ઉનાળાનો રાજા કહેવાતું ફળ એટલે કેરી. કેરીનો રસ બધાને ઘરે બનતો હોય છે, પરંતુ જયારે આપણે ઘરે કેરીનો રસ બનાવીએ છીએ ત્યારે કેરીના ગોટલાને નકામા સમજીને ફેંકી દેતા હોય છે, જો તમે પણ આવું કરો છો તો, આજની આ રેસિપી તમારા માટે છે, જાણો ગોટલીનો મુખવાસ કેવી રીતે બનાવી શકાય.
ગોટલીનો મુખવાસ: આજે આપણે જોઇશું કે કેરીની ગોટલી નો મુખવાસ ઘરે સરળતાથી બનાવવાની રીત. આ રીત માં તમારે ગોટલા ને તોડવાનો નથી. આમ તો બધા લોકો કેરી ખાઈને ગોટલી ફેંકી દે છે, પણ જો તે કેરીના ગોટલા માંથી નીકળતી ગોટલીનો મુખવાસ બનાવવામાં આવે તો તે એકદમ સારો બને છે.
આ મુખવાસ વિટામીન બી 12 પૂરું પાડે છે અને જમવાનું પચાવવામાં પણ મદદરૂપ થાય છે. આ મુખવાસ બનાવવામાં ઘણી મહેનત થાય છે પણ આજે આપણે એકદમ સરળ રીત જોઈશું. આ મુખવાસ બનાવામાં એકદમ ક્રંચી અને અંદર થી સોફ્ટ બને છે. તો ચાલો જાણીયે તેને બનાવવાની રીત. ઘરે એકવાર બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો.
સામગ્રી : કેરીના ગોટલા, ૨ ચમચી ઘી, 1/4 ચમચી સંચળ પાઉડર.
ગોટલી નો મુખવાસ બનાવવાની રીત : આમ તો જ્યારે આપણે મુખવાસ બનાવતાં હોઈએ છીએ ત્યારે ગોટલી કાઢવામાં વધુ સમય લાગતો હોય છે. ઘણી વાર ઓને ગોટાળાને તોડતા હોઈએ છીએ ત્યારે ગોટલીનો ભુક્કો પણ થઈ જતો હોય છે. તો અહિયાં એક નવી રીતે ગોટલામાંથી ગોટલીને કાઢવાની રીત જોઈશું.
સૌથી પહેલા કેરીનાં ગોટલાને પાણીથી ધોઈ લો. ગોટલા ને ધોયા પછી 4 થી 5 દિવસ તડકામાં સૂકવી રાખો. ગોટલા સારી રીતે સુકાઈ જાય એટલે તેને એક કુકર મા નાખીશું. હવે તેમાં ગોટલા ડૂબે એટલું પાણી ઉમેરો. હવે આ ગોટલાને બાફવાના છે તો, ધીમા ગેસ પર ૭ થી ૮ કૂકરની વિશલ થાય ત્યાં સુધી બાફવા દો.
જો તમે ફૂલ ગેસ પર ગોટલા બાફશો તો કૂકરની સીટી જલ્દીથી વાગશે, પરંતુ ગોટલા સારી રીતે બફાશે નહીં. હવે જયારે ગોટલા બફાઈ જાય એટલે કુકરનેં નીચે ઉતારી, ગોટલાને ચીપિયાથી બહાર કાઢી લો. હવે ગોટલાને ઠંડા થવા દો. ગોટલા ઠંડા થાય એટલે તેને ચપ્પા કે કોઈ બીજી વસ્તુનું મદદ થી તેમાંથી ગોટલી કાઢી લો.
અહિયાં તમારે ગોટલી કાઢવા માટે વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે, સરળ રીતે ગોટલી કાઢી શકશો. ગોટલી કાઢ્યા પછી તેની ઉપરની છાલ પણ કાઢી લો. બધી ગોટલી નીકળી જાય એટલે જાય એટલે ગોટલી ને ચપ્પાની મદદથી કાપી તેના નાના નાના ટુકડા કરી દો.
અહિયાં તમે તમારી ઈચ્છા મુજબ ટુકડા કરી શકો છો, પરંતુ નાના ટુકડાં કરવાથી સુકાવામાં વધુ ટાઇમ લાગતો નથી. તમે ગોટલીની ચિપ્સ પણ પાડી શકો છો.અથવા તો તમે ગોટલી ને મોટાં હોલવારી છીનીની મદદથી તેને છીણી પણ શકો છો. છીણેલી ગોટલી નો મુખવાસનો ટેસ્ટ સારો આવતો હોય છે.
હવે આ ગોટલી ને 2 થી 3 દિવસ સુધી તડકામાં સુકાવા માટે રાખી દો. 2 થી 3 દિવસ પછી, સારી રીતે સુકાઈ જાય એટલે, હવે એક પેન લો અને પેનમાં ૨ ચમચી ઘી ઉમેરો. ઘી ગરમ થાય એટલે તેમાં ગોટલી નાં ટુકડાંઓને ઉમેરો. હવે તેને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે શેકાવા દો.
અહિયાં મુખવાસ બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખો. જો બળી જશે તો તેનો ટેસ્ટ ખરાબ આવશે. હવે 2 થી 3 મિનિટ થાય પછી તેમાં 1/4 ચમચી સંચળ પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશુ. હવે આ મુખવાસ ને એક પ્લેટ મા કાઢીને ઠંડો થવા માટે રાખો. તમારે પેનમાં જ મુખવાસ ને ઠંડો થવા માટે રાખવાનો નથી.
અહિયાં તમે આ મુખવાસ ને એકલા છીણ કે ટુકડા સાથે પણ લઇ શકો છો. અથવા જો તમે ઈચ્છો તો, તમે તેમાં તલ, વરીયાળી કે ધાણાદાળને પણ મિક્સ કરી શકો છો. તો અહિયાં તમારો મુખવાસ બનીને તૈયાર થઇ ગયો છે.
આ મુખવાસનો તમે ચિપ્સ, નાના ટુકડા કે બટકાની કાતરી કરીએ તે મુજબ બનાવી શકો શકો છો. દરેકમાં બનાવવાની રીતે સરખી જ છે. જો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.