શિયાળામાં ગરમાગરમ ચા સાથે જો સમોસા મળી જાય તો, વાત જ શું કરવી. ઠંડીના દિવસોમાં ગરમાગરમ ભોજન અને નાસ્તાની વાત જ કઈ અલગ હોય છે. શિયાળો એવો હોય છે કે એમાં તમે જે પણ ખાઓ છો તેનાથી તમારું મન નથી ભરાતું, લાગે કે હજુ ખાધા જ કરીએ અને જ્યારે મસાલેદાર ખાવાની વાત આવે તો શું વાત છે.
આ સિઝનમાં જો લીલા વટાણાની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો અલગ જ વાત છે કારણ કે શિયાળામાં લીલા વટાણા પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જ્યારે સમોસાની વાત આવે તો લીલા વટાણાના સમોસા ખાવામાં તો અદ્ભુત તો છે જ, સાથે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ લીલા વટાણાના સમોસા બનાવવાની રીત.
સામગ્રી : 1 કપ બાફેલા અને ઠંડા કરેલા લીલા વટાણા, 2 કપ મેદાનો લોટ, તેલ તળવા માટે જરૂર મુજબ, 1 ચમચી અજમો, 1/4 ચમચી હીંગ, 1 નાની ચમચી આદુની પેસ્ટ, 1/2 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી જીરું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 કપ સમારેલી કોથમીર
લીલા વટાણાના સમોસા બનાવવાની રીત : વટાણાના સમોસા બનાવવા માટે સૌથી પહેલા એક નોન-સ્ટીક પેનમાં એક મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં અજમો અને હિંગ ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. પેનમાં આદુની પેસ્ટ ઉમેરો અને તેમાં ધાણાજીરું પાવડર, જીરું પાવડર, મીઠું ઉમેરીને 2 મિનિટ માટે સારી રીતે ફ્રાય કરો.
આ પછી કડાઈમાં લીલા વટાણા ઉમેરીને બરાબર મિક્ષ કરીને ફ્રાય કરો. હવે એક ચતુર્થાંશ કપ પાણી નાખી 2 મિનિટ સુધી પકાવો. હવે ઝીણી કોથમીર સમારીને નાખો અને સારી રીતે મિક્સ કરો અને પાણી સુકાઈ જાય ત્યાં સુધી પકાવો.
હવે આ મિશ્રણને મેશરની મદદથી મેશ કરો અને તેને એક બાઉલમાં રાખીને, મિશ્રણને ઠંડુ કરો. હવે સમોસા માટે લોટ બાંધો, તો તેમાં મૈંદામાં જરૂર મુજબ અજમો અને મીઠું મિક્સ કરી, સારી રીતે મસળી લો અને થોડું તેલ ઉમેરી લોટ તૈયાર કરો. થોડું પાણી ઉમેરી શકો છો.
સમોસા માટે તૈયાર કરેલા કણકને લગભગ 10 મિનિટ સુધી હળવા ભીના કપડાથી ઢાંકીને રાખો અને 10 મિનિટ પછી કણકના બોલ બનાવીને રોટલી ની જેમ વણીને પાથરી દો અને વચ્ચેથી કાપી લો. હવે સમોસાનો આકાર વટાણાનું પૂરણ ભરીને બંધ કરો.
આ પછી એક કડાઈમાં તેલ મૂકીને ઉંચી આંચ પર ગરમ કરો. તેલ ગરમ થાય પછી ગેસની આંચ ધીમી કરો. હવે એક પછી એક સમોસાને તળી લો. સમોસાને સોનેરી થાય ત્યાં સુધી સારી રીતે તળો અને પછી બહાર કાઢી લો. ગરમાગરમ સમોસા સર્વ કરવા માટે તૈયાર છે. તમે ચટણી અથવા ચા સાથે તેનો આનંદ માણી શકો છો.