સામાન્ય રીતે દરેક ઘરમાં રાત્રે બનાવેલી રોટલી એક કે બે બચી જાય છે અને જ્યારે બાકીની રોટલી કોઈ ખાતું નથી ત્યારે આપણે ઘણીવાર તેને ફેંકી દઈએ છીએ. પરંતુ આજે અમે તમારા માટે એવી રેસિપી લાવ્યા છીએ જેની મદદથી તમે બચી ગયેલી રોટલીનો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકો છો.
મારા પર વિશ્વાસ કરો કે તમે આ નાસ્તો બનાવ્યા પછી ક્યારેય બચેલી રોટલીને ફેંકશો નહીં, કારણ કે આ નાસ્તો ઘરના બાળકો અને વડીલો સુધી બધા લોકો હોંશથી ખાશે. તો રાહ શેની જુઓ છો ચાલો જોઈએ બચી ગયેલી રોટલીનો નાસ્તો બનાવવાની રીત.
સામગ્રી : બચેલી રોટલી 4 થી 5, રાઈનું તેલ – 1 ચમચી, રાઈ દાણા – 1 ચમચી, જીરું – એક ચમચી, લાલ મરચું પાવડર – 1 ચમચી, હળદર પાવડર – 1 ચમચી, લીલાં મરચાં – 3 નંગ, બાફેલા બટેટા – 3 નંગ, છીણેલું પનીર 50 ગ્રામ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી કોથમીર, દહીં – 1 ચમચી, ટોમેટો કેચઅપ, ડુંગળી અને ટામેટા (મોટા લાંબા ટુકડામાં કાપેલા).
બનાવવાની રીત : નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ તવાને ગેસ પર મૂકો અને તેમાં 1 ચમચી તેલ ઉમેરીને ગરમ કરો. તેલ ગરમ થયા પછી તેમાં એક ચમચી રાઈ અને એક ચમચી જીરું ઉમેરીને તતડવા દો.
રાઈ, જીરું તતડી જાય એટલે તેમાં સમારેલા લીલા મરચાં, 1 ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી હળદર ઉમેરીને મિક્સ કરો. પછી તેમાં મેશ કરેલા ત્રણ બાફેલા બટેટા અને છીણેલું પનીર ઉમેરીને મીડીયમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી પકાવી લો.
બટાકા અને પનીરને સારી રીતે શેક્યા પછી હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને થોડી ઝીણી સમારેલી લીલી કોથમીર નાખીને મિક્સ કરી લો અને પછી ગેસ બંધ કરીને તેને એક પ્લેટમાં કાઢી લો.
હવે છેલ્લે શેકેલા બટાકાના મસાલામાં 1 ચમચી તાજુ દહીં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. મસાલો તૈયાર થઇ ગયો છે. હવે એક વધેલી રોટલી લો. રોટલી પર બે ચમચી ટોમેટો કેચપ લગાવો અને પછી તેના અડધા ભાગ પર શેકેલા બટાકાનો મસાલો મુકો.
મસાલા પર લાંબી કાપેલી ડુંગળી, થોડા ટામેટાં ઉમેરો અને સ્વાદ મુજબ મીઠું નાખી, રોટલીને વાળી લો. એ જ રીતે બધી રોટલીનો નાસ્તો તૈયાર કરો. હવે રોટલીને શેકવા માટે તવાને ગેસ પર રાખો અને તવો ગરમ થાય એટલે થોડું તેલ ઉમેરીને ગ્રીસ કરો.
હવે રોટલી મૂકો અને મધ્યમ તાપ પર બંને બાજુથી સોનેરી રંગની ત્યહાય ત્યાં સુધી શેકી લો. તો વધેલી રોટલીનો નાસ્તો તૈયાર છે. હવે તેને બાળકો અને વડીલો સાથે ખાવા માટે ગરમાગરમ સર્વ કરો.
સૂચના : તમે આ નાસ્તો વાસી રોટલીને બદલે તાજી રોટલી સાથે બનાવી શકો છો. જો તમને તીખો નાસ્તો ખાવાનું પસંદ છે તો ટોમેટો કેચપને બદલે લીલી ચટણીનો ઉપયોગ કરી શકો છો. બટાકાની મસાલાની ઉપર ટામેટાં અને ડુંગળીની સાથે કાકડી પણ મૂકી શકો છો.