hyderabadi dal recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજની રેસીપી હૈદરાબાદી ખાટી દાળ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. દાળને ખાટી બનાવવા માટે તેમાં આમલીનો પલ્પ ઉમેરવામાં આવે છે તે બધા જાણે છે. ભાત સાથે દાળને ખાવામાં આવે છે. દરેક લોકો બપોરે દાળ ભાત તો ખાતા જ હશે. ચાલો જાણીએ ખટ્ટમીઠી દાળ બનાવવાની રીત.

હૈદરાબાદી ખટ્ટી દાળ માટે સામગ્રી : તુવેર દાળ – 250 ગ્રામ (દાળને ધોઈને અડધો કલાક પલાળી રાખો), આદુ લસણની પેસ્ટ – 2 ચમચી, આમલી – 30 ગ્રામ (આમલીને એક કપ પાણીમાં 10 મિનિટ પલાળી રાખો), ટામેટા – 4 મધ્યમ કદના રફલી કટ, લીલા મરચા – 5, મીઠો લીમડો – 5 પાન, હળદર પાવડર – 1 ચમચી, લાલ મરચું પાવડર – 2 ચમચી, લીલી કોથમીર – 2 ચમચી સમારેલી, મીઠું સ્વાદ પ્રમાણે.

વઘાર માટે : જીરું – 1 ચમચી, રાઈ – 1/2 ચમચી, મીઠા લીમડાના પત્તા – 5, લસણની કળીઓ – 3 થી 4, સુકા લાલ મરચા – 3, ડુંગળી મધ્યમ કદના પાતળા સ્લાઈસમાં કાપેલી, તેલ અથવા ઘી – 2 ચમચી.

હૈદરાબાદી ખાટી દાળ બનાવવાની રીત : દાળ બનાવવા માટે સૌપ્રથમ પલાળેલી તુવેરની દાળને પાણી સાથે કૂકરમાં નાખો. પછી, આદુ-લસણની પેસ્ટ, હળદર પાવડર, મીઠું, લાલ મરચું પાવડર અને સમારેલા ટામેટાં નાખીને, ત્રણ કપ પાણી ઉમેરો અને દાળને સ્પેટુલાથી સારી રીતે મિક્સ કરો.

ત્યારપછી કુકરનું ઢાંકણું ઢાંકીને ઉંચી આંચ પર એક સીટી વગાડો. એક સીટી વાગી ગયા પછી ગેસની આંચ ધીમી કરો અને દાળને 15 મિનિટ સુધી ધીમી આંચ પર ચઢવા દો. જ્યાં સુધી દાળ ચઢે છે ત્યાં સુધીમાં આમલીનો પલ્પ કાઢી લો.

આ માટે આમલીને તમારા હાથથી પાણીમાં જ મેશ કરો અને આમલીના પલ્પને મેશ કરતા તેના બીજ કાઢી લો. પછી આમલીના આ પાણીને એક વાટકી પર ચાળણી રાખીને ગાળી લો. આ રીતે તમને આમલીનો પલ્પ મળી જશે.

15 મિનિટ પછી ગેસ બંધ કરી દો અને કૂકરનું પ્રેશર જાતે ઓછું થવા દો. પ્રેશર પુરું થઈ જાય પછી કૂકર ખોલો અને દાળ ચેક કરો. જો દાળમાં કોઈ ખામી હોય તો તેને થોડી વાર હજુ પકાવો. દાળ ઓગળી જાય પછી, તેને મેશ કરવાની હોય છે.

તો દાળને મેશ કરવા માટે એક વાસણમાં કાઢી લો અથવા કૂકરમાં જ બ્લેન્ડરની મદદથી દાળને સારી રીતે મેશ કરો. દાળ જેટલી સારી રીતે મેશ થશે તેટલી જ તે વધારે સ્વાદિષ્ટ બનશે. દાળ મેશ કર્યા પછી તે જાડી થઈ જશે. પછી તેમાં આમલીનો પલ્પ નાખો અને હવે દાળને પાતળી બનાવવા માટે વધુ બે કપ પાણી ઉમેરો.

જો તમને દાળ જાડી ખાવી ગમતી હોય તો બે કપ પાણી ઉમેરો અને વધુ પાતળી પસંદ હોય તો તમે ત્રણ કપથી વધુ પાણી ઉમેરી શકો છો. પછી દાળમાં મીઠો લીમડો, લીલી કોથમીર અને લીલા મરચાં નાખીને મિક્સ કરો અને સાથે મીઠું પણ ટેસ્ટ કરો.

જો મીઠું ઓછું હોય તો થોડું મીઠું ઉમેરીને મિક્સ કરો અને હવે દાળને ઉકળવા માટે તેજ આંચ પર ચડવા દો. દાળ ઉકળે પછી ગેસની આંચને મધ્યમ કરી દો અને દાળને મધ્યમ આંચ પર 10 મિનિટ સુધી ચડવા દો.

10 મિનિટ પછી ગેસ બંધ કરો અને દાળને ઢાંકીને રાખો અને હવે દાળમાં વઘાર ઉમેરવાનો છે. વઘાર કરવા માટે એક કડાઈમાં ઘી અથવા તેલ નાખીને ગરમ કરો. તેલ કે ઘી ગરમ થાય પછી તેમાં જીરું અને રાઈ ઉમેરો.

આ બંને તતડવા લાગે ત્યારે તેમાં ડુંગળી ઉમેરો અને ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં સૂકું લાલ મરચું, લસણ ઉમેરો અને તેને પણ ફ્રાય કરો. ત્યાર બાદ તેમાં મીઠો લીમડો નાખીને ફ્રાય કરો અને ગેસ બંધ કરી દો.

આ વઘારને તરત જ રાંધેલી દાળમાં રેડો અને તરત જ કુકરનું ઢાંકણું બંધ કરો. જેથી દાળમાં વઘારની સુંગંધ સારી રીતે ભળી જાય, પછી દાળને 5 થી 10 મિનિટ ઢાંકીને રહેવા દો. પછી તમે દાળને ભાત સાથે સર્વ કરો. આ દાળ એટલી સ્વાદિષ્ટ બનશે કે તમે તમારી આંગળીઓ અને થાળી બંનેને ચાટતા રહી જશો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા