માતાપિતા માટે બાળકની જવાબદારી બહુ અઘરું કામ છે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ માતાપિતા ઘણીવાર વિચારે છે કે બાળક મોટું થઇ રહ્યું છે તો તેમની જવાબદારી ઓછી થઈ રહી છે, જ્યારે વાસ્તવમાં આવું નથી. વધતી ઉંમરમાં આવી ઘણી વસ્તુઓ અને સંસ્કારો હોય છે જે બાળક ઘરેથી માતાપિતા પાસેથી જ શીખે છે.
માતા-પિતા દ્વારા કહેવામાં આવેલી સારી વાતો તેમને બહારની દુનિયામાં પણ સારી વ્યક્તિ બનવામાં મદદ કરે છે. આ સિવાય, જ્યારે તમે બાળકને કંઈક કહો છો અથવા તેમને સમજાવો છો ત્યારે તમારે એ પણ સમજવું જોઈએ કે તેની ઉંમર કેટલી છે.
તેનો સીધો અર્થ એ થાય છે કે તમે બાળકને એક સાથે બધું ના કહી શકો અને એકસાથે બધું નથી શીખવી શકતા. તમારે તેમની ઉંમર અને સમજણને ધ્યાનમાં રાખીને કેટલીક બાબતો જણાવવી જોઈએ અને શીખવવી જોઈએ. તો આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક બાબતો વિશે જણાવી રહ્યા છીએ કે, જે તમારે બાળકને દસ વર્ષની ઉંમરે શીખવવી જ જોઈએ.
દરેક વ્યક્તિને માન આપવું
તમે ઘણીવાર માતા-પિતાને કહેતા સાંભળ્યા જ હશે કે, તે છોકરી છે તો તમારે તેનું સન્માન કરવું જ જોઈએ. પરંતુ ખરેખર તમારે બાળકોને આ વાત ના સમજાવવી જોઈએ, પરંતુ તમારે તેને શીખવવું જોઈએ કે તેમણે છોકરીઓ અને છોકરાઓ બંનેનું સન્માન કરવું જોઈએ. તેઓ બંને સમાન છે.
બાળકને તે છોકરો છે, તે છોકરી છે, તેના આધારે ક્યારેય શીખવશો નહીં, કારણ કે બાળપણથી જ લિંગભેદની આ લાગણી તેને પછીથી પરેશાન કરી શકે છે. જે રીતે છોકરીને સન્માન મળવું જોઈએ તેવી જ રીતે છોકરો પણ સન્માનનો હકદાર છે.
છોકરાઓ મોટા થઈને ઘણીવાર વધુ રફ અને કઠિન હોવાનો ડોળ કરે છે. લાગણીશીલ થવું કે રડવું એ પુરુષોની લાગણીઓની અભિવ્યક્તિ નથી, પરંતુ તેમની નબળાઈ માનવામાં આવે છે. માટે જ નાનપણથી જ બાળકને સમાનતાનો પાઠ ભણાવો.
તેમને તેમના શરીર વિશે માહિતગાર કરો
તમારે છોકરી હોય કે છોકરો, માતા-પિતાએ દસ વર્ષની ઉંમરે દરેક બાળકને તેમના શરીર વિષેનુ પ્રાથમિક જ્ઞાન આપવું જ જોઈએ. આ એવી ઉંમર છે જ્યારે બાળક ઝડપથી મોટા થાય છે.
તમારે તેમને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે જણાવવું જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા સંબંધિત કેટલીક બાબતો પણ તેમની સાથે શેર કરવી જોઈએ. આ માટે તમે વીડિયો દ્વારા પણ માહિતગાર કરી શકો છો .
ગ્રેડ કરતાં જ્ઞાન વધારે મહત્વનું છે
કેટલીકવાર માતા-પિતા બાળકને સ્કૂલમાં ઓછા ગ્રેડ અથવા ગુણથી ખૂબ નારાજ થઈ જાય છે જે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી અને તે બાળકો ઉપર ગુસ્સે થઇ જાય છે. જો કે સારો ગ્રેડ હંમેશા સારા જ્ઞાનની નિશાની નથી હોતી. તમારે તમારા બાળકને શીખવવું જોઈએ કે તમે કેટલું જ્ઞાન મેળવ્યું તે ગ્રેડ કરતાં વધારે મહત્વનું છે.
તમારે તેને કહેવું જોઈએ કે તેણે હંમેશા કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેનું જ્ઞાન વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તેઓ કોઈ ભૂલ પણ કરે તો પણ તેમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે દરેક ભૂલ તેમને કંઈક નવું શીખવે છે, જે તમને ભવિષ્યમાં કામ લાગશે.
માતા-પિતા તેમના મિત્રો છે દુશ્મન નહીં
તમારા બાળકના મિત્ર બનવું એ પણ સરળ વાત નથી, ખાસ કરીને જો તેના પોતાના મિત્રો હોય તો. તમારે દસ વર્ષની ઉંમરે બાળકને એ વાત સમજાવી જોઈએ કે તમે તેમના દુશ્મન નથી.
તેઓ તમારા પર વિશ્વાસ કરીને તેમની સમસ્યાઓ તમારી સાથે શેર કરી શકે છે અને તમારી મદદ માંગી શકે છે. જો કે આ ઉંમરે તમારે તેમને લાંબા પ્રવચનો ન આપવા જોઈએ. આ સિવાય તમે બાળકો પર બૂમો પાડવાનું ટાળો. તમારા ગુસ્સે થવાથી બાળકો તેમના વિચારો તમારી સાથે શેર કરવામાં અચકાય છે.
એવું કામ તે ક્યારેય ના કરે જે તેમને પસંદ નથી
આ એક એવી ઉંમર છે જ્યાં બાળકો તેમના ગ્રુપમાં વિશેષ સ્થાન બનાવવા માંગે છે. તેમને લાગે છે કે મિત્રોમાં લોકપ્રિય બનવું ખૂબ જરૂરી છે. લોકપ્રિયતા મેળવવા માટે તે ક્યારેક એવું કામ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે, જે તમને ખરેખર ગમતું નથી.
એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે તમે તેમને સમજાવો કે માત્ર બીજાને ખુશ કરવા અથવા તેમના ગ્રુપમાં લોકપ્રિય અથવા પોતાનું સ્થાન બનાવવા માટે, વ્યક્તિએ એવું કોઈ કામ ન કરવું જોઈએ, જેની સાક્ષી તેમનું હૃદય તેમને ના આપે. તમે તેને કેટલાક ઉદાહરણો આપીને પણ સમજાવી શકો છો.
તો અહીંયા જણાવવામાં આવેલી કેટલીક બાબતો તમે પણ તમારા બાળકોને 10 વર્ષની ઉંમરમાં સમજાવી શકો છો. જો તમને આ જાણકરી ગમી હોય તો,બીજી આવી જીવનઉપયોગી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.