર બને છે. ગોળનો રંગ બદલાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું. ચાસણી બરાબર બની છે કે નહીં તે જરૂર ચેક કરવું.
જ્યારે ચીકીનું મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે તેને ચપ્પાની મદદથી કાપા કરો. જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.