આપણને બધાને શિયાળામાં અથાણાં અને દહીં સાથે ગરમાગરમ અને સ્વાદિષ્ટ મેથીના થેપલા ખાવાનું ગમે છે. શિયાળાની સવારની કડકડતી ઠંડીમાં દિવસની શરૂઆત કરવા માટે મેથીના થેપલાથી વધારે સારો નાસ્તો બીજું કંઈ ના હોઈ શકે, અને ગુજરાતીઓ તો ક્યાંય પણ ફરવા જાય પણ થેપલા તો જોડે લઈને જ જાય.
જો કે થેપલાના સ્વાદિષ્ટ નાસ્તાનો પુરેપુરો સ્વાદ મેળવવા માટે તેને યોગ્ય રીતે બનાવવા પણ ખૂબ મહત્વપૂર્ણ છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને રસોઈનીદુનિયાની ફૂડ સ્કૂલમાં મેથીના થેપલાને યોગ્ય રીતે કેવી રીતે બનાવી શકાય તેની માહિતી આપી રહ્યા છીએ.
ચાલો જાણીએ કે આ સ્વાદિષ્ટ થેપલાને શરૂઆતથી લઈને અંત સુધી કેવી રીતે બનાવી શકાય અને તેની સાથે જોડાયેલી જરૂરી માહિતી વિશે પણ જાણીશું.
થેપલા માટે પ્રો ટિપ્સ : મેથીના પાન તોડીને તેમાં કીડા છે કે નહિ તપાસો. હવે તેને પાણીથી ભરેલા મોટા વાસણમાં રાખો. હવે તેના ઉપર થોડું ક્રિસ્ટલ મીઠું છાંટીને થોડીવાર માટે બાજુમાં રાખો. તે કીડાઓને દૂર કરવામાં મદદ કરે છે.
ત્યાર બાદ તેને નવશેકા પાણીથી સારી રીતે ધોઈ લો. મેથીને ઉકાળવાને બદલે તમે કણક ભેળતી વખતે ઝીણી સમારેલી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. થેપલાને સ્વાદિષ્ટ બનાવવા માટે તાજા મેથીના પાનનો ઉપયોગ કરો. ઘી સાથે મેથીના થેપલાને શેકવાથી સ્વાદ ખૂબ જ સારો લાગે છે.
મેથીના પરાઠાની પેસ્ટ કેવી રીતે બનાવવી : એક મોટા વાસણમાં પાણી ઉમેરો અને ઉકરવા દો. આ પછી તેમાં ધોયેલા મેથીના પાનને ઉમેરો અને તેને પણ ઉકળવા દો. હવે બ્લેન્ડરના પાણીમાં બાફેલી મેથી નાંખો. તેમાં આદુ અને મરચું ઉમેરો અને બ્લેન્ડ કરો. પછી તેને ઠંડુ થવા દો. પછી સ્મૂધ પ્યુરી બનાવવા માટે બધું સારી રીતે મિક્સ કરો.
આ ભૂલો ના કરો : મેથીને વધારે ના ઉકાળો કારણ કે તેના પોષક તત્વો નષ્ટ થઇ જશે. લોટ બાંધતી વખતે પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરો. વધારે પડતું પાણી ઉમેરવાથી તમારા થેપલાને બગાડી શકે છે.
થેપલાને લાંબા સમય સુધી સ્ટોર ના કરો કારણ કે તે તેના સ્વાદ ગુમાવશે. તમે થેપલાની કણકને એરટાઈટ કન્ટેનરમાં ફ્રિજમાં 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે તેને તાજું બનાવીને ગરમાગરમ સર્વ કરો.
કણકને કેવી રીતે ગૂંથવી : એક મોટા બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ લો અને તેમાં 1/2 ટીસ્પૂન અજમો, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી તેલ ઉમેરો. હવે તેમાં તૈયાર કરેલી મેથીની પ્યુરીને ઉમેરો. મેથીની પ્યુરી સરખી રીતે ભળી જાય તે રીતે તેને સારી રીતે મિક્સ કરો.
હવે જરૂર મુજબ પાણી ઉમેરો અને 5 મિનિટ સુધી લોટને બાંધો જ્યાં સુધી કણક સ્મૂધ ના થાય.
કણકની ઉપર થોડું તેલ ગ્રીસ કરી લો. લોટને 30 મિનિટ માટે ભીના કપડાથી ઢાંકીને બાજુ પર રાખો.
ઘરે મેથીના થેપલા બનાવવાની સામગ્રી : મેથીના પાન 1 જુડો, લીલું મરચું 1, આદુ 1 ઇંચ, ઘઉંનો લોટ 2 કપ, અજમો 1/2 ચમચી, મીઠું સ્વાદ મુજબ, તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ, તેલ અથવા ઘી શેકવા માટે
મેથીના થેપલા બનાવવાની રીત : તૈયાર કરેલી કણકમાંથી એક મધ્યમ કદની લોઈ બનાવીને થોડી વણી લો. હવે તેના પર થોડો ઘઉંનો લોટ છાંટીને તેને સામાન્ય પરાઠાની જેમ પાતળો ગોળ ગોળ ફેરવીને વણી લો. હવે પરાઠાને ગરમ તવી પર મૂકો અને એક મિનિટ સુધી પકાવો.
જ્યારે એક બાજુથી સહેજ ચડી જાય ત્યારે મેથીના થેપલાને પલટી લો. હવે આગળની બાજુએ થોડું તેલ અથવા ઘી લગાવો અને તેને હળવા હાથે દબાવો અને ફરીથી પલટાવી દો અને તેને પાકવા દો. જ્યાં સુધી બંને બાજુ સંપૂર્ણપણે શેકાઈ ના જાય ત્યાં સુધી એક કે બે વાર પલટાવો.
તો તૈયાર થઇ ગયેલા સ્વાદિષ્ટ થેપલાને અથાણું, દહીં અથવા રાયતા સાથે પીરસો અને ખાઓ. અમે આશા રાખીએ છીએ કે આ ટિપ્સ અને રેસિપી તમને સંપૂર્ણ અને સૌથી સ્વાદિષ્ટ મેથી થેપલા બનાવવામાં મદદ કરશે. આવી જ વધારે વાનગીઓ અને ટિપ્સ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.