ઉનાળો આવે એટલે સૌથી પહેલા યાદ આવે એટલે કેરી. આ સિઝનમાં કેરી ખૂબ જ સસ્તી હોય છે. કેરીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને અમીર અને ગરીબ બધા વર્ગના લોકો ખાય છે.
ઉદાહરણ તરીકે સફરજન અને દાડમને અમીરોનું ફળ કહેવાય છે કારણ કે તે ખૂબ મોંઘા છે જે ગરીબ વર્ગ લોકો ભાગ્યેજ ખાય છે. બીજી તરફ જોઈએ તો કેરી ખૂબ સસ્તી હોય છે જેના કારણે ગરીબો પણ આ રસદાર ફળનો આનંદ લે છે.
કેરીની ઠંડી લસ્સી ગરમીથી રાહત આપે છે. તેથી તડકામાં બહાર નીકળતા પહેલા એક ગ્લાસ મેંગો લસ્સી પીને જાઓ. સૌથી સારી વાત એ છે કે તેને ઘરે બનાવી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. તમે તેને ઘટ્ટ અને ક્રીમી બનાવી શકો છો અથવા તમે તેને લાઈટ અને પાતળી પણ બનાવી શકો છો.
આ વાતનું ધ્યાન રાખો : કેરીની લસ્સી બનાવતી વખતે તે કેરીનો ઉપયોગ કરો જેમાં ફાઇબર ઓછું હોય અને જે ઝડપથી સ્મૂધ અને ક્રીમ ટેક્સચર લાવી શકે અને જો તમારે પાતળી અને ઠંડી લસ્સી પીવી હોય તો બરફ કે ઠંડા પાણીનો વધારે ઉપયોગ કરી શકો છો.
જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો અને દિવસભર હાઇડ્રેટેડ રહેવું હોય તો દૂધનો ઉપયોગ બિલકુલ ના કરો. તેમાં દહીંનો ઉપયોગ કરો. દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે જે તમારા શરીરને તરત જ એનર્જી આપે છે અને તમારા શરીરને દિવસભર ઠંડુ રાખે છે.
તમે જયારે પણ ઘરે કેરીની લસ્સી બનાવો ત્યારે ઇલાયચીનો ઉપયોગ જરૂર કરો, કારણ કે ઈલાયચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જરૂરી સામગ્રી : કેરી 1 કપ (ઝીણી સમારેલી), ખાંડ અડધો કપ, દહીં અડધા વાટકીથી ઓછું, ઈલાયચી 2, ફુદીનાના પાન ગાર્નિશ કરવા માટે અને 4 થી 5 બરફના ટુકડા.
મેંગો લસ્સી બનાવવાની રીત : લસ્સી બનાવવા માટે સૌથી પહેલા બે થી ત્રણ પાકેલી કેરી લો અને તેની છાલ કાઢીને તેના નાના-નાના ટુકડા કરી લો. હવે એક જાર લો અને તેમાં કેરીના ટુકડા, ખાંડ, દહીં અને બરફના ટુકડા નાખો. હવે તેમાં ઈલાયચી ઉમેરીને એકથી બે મિનિટ માટે બ્લેન્ડ કરો.
હવે જારમાંથી લસ્સી કાઢીને કાચના ગ્લાસમાં કાઢી સર્વ કરો અને સર્વ કરતી વખતે ઉપરથી ફુદીનાના પાન નાખીને ગાર્નિશ કરી લો. ફુદીનાના પાન સ્મૂધીનો સ્વાદ બદલી નાખે છે અને આ પાંદડા સ્વાથ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ જો તમને આ પાંદડાઓનો સ્વાદ પસંદ નથી તો તમે બદામ અને પિસ્તાનો નાની કટિંગ કરીને તેનો ઉપયોગ ગાર્નિશ કરવા માટે પણ કરી શકો છો.
લસ્સી પીવાના ફાયદા : આ મેંગો લસ્સી ખૂબ જ હેલ્ધી હોય છે. આ એક ગ્લાસ લસ્સીમાં લગભગ 218 કેલરી હોય છે. તેમાં 5.0 ગ્રામ ફૈટ અને 4 ગ્રામ જેવું પ્રોટીન હોય છે. તેમાં 37 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 13 ગ્રામ ફાઈબર હોય છે, તેથી તમે પણ ઉનાળામાં દરરોજ એક ગ્લાસ લસ્સી જરૂર પીવો.