અંદરથી ક્રિસ્પી અને બહારથી એકદમ સોફ્ટ વેજ નૂડલ્સ બોલ્સ કેવી રીતે બનાવવા તેની રીત જોઈશું. આ એક પ્રખ્યાત ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ભારતમાં કોઈપણ રેસ્ટોરન્ટમાં તમને જોવા મળશે. નૂડલ્સ અને નૂડલ્સમાંથી બનેલી વસ્તુઓ બાળકો ખાવાનું ખુબ જ પસંદ કરે છે.
પરંતુ બજારમાં મળતી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી, તેથી ઘણા માતાપિતા બાળકોને બહારની વસ્તુઓ ખાવાની મનાઈ કરે છે. તો એ ખાસ મમ્મીઓ માટે આજે અમે ઘરે રેસ્ટોરન્ટ જેવા વેજ નૂડલ્સ બોલ્સની રેસિપી લઈને આવ્યા છીએ જેને તમે બાળકોને ઘરે બનાવીને ખવડાવી શકો છો. જો તે એકવાર ખાઈ લેશે પછી તે બહારનું ખાવાનું ભૂલી જશે.
જરૂરી સામગ્રી : નૂડલ્સ 2 પેકેટ, બટાકા 2 (150 ગ્રામ), મૈંદા 4 મોટી ચમચી, કેપ્સીકમ 1/2 કપ,
કોથમીર 2 થી 3 ચમચી, નૂડલ્સ મસાલા 2 પેકેટ, લીલા મરચા 2, આદુ 1 ઇંચ, કાળા મરી 1/4 ચમચી, મીઠું 3/4 ચમચી અને તળવા માટે તેલ.
વેજ નૂડલ્સ બોલ્સ બનાવવા માટે, સૌ પ્રથમ એક પેનમાં 2 કપ પાણી નાખીને તેને ઉકાળો. જ્યારે પાણી ઉકળે ત્યારે નૂડલ્સના 2 પેકેટ લો અને થોડા નૂડલ્સને કાઢીને બાકીના નૂડલ્સને ઉકળતા પાણીમાં નાખીને નરમ થાય ત્યાં સુધી 2 મિનિટ સુધી ચઢવા દો. 2 મિનિટ પછી જ્યારે નૂડલ્સ નરમ થઈ જાય ત્યારે તેને ગાળીને તેમાંથી પાણીને અલગ કરી લો.
હવે એક બાઉલમાં 2 બાફેલા બટેટા લો અને મેશ કરો. તેમાં છૂંદેલા બટાકા અને બાફેલા નૂડલ્સ નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણમાં 1/2 કપ કેપ્સિકમ, 2 સમારેલા લીલાં મરચાં , 1 ટીસ્પૂન આદુ, 2 પેકેટ નૂડલ્સ મસાલો, 1/2 ટીસ્પૂન મીઠું અને 2-3 ચમચી લીલી કોથમીર ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.
હવે એક વાસણમાં 4 મોટી ચમચી મૈંદાનો લોટ લો, તેમાં થોડું પાણી ઉમેરીને સ્મૂધ પાતળું બેટર બનાવો. હવે તેમાં 1/4 ચમચી મીઠું અને 1/4 ચમચી કાળા મરી ઉમેરીને મિક્સ કરો.
નૂડલ્સના બોલ્સ બનાવવા માટે તમારા હાથમાં થોડું નૂડલ્સનું મિશ્રણ લઈને, તેને દબાવીને ગોળ આકાર આપીને બોલ્સ બનાવો. નૂડલ્સ ગોળ આકારના થઈ જાય પછી તેને મૈદાના લોટના બેટરમાં ડુબાડીને નૂડલ્સના સૂકા ટુકડામાં લપેટીને હળવા હાથે દબાવીને પ્લેટમાં રાખો. આ જ રીતે બધા જ બોલ્સ તૈયાર કરો.
હવે બોલ્સને તળવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં થોડું નૂડલ્સનું મિશ્રણ નાખીને તેલનું તાપમાન ચેક કરો. જ્યારે નૂડલ્સ તળવા લાગે અને ઉપર આવે, ત્યારે તેલતળવા માટે તૈયાર છે. બોલ્સને તળવા માટે ગરમ તેલ જ જોઈએ.
તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ તૈયાર કરેલા બોલ્સને તેલમાં નાખી મધ્યમ-ધીમી આંચ પર તળી લો. બોલ્સને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને જ્યારે બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેલમાંથી કાઢીને પ્લેટમાં રાખો. તે જ રીતે બધા નૂડલ્સ બોલ્સને તળીને તૈયાર કરો.
તમને એકસાથે બધા બોલ્સને તળવામાં 5 થી 6 મિનિટ જેટલો સમય લાગી શકે છે. તો ક્રિસ્પી વેજ નૂડલ્સ બોલ્સ તૈયાર છે. હવે તમે તેને લીલી કોથમીરની ચટણી સાથે ગરમા-ગરમ ખાઈ શકો છો.