આજકાલ માર્કેટમાં કોઈપણ વસ્તુ ખરીદી કરવા જાઓ, તમને ભેળસેળ જોવા મળી જશે. તો પછી પનીર કેવી રીતે અસલી આવતું હશે તેની શું ગેરંટી?. એટલા માટે જાતે પનીર ઘરે જ બનાવો અને તાજું ખાઓ. ઘણા લોકોને લાગે છે તેને બનાવવું અઘરું છે.
પરંતુ તમને જણાવી દઈએ કે તેને બનાવવું ખૂબ જ સરળ છે. તમારે ફક્ત ફુલ ક્રીમ દૂધ ઉકાળવાનું છે અને પછી તેમાં લીંબુનો રસ ઉમેરીને ફાડી કેવાનું છે. પછી કપડા વડે દહીંવાળા દૂધને ગાળી લો. તમારું પનીર તૈયાર થઈ જશે. જાણો પનીર બનાવવાની રેસીપી.
પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી : 1 લીટર ફુલ ક્રીમવાળું દૂધ, 1 લીંબુ, 1/2 લિટર પાણી, 1/2 મીઠું, મલમલ અથવા સુતરાઉ કાપડ, કડાઈ અને 2 કાચના બાઉલ.
પનીર બનાવવાની રેસીપી : સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને, સૌથી પહેલા એક કડાઈમાં દૂધને મધ્યમ આંચ પર સારી રીતે ઉકાળો. ઉકાળતી વખતે તેને ચમચાથી હલાવતા રહો જેથી તેનો ઉભરો બહાર ન નીકળે.
જેવું દૂધ ઉકળવા લાગે એટલે તેમાં થોડું મીઠું ઉમેરો અને પછી તેને થોડીવાર ઉકાળો. હવે એક બાઉલમાં લીંબુ નિચોવી તેમાં થોડું પાણી ઉમેરો. હવે આ રસને ધીમે-ધીમે દૂધમાં ઉમેરો અને હલાવતા રહો.
દૂધ 4-5 મિનિટમાં ફાટી જશે. પછી તમે ગેસ બંધ કરી દો. હવે બીજા એક નાના બાઉલમાં અડધો લિટર પાણી ભરો. એક મોટા બાઉલ પર સુતરાઉ અથવા મલમલનું કપડું મુકો અને તેમાં ફાટેલું દૂધ ઉમેરો અને તેને સારી રીતે ગાળી લો. કપડાની પોટલીને બાંધીને પાણી નીતાળી લો.
હવે નીતાળી લીધા પછી તે પનીરની પોટલીને પાણી ભરેલા નાના બાઉલમાં ડુબાડીને સાફ કરો. આમ કરવાથી પનીરમાંથી લીંબુની ખટાશ નીકળી જશે. હવે પનીરની પોટલીને પાણીમાંથી કાઢી લો અને તેને કપડાથી બાંધીને પાણી નિચોવી લો.
હવે પનીરને પોટલીને રસોડાના ફ્લોર પર મૂકો અને ઉપરથી ચોપિંગ બોર્ડથી દબાવો અથવા તમે કોઈ ભારે વસ્તુને પણ પનીરની પોટલી ઉપર મૂકી શકો છો. જેથી પનીરમાંથી બધુ જ પાણી નીકળી જાય અને તેનો સુંદર આકાર પણ બની જાય.
પનીરને 15 મિનિટ સુધી દબાવી રાખ્યા બાદ તેને કપડામાંથી બહાર કાઢી લો અને તેને લાંબા પીસમાં કાપીને 1-2 કલાક માટે ફ્રીજમાં રાખો. તો તમારું તાજું અને શુદ્ધ પનીર બનીને તૈયાર ગયું છે.
છે ને એકદમ સરળ રીત. હવે તમે બજાર કરતા પણ સારું પનીર આ રીતે બનાવવાનું ચોક્કસ ટ્રાય કરજો. જો રેસિપી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે આવી જ રેસિપી જાણવા જોડાયેલા રહો.