ખોરાક વગર મનુષ્યનું જીવન અશક્ય છે અને તે મૂળભૂત જરૂરિયાત છે અને તે માત્ર પેટ ભરવાનું સાધન નથી પરંતુ તે તમારા શરીરને ઊર્જા આપવાનું કામ કરે છે. તમે જે પણ ખાઓ છો તેની તમારા શરીર પર ભારે અસર પડે છે.
પરંતુ એવું જોવામાં આવે છે કે કેટલીકવાર લોકો સ્વાદના ચક્કરમાં તેમના સ્વાસ્થ્યની અવગણના કરે છે અને સતત આમ કરવાથી તેમનું શરીર પોતે જ એવા સંકેત આપવાનું શરુ કરે છે કે હવે તેમને તેમના આહારમાં ફેરફાર કરવો જોઈએ.
તે જ સમયે કેટલીકવાર કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય અથવા કોઈ ખાસ દવા લેતા હોય તેવા લોકોને પણ તેમના આહાર પર વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે. તો આજના આ લેખમાં, આવા જ કેટલાક સંકેતો વિશે જણાવી રહ્યાં છે, જે તમને જણાવે છે કે હવે તમારા આહારમાં ફેરફાર કરવો જોઈએ.
રાત્રે સારી ઊંઘ નથી આવતી : તે સામાન્ય રીતે સાંજે કેફીનનું સેવન કરવાથી રાત્રે સુવામાં તકલીફ પડે છે અને તેથી લોકો રાત્રે ચા કે કોફી પીવાનું ટાળતા હોય છે. પરંતુ કેટલાક લોકો તે જાણતા નથી કે તેમના આહારમાં કેફીનના બીજા છુપાયેલા સ્ત્રોતો છે જે અનિદ્રાનું કારણ બની શકે છે, જેમ કે અમુક એનર્જી ડ્રિંક્સ, ચોકલેટ અને માઉથ ફ્રેશનર વગેરેમાં થોડી હદ સુધી કૈફીન હોય છે.
તેથી જો તમને ઊંઘમાં કોઈ તકલીફ પડતી હોય તો તમારે બપોર અને સાંજે તમે કેવો આહાર લઈ રહ્યા છો તે જોવું જોઈએ. તમારા આહારમાંથી કોઈપણ પ્રકારના કેફીન વસ્તુને દૂર કરો. આ સિવાય તમે રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ અથવા હર્બલ ટીનું સેવન કરી શકો છો. આ તમને ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરશે.
વધારે થાકનો અનુભવ : જો તમને શરીરમાં સતત થાકનો અનુભવ થતો રહે છે તો તે સંકેત છે કે તમારી સાથે કોઈ સમસ્યા છે અને હવે તમારે તરત જ તમારા આહાર પર ધ્યાન આપવાની જરૂર છે. વાસ્તવમાં જે લોકો ખૂબ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ ખોરાક ખાય છે તેઓને ઘણીવાર આ સમસ્યાનો સામનો કરવો પડે છે.
કાર્બોહાઇડ્રેટ્સ અને શુગરથી ભરપૂર આહાર તમને ઝડપથી ઉર્જા આપે છે, પરંતુ પછી જ્યારે તમારું બ્લડ શુગર લેવલ ઓછું થઈ જાય ત્યારે તમને ખૂબ થાક લાગે છે. તેથી આવા ખોરાકને ખાવનું ટાળો.
આ સિવાય દરેક સમયે થાક અનુભવવો એ પણ એક સંકેત છે કે તમારા શરીરને ખરેખર જરૂરી પોષક તત્વો જોઈએ છે તે નથી મળી રહ્યા. આ સ્થિતિમાં તમે એકવાર સંપૂર્ણ બોડી ચેકઅપ કરાવો અને પછી રિપોર્ટ્સ અનુસાર ડાયટિશિયનની સલાહ પર તમારા આહારમાં ફેરફાર કરો.
ત્વચા શુષ્કતા વધવી : જો તમને તમારી ત્વચામાં વધુ પડતી શુષ્કતા દેખાય છે તો તે દર્શાવે છે કે તમે પૂરતું પાણી પીતા નથી. જે પ્રમાણે શરીર માટે ખોરાક મહત્વનો છે એ જ રીતે પાણી પણ મહત્વનું છે. પરંતુ લોકો સામાન્ય રીતે પાણી ઓછું પીવે છે અને તરસ લાગે ત્યારે જ પાણી પીવે છે. જ્યારે આવું કરવું ખોટું છે.
પાણીની અછતને કારણે ત્વચામાં શુષ્કતા સિવાય માથાનો દુખાવો અને બીજી ઘણી સ્વાસ્થ્ય બીમારીઓનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી જો તમને આ સંકેત દેખાય છે તો પછી આખા દિવસમાં તમારા પાણીના સેવન પર પણ ધ્યાન આપો અને ખાતરી કરો કે તમે પૂરતું પાણી પી રહ્યા છો કે નહિ.
પાચન તંત્રની સમસ્યાઓ : જો તમને સતત કબજિયાતની સમસ્યા રહેતી હોય તો એ પણ સંકેત બતાવે છે કે તમારે તમારા આહારમાં ફેરફાર કરવાની જરૂર છે. હકીકતમાં કેટલાક લોકો તેમના આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઇબરનો સમાવેશ કરતા નથી અને તેમને મળત્યાગ કરતી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારા આહારમાં ચોક્કસપણે ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તમે સફરજન, નારંગી, કાકડી વગેરેનું સેવન કરવાથી તમને ફાયદો થઇ શકે છે.
જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.