શિયાળો ચાલી રહ્યો છે અને આ સીઝનમાં ગરમાગરમ ખાવાનું મળી જાય તો વાત જ શું કરવી. જો કે, શિયાળામાં બીજી રુરુ કરતા ભૂખ પણ વધારે લાગે છે. શિયાળા ઘણી બધી અવનવી વાનગીઓ ઘરે બનતી જ હોય છે પણ એમાં અઠવાડિયામાં એકવાર તો ઢોસા દરેકના ઘરે બનતા જ હશે,
દરેક વ્યક્તિને ઢોસા ખાવાનું પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વાદિષ્ટ ઢોસાની સાથે તેમાં રહેલો બટેટાનો મસાલો પણ એટલો જ ટેસ્ટી હોવો જરૂરી છે. તો ઢોસાને સ્વાદિષ્ટ બનાવવા માટે બટેટાનો મસાલો ટેસ્ટી કેવી રીતે બનાવશો?
તમારો આ જવાબ આજના લેખમાં છુપાયેલો છે. આજે અમે તમને ઢોસા માટે સ્ટફિંગ બટાકાના મસાલા બનાવવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. આ બટાકાના સ્ટફિંગને તમે પુરી અને પરાઠાની જોડે પણ ખાઈ શકો છો.
બટાકા મસાલા બનાવવા માટે સામગ્રી
- 4 બાફેલા બટાકા
- 1 ચમચી રાઈ
- 2 સૂકા લાલ મરચા
- 1 જીણી સમારેલી ડુંગળી
- 1 નાની વાટકી ચણાની દાળ
- 1 ચમચી પાતળી સ્લાઈસમાં કાપેલું આદુ
- 1 ચમચી હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચું
- સ્વાદ મુજબ મીઠું
- મીઠા લીમડાના પાન 7-8
- જરૂર પ્રમાણે તેલ
ઢોસા માટે બટાકાનો મસાલો બનાવવાની રીત
સૌથી પહેલા બાફેલા બટાકાની છાલ કાઢીને તેને મેશ કરી લો. હવે ગેસ પર એક પેન મૂકીને તેમાં તેલ નાખો. જેવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખીને તતડવા દો. રાઈ તતડે એટલે તરત જ સૂકા લાલ મરચા ઉમેરો.
જ્યારે મરચાં શેકાતા હોય ત્યારે તેમાં ડુંગળી નાખીને હલકા સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં પલાળેલી ચણાની દાળ ઉમેરીને થોડી વાર સાંતળો. જેવી દાળ સહેજ સોનેરી લાગે એટલે તેમાં મેશ કરેલા બટાકા ઉમેરો.
ત્યાર બાદ ઉપરથી આદુ, હળદર, મીઠું અને લાલ મરચું નાખીને સારી રીતે મેશ કરી લો. હવે આ બધી વસ્તુઓને એટલે કે મિશ્રણને 5 મિનિટ માટે ફ્રાય કરો. તો ઢોસા માટે સ્ટફિંગ બટાકાનો મસાલો તૈયાર છે. તમે તેનો ઉપયોગ મસાલા પેપર ઢોસા અને મસાલા ઢોસા બનાવતા હોય ત્યારે કરી શકો છો.
જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો આ આવી જ નાસ્તા અને અવનવી વાનગી ઘરે બેસીને શીખવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.