ઉનાળા ગરમીમાં જો તમને મસાલા જલજીરા મળી જાય તો વાત જ શું કરવી. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ તમને ઠંડકનો અહેસાસ પણ આપે છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે. શું તમને ઉનાળામાં પીવાનું ગમે છે તો આ લેખમાં બતાવામાં આવેલી જલજીરાની રેસિપી ચોક્કસ અજમાવો.
જલજીરા એક કુદરતી પીણું છે જે પેટના ગેસ અને ખરાબ પાચન સામે લડવામાં મદદ કરી શકે છે. તેમાં કાળું મીઠું હોય છે, જે પાચન માટે સારું છે. તે હાર્ટબર્નમાં મદદ કરે છે અને પેટના ગેસમાં રાહત આપે છે. આ પીવાથી શરીરને ફરીથી હાઇડ્રેટ થાય છે. તેથી આજે અમે તમને જલજીરામાંથી બનેલી 2 રેસિપી વિશે જણાવીશું.
તે મસાલેદાર, સ્વાદિષ્ટ અને ઉનાળા માટે તાજગી આપનારી એક કુદરતી ઠંડુ પીણું છે. ગરમીને હરાવવા અને ગરમીના દિવસોમાં તાજા રહેવા માટે ઉત્તમ પીણું છે. જલજીરા તરસ છીપાવવાનું સાધન છે જેને ઘરે સરળતાથી બનાવી શકો છો. આ લેખમાં અમે તમને 2 રીત જણાવીશું. એક છે પરંપરાગત રીતે અને બીજી રીત કાકડી ફુદીના સાથે.
1. જલજીરા મસાલા સામગ્રી : જીરું 2 ચમચી + 1 નાની ચમચી, કાળા મરી પાવડર 4 નાની ચમચી, લવિંગ 2 ચમચી, દાડમ 2½ ચમચી, સૂકો આદુ પાવડર 1/2 ચમચી, હીંગ 1/2 નાની ચમચી, આમચૂર પાવડર 2 મોટી ચમચી, કાળું મીઠું 2 ચમચી, આયોડીન મીઠું 2 ચમચી, ફુદીનાના પાનનો પાવડર 1 ચમચી, લીંબુ 1/2, મુઠ્ઠીભર બરફના ટુકડા, ઠંડુ પાણી જરૂર મુજબ, મુઠ્ઠીભર બુંદી.
બનાવવાની રીત : એક પેન ગરમ કરો અને જીરુંને 2 મિનિટ માટે શેકો. હવે તેમાં કાળા મરી, લવિંગ અને દાડમના દાણા ઉમેરીને ધીમી આંચ પર 2 મિનિટ સુધી એકસાથે રોસ્ટ કરો. હવે તેને એક પ્લેટમાં કાઢીને થોડી વાર ઠંડુ થવા દો.
હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને બારીક પીસી લો. આ પાવડરને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો જેથી તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય. ક્લાસિક જલજીરા બનાવવા માટે એક ગ્લાસમાં 2 ચમચી જલ જીરા પાવડર ઉમેરો, અડધું લીંબુ નિચોવો, પાણી ઉમેરો, બરફના ટુકડા ઉમેરો અને ઉપર બૂંદી નાખો અને ઠંડુ કરીને સર્વ કરો.
2. કાકડી અને ફુદીનો જલજીરા સામગ્રી : છીણેલી કાકડી 1/2 કાકડી, ફુદીનાના પાન મુઠ્ઠીભર, લીંબુ 1/2, ઠંડુ પાણી જરૂર મુજબ, બરફના ટુકડા મુઠ્ઠીભર અને બૂંદી મુઠ્ઠીભર.
બનાવવાની રીત : કાકડી અને ફુદીનાની જલજીરા બનાવવા માટે બ્લેન્ડરમાં જીરું પાવડર નાખો. કાકડીને પણ છાલ સાથે નાના ટુકડા કરી લો. પછી તેમાં કાકડીના ટુકડા, ફુદીનાના પાન, લીંબુનો રસ અને પાણી ઉમેરો. બધી સામગ્રીને બારીક પીસીને પ્યુરી બનાવો.
એક ગ્લાસ લો અને તે ગ્લાસમાં બરફ નાખો અને બરફ પર કાકડી અને ફુદીના જલજીરા રેડો. હવે ઉપર બૂંદી નાખીને ઠંડુ સર્વ કરો. તો તમે પણ ઉનાળામાં ઘરે આ 2 જલજીરા પીણાં બનાવીને પરિવારને ટેસ્ટ કરાવી શકો છો. અવનવી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.