કડકડતી શિયાળા ઠંડીથી લઈને ઉનાળાની સવાર સુધી આદુની ચાની ચૂસકી લેવી એ ભારતના મોટાભાગના ઘરોમાં પસંદ કરવામાં આવે છે. જ્યારે વરસાદની ઋતુ આવે છે, ત્યારે જે લોકો ક્યારેય ચા પિતા નથી, તે લોકો પણ આદુની ચા પીવાનું પસંદ કરે છે.
આદુની ચા ચોમાસામાં ઘણી સમસ્યાઓથી રાહત આપી શકે છે. મારી મમ્મી કહે છે કે વરસાદની ઋતુમાં આદુની ચા તમને શરદી અને ઉધરસથી તો બચાવે જ છે, પરંતુ બીજા ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. તો ચાલો જાણીએ, આદુની ચા ખરેખર કેટલી ફાયદાકારક છે.
આદુ એ એક પ્રાચીન સમયથી ચાલી આવતો ભારતીય મસાલો છે, જેનો ઉપયોગ ખાંસી, શરદી અને વિવિધ બિમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત, આદુ તમારા શરીરમાં તાજગી જાળવી રાખવા માટે પણ ખૂબ ફાયદાકારક છે.
1. વજન ઘટાડવા માટે આદુની ચા
આદુની ચા વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા 2018 ના સંશોધન અનુસાર, આદુ આપણા શરીરના વધારાના વજનને ઘટાડી શકે છે. કારણ કે તે તમારી ભૂખને નિયંત્રિત કરીને તમારા શરીરમાં ગરમી વધારે છે. જો તમે પણ આદુની ચા પીવો છો તો તે ઝડપી વજન ઘટાડવાની સાથે વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે.
2. પાચન સુધારે છે
આદુ એક કુદરતી એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેના એન્ટિ-માઈક્રોબાયલ તત્વો બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ કરે છે અને શરીર માટે એન્ટિસેપ્ટિકનું પણ કામ કરે છે.
3. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે
જો તમને હાઈ બ્લડ પ્રેશરથી સમસ્યા છે તો તમારે તમારા આહારમાં આદુની ચાનો સમાવેશ કરવો જોઈએ. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન દ્વારા 2017ના અહેવાલ મુજબ, જે લોકો દરરોજ આદુની ચાનું સેવન કરે છે તેમને હાયપરટેન્શનનું જોખમ ઓછું હોય છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે આદુની ચા શ્રેષ્ઠ પીણું છે.
આ પણ વાંચો : ચોમાસામાં ટ્રાય કરો આ છ અલગ ચા
4. રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે
આદુની ચા પીવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે. કારણ કે તેમાં ક્રોમિયમ, મેગ્નેશિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે, જે લોહીના પ્રવાહને સુધારે છે અને સમગ્ર રક્ત પરિભ્રમણ સ્વસ્થ રહે છે.
5. માથાનો દુખાવો અને માઈગ્રેનમાં ફાયદાકારક
ન્યુટ્રિશન જર્નલમાં 2014ના એક રિપોર્ટ અનુસાર, આદુ દુખાવામાં રાહત આપવા માટે ફાયદાકારક છે. તેથી, માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યાથી પીડાતા લોકો તેમના આહારમાં આદુની ચાનો સમાવેશ કરી શકે છે.
ફાયદાકારક આદુની ચા બનાવવા માટે સામગ્રી 2 કપ ચા માટે : દૂધ 1/2 કપ, પાણી 1½ કપ, વાટેલી ઈલાયચી 1-2, ખાંડ 2 નાની ચમચી, ચા પત્તી 1½ ટીસ્પૂન અને પીસેલું આદુ 1 ટીસ્પૂન.
આદુવાળી ચા બનાવવાની રીત
એક તપેલીમાં પાણી અને ચા પત્તી નાખી ઉકાળો. હવે તેમાં ઈલાયચીનો ભૂકો અને ખાંડ અને આદુ નાખીને સારી રીતે ઉકાળો. ઉકળ્યા પછી છેલ્લે દૂધ ઉમેરો અને થોડીવાર ઉકળવા દો. જ્યારે ચાનો રંગ ઘટ્ટ દેખાય ત્યારે ગેસ બંધ કરીને તેને ગાળી લો.
હવે બે કપમાં કાઢીને ગરમા-ગરમ સર્વ કરો. જો તમે હેલ્થ કોન્શિયસ હોય તો ચામાં ખાંડ અને દૂધ વૈકલ્પિક છે. આવી જ સ્વાથ્ય સબંધિત માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.