જયારે પણ આપણે ઢાબા પર જઈને સેવ ટામેટાનું શાક ખાઈએ છીએ ત્યારે મગજમાં પ્રશ્ન જરૂર થાય છે કે, આ લોકો આટલું સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવતા હશે. ત્યારે આપણે પણ એવું ઇચ્છીએ છીએ કે જો ઘરે જ એવું શાક બને તો કેટલી ખાવાની મજા આવે.
પરંતુ જયારે ઘરે બનાવવામાં આવે ત્યારે કંઈક તો ખામી રહી જાય છે જેના કારણે ઢાબા જેવો સ્વાદ ઘરે નથી મળતો. મને વિશ્વાસ છે કે જો તમે આ રીતે શાક બનાવશો તો, ટામેટાનું શાક જયારે પણ બનાવશો, ત્યારે આ રીતે જ બનાવશો. તો ચાલો આજે સેવ ટામેટા નું શાક બનાવવાની રીત જોઈશું.
સામગ્રી : 1 ચમચી દેશી ઘી અને 1 ચમચી તેલ, 1 ચમચી જીરું, 1 મોટી ચમચી મિક્સ મસાલા પાવડર, 1 ચમચી કસૂરી મેથી, 2 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી બેસન, 2 મીડીયમ સાઈઝની ડુંગળી એકદમ જીણી સમારેલી, 3 મીડીયમ સાઈઝના ટામેટા એકદમ જીણા સમારેલા, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર.
અડધી ચમચી હળદળ, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી ફુદીના પાવડર, અડધી ચમચી કિચન કિંગ મસાલા અને ગરમ મસાલા, અડધી ચામચી ચાટ મસાલા, અડધો કપ ટામેટા પ્યૂરી, 3 સમારેલા લીલા મરચા, 1 ચમચી લીંબુનો રસ, કોથમીર, અડધી ચમચી મીઠું, 2 ચમચી ટોમેટો કેચ અપ, અડધો કપ ઘરની મલાઈ, દોઢ કપ મોટી સેવ, જરૂર મુજબ પાણી.
બનાવવાની રીત : એક પેનમાં 1 ચમચી દેશી ઘી અને 1 ચમચી તેલ ઉમેરો, હવે તેમાં 1 ચમચી જીરું નાખીને તતડવા દો. હવે 1 મોટી ચમચી મિક્સ મસાલા પાવડર ઉમેરો (નાની ઈલાયચી, મોટી ઈલાયચી, તજ, લવિંગ અને જાવિત્રી), 1 ચમચી કસૂરી મેથી, 2 ચમચી લસણની પેસ્ટ નાખી મિક્સ કરો.
હવે તરત જ, 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી બેસન નાખીને સારી રીતે હલાવીને મિક્સ કરો. હવે 2 મીડીયમ સાઈઝની ડુંગળીને છીણીને અથવા ચોપ કરીને ઉમેરો. હવે ડુંગળીને સારી રીતે હલાવતા સાંતળી લો. 1 મિનિટ પછી 3 જીણા સમારેલા ટામેટા ઉમેરો અને 1 મિનિટ સુધી પકાવો.
ટામેટા સારી રીતે ડુંગળીમાં ભળી જાય એટલે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર. અડધી ચમચી હળદળ, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી ફુદીના પાવડર, અડધી ચમચી કિચન કિંગ મસાલા અને ગરમ મસાલા, અડધી ચામચી ચાટ મસાલા, અડધો કપ ટામેટા પ્યૂરી, 3 સમારેલા લીલા મરચા, 1 ચમચી લીંબુનો રસ અને 3 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી 30 સેકન્ડ હલાવતા રહો.
હવે સમારેલી કોથમીર અને અડધી ચમચી મીઠું ઉમેરીને, ઊંચી આંચ પર 2 મિનિટ પકાવો. આ પછી તેમાં 2 ચમચી ટોમેટો કેચ અપ અને અડધો ગ્લાસ ગરમ પાણી ઉમેરીને હલાવી લો. હવે ગ્રેવીનું ટેક્ચર સરસ દેખાવા લાગશે, તો તેને ઢાંકીને 1 મિનિટ સુધી પકાવો. તો હવે ઢાબા સ્ટાઇલ ગ્રેવી બનીને તૈયાર થઇ છે.
હવે ગ્રેવીની ઉપર અડધો કપ ઘરની મલાઈ ઉમેરીને મિક્સ કરી લો. હવે ફરીથી થોડી કોથમીર ઉમેરીને 1 ગ્લાસ ગરમ પાણી ઉમેરો, કારણ કે જયારે સેવ ઉમેરશો ત્યારે પાણી શોષી લેશે. છેલ્લે દોઢ કપ મોટી સેવ ઉમેરો અને સારી રીતે મિક્સ કરીને 1 મિનિટ સુધી મીડીયમ ગેસ પર પકાવો.
તમે તમારી મુજબ પાતળી, મોરી, જાડી કોઈપણ સેવ લઇ શકો છો. જાડી સેવ લો છો તો 1 મિનિટ પકાવો અને પાતળી સેવ ઉમેરો છો તો તરત જ ગેસ પરથી ઉતારી લો.
તો ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થઇ ગયું છે. હવે તમે પણ એકવાર આ રીતે સેવ ટામેટાનું શાક જરૂર ટ્રાય કરજો. જો તમને આ શાકની રેસિપી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.