જો તમે ઘરે સમોસા અથવા આલુવડા બનાવતા હોવ ત્યારે તમે બટાકાના સ્ટફિંગમાં તાજા પીસેલા ગરમ મસાલાને ઉમેરો. સમોસા અને આલુવડા વધારે સ્વાદિષ્ટ બનશે. રાયતાને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં શેકેલું જીરું-હીંગનો પાવડર નાંખવાને બદલે તડકો લગાવો.
પનીરમાં સરખા પ્રમાણમાં સોયાબીન અને બાજરીનો લોટ મિક્સ કરો. તેમાં જીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં અને મીઠું ઉમેરીને સખ્ત લોટ બાંધો. આ મિશ્રણમાંથી ટિક્કી બનાવીને તેને તવા પર શેકી લો. બાફેલા ઈંડાને વચ્ચેથી કાપવા માટે છરીને બદલે દોરાનો ઉપયોગ કરો. ઇંડા સારી રીતે કપાશે.
ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે બટાકાને કાપતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક ઠંડા પાણીમાં રાખવાથી ક્રિસ્પી બનશે. ઉપમાનો સ્વાદ વધારવા માટે તેને રાંધતી વખતે પાણીને બદલે તેમાં દહીં નાખો.
ઘરે ગાર્લિક બ્રેડ બનાવવા માટે, લસણને જીણું પીસી લો અને માખણ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને બ્રેડ પર ફેલાવો અને ટોસ્ટ કરો. ગાર્લિક બ્રેડ તૈયાર છે. જો ઈચ્છો તો તેમાં લાલ કે કાળા મરી પાવડર અને કોથમીર પણ ઉમેરી શકાય છે. મિલ્કશેક બનાવતી વખતે, દૂધમાં એક ચમચી જામ અથવા જેલી ઉમેરવાથી મિલ્ક શેક સ્વાદિષ્ટ બને છે.
બાફેલા ઈંડાને ચાર ભાગોમાં કાપો અને બાફેલા બટાકાને પણ ચોરસ આકારમાં કાપો. બંનેને મિક્સ કરીને તેના પર કાળા મરી પાવડર, ચાટ મસાલો અને મીઠું છાંટો. તૈયાર છે એગ પોટેટો સલાડ. પાણીપુરીમાં બટાકાને બદલે, તમે ફણગાવેલા અનાજ, જેમ કે મગ ભરીને પૌષ્ટિક પાણી પુરી બનાવી શકો છો.
મગની દાળને ઉકાળેલા પાણીમાં પંદર મિનિટ પલાળી રાખો અને પછી તેમાં એક ચમચી તલનું તેલ ઉમેરો અને ચોખાને મિક્સ કરીને પકાવો. ખીચડી એકદમ સ્વાદિષ્ટ બનશે. લીલા પાંદડાવાળા શાકભાજીને રાંધતા પહેલા તેલમાં થોડું મીઠું નાખો, આમ કરવાથી શાકભાજીનો રંગ રાંધ્યા પછી પણ કાળો થતો નથી.
હેલ્ધી બેકડ સમોસા બનાવવા માટે મૈંદાને બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરો. ઘઉંના લોટમાં મોયન (થોડું ઘી અથવા તેલ), મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરીને મસળી લો. બાફેલા બટાકા અને વટાણામાં ચાટ મસાલો, મીઠું, ગરમ મસાલો, જીણા સમારેલા લીલા મરચા અને કોથમીર ઉમેરો.
હવે કણકના ગોળા બનાવીને પૂરીની જેમ રોલ કરીને પુરીને બે ભાગમાં કાપો. બટાકાના મસાલાને બંને ભાગમાં ભરીને સમોસાનો આકાર આપો. બ્રશની મદદથી સમોસા પર તેલ લગાવો. હવે તેને કન્વેક્શન મોડ પર માઇક્રોવેવમાં બેક કરો. માખણને બદલે લીલી ચટણી અથવા ટામેટાની ચટણીનો ઉપયોગ કરો.
ભાત બનાવતી વખતે તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો. ભાતના દાણા એકબીજાને ચોંટશે નહીં. એ જ રીતે ભાતમાં લીંબુના રસને બદલે 1 ચમચી દેશી ઘી ઉમેરવાથી પણ ભાત છુટાછુટા બને છે.
પુરીઓ કે ભજીયા બનાવતી વખતે ગરમ તેલમાં એક ચપટી મીઠું નાખવાથી પુરીઓ અને ભજીયા ઓછું તેલ શોષી લે છે. ડુંગળીને મિક્સરમાં પીસતા પહેલા તેલમાં થોડું શેકી લો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીસી લો. ખાવાનું સ્વાદિષ્ટ બનશે.
પરાઠાને ઘી/તેલમાં શેકવાને બદલે માખણથી શેકવાથી પરાઠા વધુ સ્વાદિષ્ટ બને છે. ખીર બનાવતા પહેલા ચોખાને મિક્સરમાં થોડા બરછટ પીસી લો. બરછટ પીસેલા ચોખામાંથી બનેલી ખીર સ્વાદિષ્ટ હોય છે.