soji no shiro banavani recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આ લેખમાં જોઇશું સોજીનો શીરો બનાવવાની પરફેક્ટ રેસિપી. ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે તેમનો સોજીનો શીરો બરાબર બનતો નથી, કારણ કે તેઓ સામગ્રીનું પણ જાણતા નથી અને ક્યારે કઈ વસ્તુ ઉમેરવી અને કેટલા પ્રમાણમાં ઉમેરવી તે વિશે હજુ પણ અજાણ છે.

આ રેસિપીમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છીએ, જેનાથી જે લોકો પણ પહેલી વાર શીરો બનાવવાનું ટ્રાઈ કરી રહયા છે તે પણ ખુબ જ સરસ શીરો બનાવતા શીખી જશે. સોજીનો શીરો બનાવવા માટે તમારે પાણી ક્યારે અને કેટલું ઉમેરવું તે ખબર પડી જાય તો શીરો પરફેક્ટ બનશે. આવો જોઈએ શીરો બનાવવાની રીત.

સામગ્રી

  • 1 કપ સોજી (જીણી)
  • 1 કપ ખાંડ
  • 1 કપ શુદ્ધ ઘી
  • ડ્રાયફ્રુટ (તમારી પસંદ મુજબ કિસમિસ, કાજુ, બદામ )
  • 1 ચમચી બેસન
  • 2 ચમચી પાણીમાં પલાળેલા કેસરના 5-6 દોરા
  • જરૂર મુજબ પાણી

સોજીનો શીરો બનાવવાની રીત

એક કડાઈ લો, પ્રયાસ કરો કે કડાઈ જાડા તળિયા વાળી હોય. કડાઈમાં ઘી ઉમેરો. હવે ઘી માં કાજુ અને બદામ ને ઘી માં શેકો. 1-2 મિનિટ પછી કાજુ અને બદામ ને કાઢી લો. હવે એ જ ઘી માં સોજીને ઉમેરો, હવે તેને મીડીયમ ગેસ પર પકાવો. 2 મિનિટ પછી તેમાં એક સિક્રેટ વસ્તુ એટલે કે 1 ચમચી બેસન ઉમેરો.

હવે બેસનને સોજી સાથે મિક્સ કરીને હજુ 1 મિનિટ સુધી હલાવતા રહો. હવે ઈલાયચીને ફોતળા સાથે વાટી લો અને સોજીના મિશ્રણમાં ઉમેરીને ફરી 1 મિનિટ સુધી પાકવા દો. એટલે કે આ બધું કરતા સોજીને લગભગ 5 મિનિટમાં સારી રીતે શેકાઈ જશે. જયારે કડાઈની કિનારી પર સહેજ ઘી અલગ થતું જોવા મળે એટલે સોજી પરફેક્ટ શેકાઈ ગઈ છે સમજવું.

સોજી શેકાઈ જાય એટલે 3 કપ પાણી ઉમેરીને હલાવી લો. (સોજી માટે જે કપનું માપ લીધું હતું તે જ કપનું માપ લો.) હવે સોજી પાણીની અંદર ફૂલવા લાગશે. આ પછી 1 મિનિટ માટે કડાઈને ઢાંકી ને કુક થવા દો. 1 મિનિટ પછી ઢાંકણું હટાવીને કેસરવાળું પાણી ઉમેરીને મિક્સ કરી લો. હવે તમારો શીરો 95% બની ગયો છે.

હવે છેલ્લે ખાંડ ઉમેરો અને બરાબર હલાવતા જાઓ, જ્યાં સુધી ખાંડ સારી રીતે ભળી ના જાય. પછી ડ્રાયફ્રુટ ઉમેરીને કડાઈ ઢાંકીને બંધ કરીને 1 મિનિટ ગેસ પર ચડવા દો. તો તૈયાર છે તમારો સોજીનો શીરો.

નોંધ : જો તમારી પાસે મોટી સોજી છે તો તમે તેને મિક્સરમાં પીસીને જીણી કરી લો. જેટલી સુજી ઝીણી હશે તેટલો જ શીરો સરસ બનશે. હવે જે કપ નું માપ પ્રમાણે સોજી લીધી છે, તે કપ જેટલું જ 1 કપ ઘી અને 1 કપ ખાંડ લો, આ પરફેક્ટ માપ છે. પાણી પણ 3 કપ લીધું છે તે પણ એ જ કપ નું માપ પ્રમાણે લો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આ સિક્રેટ વસ્તુ અને પરફેક્ટ માપ સાથે 10 મિનિટમાં પરફેક્ટ સોજીનો શીરો બનાવો, પહેલીવાર બનાવનાર પણ પરફેક્ટ બનાવશે”

Comments are closed.