તમે પહેલા પણ ઘણી વાર સાંભળ્યું અથવા ક્યાંક વાંચ્યું હશે કે લીમડાનું ઝાડ અને તેના પાંદડા, ફળ અને મૂળના ગુણોના ફાયદા વિશે. પ્રાચીન સમયથી લઈને આજે પણ લીમડાના પાનનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે. લીમડાના પાનનો ઉપયોગ લગભગ દરેક ઋતુમાં શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે અને ત્વચાની કેર કરવા માટે કરવામાં આવે છે.
પરંતુ શું તમે વિચાર્યું છે કે લીમડાના પાનથી માત્ર શરીરની સમસ્યાઓને જ દૂર નથી કરી શકાતી પરંતુ તેનો ઉપયોગ ઘરના ઘણા મુશ્કેલ કામોને સરળ બનાવવા માટે પણ કરી શકાય છે. લીમડાના પાનનો ઉપયોગ બેડમાં પડેલા બેડબગ્સ દૂર કરવાથી લઈને ચોખામાં રહેલા જંતુઓને દૂર કરવા માટે અને માઉથવોશ વગેરે બનાવવા માટે કરી શકાય છે.
આ લેખમાં અમે તમને લીમડાના પાંદડાના કેટલાક જાદુઈ અને અનોખા ઉપયોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે ઘરના કામોને સરળ બનાવી શકો છો, તો ચાલો જાણીએ.
લીમડાના પાનમાંથી જંતુનાશક સ્પ્રે બનાવો : નાના છોડમાં જીવજંતુઓ વધારે હોય છે તેથી તમે તેમને ભગાડવા માટે લીમડાના પાંદડાનો ઉપયોગ કરીને એક સારો જંતુનાશક સ્પ્રે બનાવી શકો છો. તેના ઉપયોગ કરીને તમે મોસમી જીવજંતુઓથી લઈને કીડીઓ, કાળી કીડીઓ, ડ્રેઇન ફ્લાય વગેરેથી સરળતાથી ભગાડી શકો છો.
તમે તેનો ઉપયોગ કરીને બાથરૂમ અને રસોડામાં રહેલા નાના જંતુઓને પણ ભગાડી શકો છો. તમને જણાવી દઈએ કે આ જંતુનાશક સ્પ્રે કુદરતી છે અને કેમિકલ મુક્ત છે અને ઘરે બનાવવો પણ સસ્તો છે. જંતુનાશક સ્પ્રે બનાવવા માટેની સામગ્રી : લીમડાના પાન 2 કપ, ખાવાનો સોડા 1 ચમચી અને પાણી જરૂર મુજબ
જંતુનાશક સ્પ્રે કેવી રીતે બનાવવો : સ્પ્રે બનાવવા માટે સૌપ્રથમ લીમડાના પાનને એક લીટર પાણી લઈ તેને મિક્સરમાં નાખો. હવે તેને બારીક પીસી લો અને પછી સારી રીતે ગાળી લો અને એક સ્પ્રે બોટલમાં ભરી લો. હવે એક સ્પ્રે બોટલમાં ખાવાનો સોડા નાખીને તેને બરાબર હલાવીને મિક્ષ કરી લો.
આ કુદરતી જંતુનાશક સ્પ્રેના છંટકાવથી તમે છોડ અથવા બાથરૂમમાંથી જંતુઓને સરળતાથી દૂર કરી શકો છો. અને બેડ પર પડેલા બેડ બગ્સથી છુટકારો મેળવવા માટેનો સૌથી સારો ઉપાય છે. જો બેડમાં, સોફા સેટ અથવા કાર સીટમાં ખટમલ હોય તો લીમડાના પાનનો ઉપયોગ કરીને સરળતાથી ભગાડી શકાય છે.
આ માટે પલંગની, સોફા અથવા કારની સીટની નીચે એકથી બે કપ લીમડાના પાન રાખો અને તેને ત્રણથી ચાર દિવસ સુધી રહેવા દો. તમે જોશો કે બેડબગ્સ આ સ્થળોએથી ભાગી ગયા હશે. લીમડાના પાંદડામાં તીવ્ર ગંધ હોય છે અને તેના લીધે બગ્સ ઝડપથી ભાગી જાય છે. જ્યાં વધુ બેડબગ્સ નીકળતા હોય ત્યાં તમે લીમડાના પાનને એક અઠવાડિયા સુધી એવી જગ્યાએ રાખી શકો છો.
ચોખામાંથી કીડા ભગાડવા માટે : ઘણીવાર ચોખામાં નાના જીવજંતુઓ પડી જાય છે જેના કારણે ઘણી વખત ચોખાને ફેંકી દેવા પડે છે. ખાસ કરીને શિયાળાની ઋતુ કે વરસાદની ઋતુમાં ચોખામાં જીવજંતુઓ વધારે પડી જાય છે. આવી સ્થિતિમાં લીમડાના પાનનો ઉપયોગ કરીને તમે આ જંતુઓને દૂર કરી શકો છો.
ચોખામાંથી જંતુઓ દૂર કરવા સિવાય પણ લીમડાના પાનનો ઉપયોગ ચણાનો લોટ, ખાંડમાંથી કીડીઓને દૂર કરવા માટે અને લોટમાંથી કીડાઓ માટે કરી શકાય છે .
આ રીતે ઉપયોગ કરો : પહેલા ચોખાને એક વાસણમાં કાઢી લો. હવે એકથી બે કપ લીમડાના પાનને કાગળમાં લપેટીને ચોખાની અંદર મુકો. તેની તીવ્ર ગંધથી જંતુઓ ચોખામાંથી ભાગી જશે. તમે લીમડાના પાનને કાગળમાં લપેટીને બોક્સમાં અથવા ચોખાવાળી બોરીમાં રાખી શકો છો.
લીમડાના પાનથી બનાવો માઉથવોશ : હવે તમારે કેમિકલયુક્ત માઉથવોશ બજારમાંથી ખરીદવાની જરૂર નથી કારણ કે તમે લીમડાના પાનમાંથી કુદરતી માઉથવોશ ઘરે જ બનાવી શકો છો. લીમડાના પાન એક ઉત્તમ માઉથવોશ તરીકે કામ કરી શકે છે, તો ચાલો જોઈએ બનાવવાની રીત.
સૌથી પહેલા બે કપ લીમડાના પાનને સારી રીતે સાફ કરો. હવે એક લિટર પાણી ગરમ કરો અને તેમાં લીમડાના પાન નાખીને ઉકાળો. પાણી ઠંડું થયા પછી તેમાં એક ચમચી મીઠું સારી રીતે મિક્સ કરીને ગાળીને બોટલમાં ભરી લો. હવે તમે માઉથવોશ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો.
આ કામો માટે પણ વાપરી શકાય : ચોખાના કીડા ભગાડવા, માઉથવોશ, બેડબગ્સ અને જંતુનાશક સ્પ્રે બનાવવા સિવાય પણ તમે લીમડાના પાનનો ઉપયોગ બીજા ઘણા કામો માટે કરી શકાય છે. લીમડાના પાનનો ઉપયોગ સ્કિન કેર, વાળની કાળજી લેવા અને દાંતની સંભાળ માટે પણ કરી શકાય છે.
જો કે તમારે આ સંદર્ભમાં તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.