kolhapuri masala recipe in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

કોલ્હાપુરી મસાલા એ પરંપરાગત મસાલો છે જેનો ઉપયોગ સૌથી વધુ મહારાષ્ટ્રીયન વાનગીઓમાં થાય છે. ખાવાનું ચટપટું અને તીખો સ્વાદ આપવા માટે મહારાષ્ટ્રમાં તેનો ઉપયોગ સામાન્ય છે. મિસલ, કોલ્હાપુરી ચિકન, કોલ્હાપુરી ભાત જેવી વાનગીઓ બનાવતી વખતે આ મસાલાને મુખ્ય સામગ્રી તરીકે ઉમેરવામાં આવે છે.

હવે જયારે પણ તમે નોન વેજ ડીશ અથવા ઉસલ બનાવતા હોય તો બહારથી કોલ્હાપુરી મસાલો ખરીદવાને બદલે તમે ઘરે બનાવી શકો છો. તે ઘરે બનાવવું સરળ છે અને તમારા રસોડામાં રાખવામાં આવેલા થોડા મસાલાનો ઉપયોગ કરીને જ આ તીખા ફ્લેવરના મસાલાને તૈયાર કરવામાં આવે છે.

ચાલો આજની આ રેસિપીમાં અમે તમને જણાવીએ કે તે શું છે અને કયા મસાલાથી તેને બનાવવામાં આવે છે. આ સિવાય તમે જાણી શકો છો કે તમારે તેને સ્ટોર કેવી રીતે કરવું જોઈએ.

કોલ્હાપુરી મસાલા શું છે?

કોલ્હાપુરી મસાલા બે પ્રકારના હોય છે. એક ડ્રાય પાઉડર છે અને બીજું અનેક મસાલાઓનું ભીનું મિશ્રણ હોય છે. તમે આ પ્રકારના મસાલાને ઘરે કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકતા નથી. લોકો સૂકા કોલ્હાપુરી મસાલાનો જ ઉપયોગ કરે છે.

કોલ્હાપુરની આવી ઘણી વાનગીઓ ખૂબ જ લોકપ્રિય છે. ઉદાહરણ તરીકે, કોલ્હાપુરી મસાલાનો ઉપયોગ કોલ્હાપુરી ચિકન, તાંબડા અથવા રસા જેવી વાનગીઓમાં થાય છે. આ મસાલો કોલ્હાપુરનું ગૌરવ છે.

કોલ્હાપુરી મસાલા બનાવવા માટે જરૂરી સામગ્રી

આ મસાલા બનાવવા માટે તમારે 10-11 સામગ્રીની જરૂર પડશે. આ આખા મસાલા તમારા રસોડામાં તમને સરળતાથી મળી જશે. કોલ્હાપુરી મસાલા બનાવવા માટે સામગ્રીની યાદી નીચે મુજબ છે.

  • 3-4 સૂકા લાલ મરચાં
  • 1/2 કપ સફેદ તલ
  • 2 ચમચી આખા ધાણા
  • 2 મોટી ચમચી આખું જીરું
  • 1 મોટી ચમચી વરિયાળી
  • 2 મોટી ચમચી કાળા મરી
  • 1 મોટી ચમચી મેથીના દાણા
  • 10-15 લવિંગ
  • 2 મોટી ચમચી રાઈના દાણા
  • 1/2 કપ સૂકું છીણેલું નારિયેળ
  • 1 ચમચી જાયફળ પાવડર
  • 1 ચમચી લાલ મરચું પાવડર

કોલ્હાપુરી મસાલો બનાવવાની રીત

આ માટે પહેલા એક પેન લો અને તેમાં સૂકા લાલ મરચા ઉમેરીને શેકી લો. મરચાંને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે સહેજ ઘાટા ના થઇ જાય. હવે આ પેનમાં સૂકું નારિયેળ નાખીને ધીમી આંચ પર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરો. તેને પણ બહાર કાઢીને સૂકા લાલ મરચા સાથે કાઢી લો.

હવે એ જ પેનમાં જાયફળ પાવડર અને લાલ મરચાં પાવડર સિવાયની બધી સામગ્રી ઉમેરો અને ધીમી આંચ પર 3-4 મિનિટ સુધી શેકો. જ્યારે તેમાંથી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરીને તેને એ જ નારિયેળ અને લાલ મરચાંવાળી પ્લેટમાં નાખીને ઠંડુ કરો.

હવે બ્લેન્ડરના જારમાં શેકેલી બધી જ સામગ્રીને મૂકો અને તેમાં જાયફળ અને લાલ મરચું પાવડર ઉમેરીને બધી સામગ્રીને પીસી લો. તમારો કોલ્હાપુરી મસાલો બનીને તૈયાર છે, હવે તમે તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

આ પણ વાંચો: માત્ર 1 ચમચી આ મસાલો કોઈપણ શાકમાં નાખી દો, આંગળીઓ ચાટતા ના રહી જાઓ તો કહેજો

કોલ્હાપુરી મસાલાને સ્ટોર કરવાની રીત

આ મસાલાને કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં રાખવાથી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. જ્યારે તમે મસાલા બનાવવા માટે નારિયેળને શેકો ત્યારે તે બળી ન જાય તેનું ધ્યાન રાખો નહીંતર મસાલામાંથી બળી ગયેલી સુગંધ આવશે અને તેના કારણે મસાલો પણ ઝડપથી બગડી શકે છે.

બધી સામગ્રીને ખૂબ જ નાનું પીસવાનું ટાળો કારણ કે નાળિયેરમાંથી તેલ નીકળી શકે છે, જે મસાલાને પણ ઝડપથી બગાડી શકે છે. તમે આ મસાલાને કન્ટેનરને બદલે એરટાઈટ બેગમાં રાખીને ફ્રીઝમાં સ્ટોર કરવાથી 6 મહિના સુધી મસાલો બગડશે નહીં.

જ્યારે પણ રસોઈ માટે મસાલાનો ઉપયોગ કરો છો ત્યારે તેને ભીની ચમચી અથવા હાથથી ના નીકાળો. આવી રીતે કાઢવાથી મસાલાઓ ખુબ જ ઝડપથી ખરાબ થઇ જાય છે. હવે ઘરે કોલ્હાપુરી મસાલો બનાવીને સ્વાદ વધારો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા