થાઈરોઈડ આજના સમયમાં ખૂબ જ સામાન્ય બની રહી છે. સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં મહિલાઓ આની સાથે સંઘર્ષ કરી રહી છે. સામાન્ય રીતે, એકવાર થાઇરોઇડનું નિદાન થયા પછી, નિયમિતપણે દવાઓ લેવી જરૂરી બની જાય છે.
એવું માનવામાં આવે છે કે થાઇરોઇડમાં નિયમિતપણે દવાઓ લેવી પૂરતી હોય છે. આ કોઈ ગંભીર સમસ્યા નથી અને તેના વિશે વધારે ચિંતા કરવાની જરૂર નથી. જોકે, એવું નથી. થાઇરોઇડ એ બટરફ્લાય આકારની ગ્રંથિ છે જે કોલરબોનની ઉપર સ્થિત છે.
આ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા હોર્મોનને થાઇરોક્સિન કહેવામાં આવે છે. તે એક હોર્મોન છે જે શરીરમાં મેટાબોલિઝમને સારી રીતે ચલાવવામાં મદદ કરે છે. જ્યારે થાઈરોઈડને કારણે હોર્મોનનું સંતુલન ખોરવાઈ જાય છે, ત્યારે તે સ્થૂળતાથી લઈને વાળ ખરવા અને ગર્ભધારણ સુધીની સમસ્યાઓનું કારણ બને છે.
સામાન્ય રીતે જોવામાં આવે છે કે વર્ષોથી થાઈરોઈડ હોવા છતાં પણ આપણે તેને લગતી માન્યતાઓને સાચી માનીએ છીએ. તો આજે આ લેખમાં અમે તમને થાઈરોઈડ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ અને તેના સત્ય વિશે જણાવીશું.
માન્યતા 1- બાળકોને થાઈરોઈડ થતું નથી : સામાન્ય રીતે લોકો એવું માને છે કે થાઈરોઈડની સમસ્યા ફક્ત પુખ્ત વયના લોકો અથવા મોટી ઉંમરના લોકોને જ થાય છે. જોકે, એવું નથી. હાલમાં બાળકોને પણ ખરાબ જીવનશૈલી જીવવાની આદત પડી ગઈ છે. જેના કારણે નાના બાળકોને પણ થાઈરોઈડ થઈ શકે છે. જો કોઈ સગર્ભા સ્ત્રીને થાઈરોઈડ હોય તો તેના ગર્ભસ્થ બાળકને પણ થાઈરોઈડ થવાની શક્યતાઓ વધી જાય છે.
માન્યતા 2- થાઈરોઈડ થયા પછી પ્રેગ્નન્સી શક્ય નથી : આપણે બધા જાણીએ છીએ કે થાઇરોઇડ તમારા હોર્મોન્સમાં ગડબડી પેદા કરે છે અને તેથી ગર્ભધારણ કરવું મુશ્કેલ બની જાય છે. પરંતુ જો તમને લાગે કે એકવાર થાઈરોઈડ થઈ જાય તો તમે ગર્ભ ધારણ કરી શકતા નથી, તો તમે મૂંઝવણમાં છો. જો તમે તમારી દવાઓ સમયસર લો છો અને હેલ્દી જીવનશૈલી જીવો છો તો તમને ગર્ભધારણ કરવામાં કોઈ સમસ્યા નથી.
માન્યતા 3 – જો તમને હાઈપોથાઈરોડિઝમ હોય તો વજન ઘટાડવું શક્ય નથી : આ પણ એક સામાન્ય માન્યતા છે, જેના પર આપણે બધા વિશ્વાસ કરીએ છીએ. જ્યારે હાઈપોથાઈરોડિઝમ હોય છે ત્યારે વજન ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. આવી સ્થિતિમાં જો વજન કાબૂમાં ન રહે તો PCOD અને હૃદયને લગતી સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે.
પરંતુ ઝડપથી વજન ન ઘટવાને કારણે ઘણીવાર આપણે બધા હાઈપોથાઈરોડિઝમને દોષ આપીએ છીએ. જો કે, જો તમે એક્ટિવ જીવનશૈલી અપનાવો અને તમારા આહારનું ધ્યાન રાખો છો તો વજન સરળતાથી ઘટાડી શકાય છે.
માન્યતા 4 – જ્યારે થાઇરોઇડનું સ્તર સામાન્ય હોય ત્યારે દવાઓ બંધ કરી શકાય છે : ઘણી વખત લોકો, જ્યારે થાઈરોઈડનું સ્તર સામાન્ય થઈ જાય છે ત્યારે દવા લેવાનું બંધ કરી દે છે. તેમને લાગે છે કે તેમની આ સમસ્યા હવે ઠીક થઈ ગઈ છે, તેથી તેમને હવે દવા લેવાની કોઈ જરૂર નથી.
જોકે, એવું નથી. તમે પોતાની જાતે દવા લેવાનું ક્યારેય બંધ ન કરો. તમારી સ્થિતિમાં સુધારો થયો છે કારણ કે તમે તમારી દવા નિયમિત લો છો. જ્યારે થાઇરોઇડનું સ્તર સામાન્ય હોય, ત્યારે તમે તેની માત્રા ઘટાડી શકો છો.
ઉદાહરણ તરીકે, જો તમે 75 મિલિગ્રામની ગોળી લેતા હોય તો તેના બદલે 50 અથવા 25 મિલિગ્રામ લઈ શકો છો, પરંતુ ડૉક્ટરની સલાહ પ્રમાણે જ લો. જો તમારે તમારી દવા બંધ કરવી હોય તો તેના માટે પણ પહેલા ડોક્ટરની સલાહ લો.
તમે પણ આ 4 માન્યતાઓ પર વિશ્વાસ કરતા હોય તો બંધ કરજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો, આવી જ વધુ જાણકારી ઘરે બેઠા મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.