આજે અમે પરફેક્ટ ચણાના લોટની પાપડી નમકીન બનાવવાની રીત વિષે જાણીશું. જે મિક્સ નમકીનમાં પાપડી હોય છે તે ખરેખર ખાવામાં સરસ લાગે છે. તો આ લેખ વાંચી લીધા પછી તમે પણ ખૂબ જ સરળ અને સચોટ રીતે ઘરે બનાવી શકો છો.
જો કે તમે તેને વધુ પ્રમાણમાં બનાવીને સ્ટોર પણ કરી શકો છો. પરંતુ કદાચ તમને આ નમકીન સ્ટોર કરવાની તક નહીં મળે, કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી કદાચ તમે તેને એક દિવસમાં ખાઈ જશો. આવો જાણીયે પાપડી બનાવવાની રીત.
સામગ્રી : બેસન 2 કપ (300 ગ્રામ), મીઠું સ્વાદ મુજબ, હળદર 1/4 ચમચી, તેલ 1 ચમચી અને તેલ પાપડીને તળવા માટે.
બેસન પાપડી બનાવવાની રીત : બેસનની પાપડી બનાવવા માટે, સૌ પ્રથમ એક બેટર બનાવો, આ માટે એક બાઉલમાં તેના પર પર ચાળણી મૂકીને ચણાનો લોટ ઉમેરીને ચાળી લો. ચણાના લોટને ચાળી લેવાથી ચણાના લોટમાં ગઠ્ઠા નીકળી જશે અને બાઉલોમાં લોટ એકદમ સોફ્ટ મળશે.
હવે ચણાના લોટમાં મીઠું નાખો (પાપડીમાં મીઠું ઓછું નાખો કારણ કે પાપડીમાં મીઠું ઓછું જ હોય છે), પછી હળદર પાવડર અને એક ચમચી તેલ ઉમેરીને, એક ચમચીથી બધી વસ્તુને મિક્સ કરો.
હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈને હલાવતા જાઓ અને એક જાડું બેટર તૈયાર કરો. પાણી ઉમેર્યા પછી પણ બેટરને સારી રીતે 2 મિનિટ હલાવો જેથી બેટરમાં કોઈ ગઠ્ઠો ના રહે. બેટર જાડું હોવું જોઈએ. જો બેટર પાતળું હશે તો પાપડી બરાબર નહીં બને.
બેટર બનાવ્યા પછી, ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી પાપડી બનાવવાના મશીનના, જે હૅન્ડલને દબાવીને પાપડી પડે છે તે ભાગને અલગ કરીને મશીનના અંદરના ભાગમાં બ્રશથી તેલ લગાવી લો.
પછી પાપડી બનાવવા માટે જે પ્લેટ ઉપયોગમાં લેવાની છે તેને પણ તેલથી ગ્રીસ કરો. જો કે મશીન સાથે ઘણા આકારની પ્લેટો આવે છે, જેનો ઉપયોગ કરીને તમે અલગ અલગ નમકીન બનાવી શકો છો, પરંતુ અહીં આપણે પાપડી બનાવવાની રેસિપી બનાવવાના છીએ, તેથી પાપડીના આકારની પ્લેટ લો.
આ પ્લેટને સિલિન્ડર શેપ મશીનમાં મૂકીને ફિટ કરીને, તેમાં પાપડીનું બેટર ભરો. મશીનમાં થોડી જગ્યા રાખો, બેટરને ઉપર સુધી ન ભરો. આ પછી મશીનમાં હેન્ડલનો ભાગ ફીટ કરીને ગરમ તેલમાં પાપડી બનાવી લો. તેલમાં એકસાથે વધારે પાપડીઓ ના બનાવો, એક મશીનમાં 2 વાર થોડી થોડી બનાવો.
ત્યાર બાદ પાપડીને એક બાજુથી તળાઈ ગયા પછી તેને પલટી દો અને આ બાજુથી લાઈટ સોનેરી થવા દો. તમારે પાપડીને એકદમ સોનેરી રંગ ના આવે ત્યાં સુધી તળવાની જરૂર નથી, પાપડી પર થોડો કલર આવે એટલે તેને ટીશ્યુ પેપરમાં કાઢી લો. તો પાપડી બનીને તૈયાર છે તમે પણ આ રીતે તમારા ઘરે પાપડી બનાવી શકો છો.