આપણા ઘરે ખાવાનો સ્વાદ વધારવા માટે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ મસાલા કેટલાક આખા મસાલાને પીસીને બનાવવામાં આવે છે. ગરમ મસાલાની સુગંધ અને સ્વાદ થોડો તેજ હોય છે તેથી તેને ખોરાકમાં થોડી જ માત્રામાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે.
હવે ગરમ મસાલાની બીજી વેરાઈટી પણ આવે છે તેનું નામ છે પંજાબી ગરમ મસાલા, જેનો સૌથી વધુ ઉપયોગ પંજાબી વાનગીમાં થાય છે. તેને ઉમેરવાથી સ્વાદને બમણો થાય છે અને તમને એક અદભુત ટેસ્ટ મળે છે. તેને ઘરે બનાવવાની રીત ખુબ સરળ છે અને તેને બનવવા માટે ઘણા બધા મસાલાની પણ જરૂર નથી પડતી.
તો આજે આ લેખમાં અમે તમને તેને ઘરે કેવી રીતે બનાવી શકાય અને તેને કેવી રીતે સ્ટોર કરી શકાય તે વિશે પણ જણાવીશું. તમે તેને વધારે માત્રામાં બનાવીને એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો અને જરૂર મુજબ તેનો ઉપયોગ કરો.
પંજાબી ગરમ મસાલા શું છે ? તમે કદાચ એક હ ગરમ મસાલાનો ઉપયોગ કરતા હશો , પણ તમને જણાવી દઈએ કે ગરમ મસાલામાં પણ ઘણી વેરાઈટી હોય છે અને તેની ફ્લેવરને ઉમેરવા માટે ઘણી અલગ અલગ વાનગીઓમાં તેને ઉમેરવામાં આવે છે. એ જ રીતે ગરમ મસાલાની બીજી જાત પંજાબી ગરમ મસાલો છે.
પંજાબી મસાલાને ધાણા, જીરું, તજ અને ઈલાયચીના ફ્લેવર સાથે બનાવવામાં આવે છે. તેને શેકીને પાઉડર કરવામાં આવે છે. મોટાભાગના પંજાબી ઘરોમાં તમને ચોક્કસપણે આ એક મસાલો અવશ્ય જોવા મળી જશે. પંજાબી વાનગી સિવાય પણ તમે તેનો ઉપયોગ બીજી વાનગીઓમાં પણ કરી શકો છો.
પંજાબી ગરમ મસાલા બનાવવા માટેની સામગ્રી : આ મસાલો બનાવવા માટે બધા મસાલા તાજા પસંદ કરવાના છે. આ માટે જરૂરી સામગ્રી : 1/2 કપ આખા કાળા મરી, 1/2 કપ જીરું, 1/2 કપ ધાણા, 1/4 કપ વરિયાળી, 8-10 લીલી ઈલાયચી, 12 લવિંગ, 3-4 તજની લાકડી, 1 ચમચી સૂકો આદુનો પાવડર.
પંજાબી ગરમ મસાલો બનાવવાની રીત : સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી પેનમાં કાળા મરી નાખીને 4-5 મિનિટ શેકી લો. ધ્યાન રાખો કે કાળામરીને ધીમી આંચ પર જ શેકો અને તે બળી ન જાય તેનું ધ્યાન રાખો. પછી તેને એક પ્લેટમાં કાઢીને રાખો.
હવે એજ રીતે પેનમાં જીરુંને શેકી લો અને પછી એક પછી એક ધાણા અને વરિયાળીને શેકીને કાઢી મરીવાળી પ્લેટમાં કાઢી લો. પછી ઈલાયચી, લવિંગ, તજને એકસાથે પેનમાં નાખીને, જ્યાં સુધી તેમાંથી સુગંધ ન આવે ત્યાં સુધી શેકો અને તેને પણ બહાર કાઢી લો.
હવે બધી સામગ્રીને ઠંડી કરી લો. પછી આ મસાલાને ગ્રાઇન્ડરમાં ઉમેરીને, તેમાં સૂકા આદુનો પાવડર ઉમેરીને પીસી લો. બધા મસાલા ઝીણા બારીક પાવડર બની જવા જોઈએ. તમારો પંજાબી ગરમ મસાલો તૈયાર થઇ ગયો છે હવે તેને એરટાઈટ જારમાં ભરીને સ્ટોર કરો.
પંજાબી ગરમ મસાલો બનાવવાની ટિપ્સ : આ હોમમેઇડ પંજાબી ગરમ મસાલો બનાવવા માટે હંમેશા સારી ગુણવત્તા અને તાજા આખા મસાલાનો જ ઉપયોગ કરો. મસાલાને મધ્યમથી ધીમી આંચ પર શેકો અને બળવા ન દો. બધા મસાલાને એકસાથે ક્યારેય ના શેકો.
વાસ્તવમાં કેટલાક મસાલા બીજા મસાલા કરતા ઝડપથી શેકાઈ જાય છે, તેથી તેને અલગથી શેકવા. જ્યારે પણ તમે તેને વધુ માત્રામાં બનાવો ત્યારે તમારી સામગ્રીમાં વધારો કરો. મસાલાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગો છો તો તેને રેફ્રિજરેટરમાં રાખો. આનાથી મસાલો 6 મહિના સુધી બગડશે નહીં.
તમે પણ આ મસાલો ઘરે બનાવીને ખાવાનો સ્વાદ બમણો કરી શકો છો. અમે આશા રાખીએ છીએ કે આ રેસિપી તમારા માટે ઉપયોગી થશે અને જો તમને લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.