બે ઋતુ નું જ્યારે મિલન થાય ત્યારે શરદી ઉધરસ તાવ આ બધું સામાન્ય જોવા મળતું હોય છે અને ઘરે ઘરે આ તમામ સંક્રમણ હોય છે. પરંતુ જ્યારે તાવ આવે ત્યારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? કઈ રીતે તમારે તમારી જાતને રાખવી જોઈએ? આ થોડું સામાન્ય જ્ઞાન તમને હોવું જોઈએ.
જ્યારે તમને તાવ આવે ત્યારે તમારે સૂંઠવાળું ઉકાળેલું પાણી ઠારી દીધા પછી પીવાનું છે. (કોઈ દિવસ ફ્રીજનું પાણી પીવાનું નથી). આ પાણી ઉપયોગમાં લેવાથી પાણીમાં જે બેક્ટેરિયા હશે તે મૃત્યુ પામશે અને આપણને પાણીજન્ય કોઈ સંક્રમણ વધારાનું થશે નહીં. જ્યારે આપણને તાવ આવે ત્યારે એક તો ભરપેટ જમવાનું બંધ કરી દેવું જોઈએ. છાશ પીવાની બંધ કરી દેવી જોઈએ. દહી ખાવાનું બંધ કરી દેવું જોઈએ. તમને પ્રશ્ન થશે કે આ જ ખાવાનું બંધ કરવું જોઈએ તો ખાવું શું?
સવારે તમે ખાખરા અને આદુવાળી ચા લઇ શકો છો. બપોરે દાળ-ભાત, મગ-ભાત ખાઈ શકો છો અને સાંજના ભોજનમાં તમે ખીચડી ખાઈ શકો છો. આદુ, અરડૂસી, તુલસીનો રસ એમાં થોડું મધ નાખીને પી શકો છો. મીઠાના પાણીનાં પોતા પણ મૂકી શકો છો અને મીઠાના પાણીના પોતા મુકવાથી તાવ એકદમ શાંત થઇ જશે.
બેચેની રહે, મંદાગ્નિ રહે, ખાવાનું ભાવે નહીં… આ વાઇરલ ઇન્ફેક્શન કહેવાય. આ બધું ચાર-પાંચ દિવસ ચાલે. આમાં શાંતિ રાખવી. નવા અખતરા-પ્રયોગો ન કરવા. નિષ્ણાત વૈદ-ડોક્ટરોની સલાહ જરૂર લેવી કારણ કે અત્યારે સાથે સાથે કોરોના એ પણ ઉપાડો લીધો છે તો સામાન્ય તાવ છે કે કોરોના. તે આપણને ક્યારે ખબર પડે કે આપણે કોરોના નો ટેસ્ટ કરાવીએ.
કોરોનાના ટેસ્ટથી તમારે ડરવાનું નથી. કોરોના નેગેટિવ આવે તો તાવ સહેલાઈથી ઘરે જ શાંત થઈ શકે છે. અત્યારે આપણે શું ભૂલ કરીએ છીએ કે તાવમાં આપણે આપવાને સંયમ રાખતા જ નથી. તમે મોસંબી ખાઈ શકો છો. સફરજન ખાઈ શકો છો. પપૈયુ ખાઇ શકો છો. આ ફળ તમે તાવમાં સરળતાથી લઇ શકો છો. જ્યારે મિત્રો તમને શરીર ગરમ લાગે, આંખો ગરમ લાગે ત્યારે મીઠાના પાણીના પોતા મુકજો. આરામ તાવની મુખ્ય દવા છે.કામ કરવાનું બિલકુલ નથી. તમે કામ કરશો તો તમને આ બધી તકલીફ રહેશે. તમે કામ કરશો તો તમને તણાવમાં વધારો થશે. આ તાવની મુખ્ય દવા આરામ છે.