ગુજરાતીઓ ખાવાના ખુબ જ શોખીન હોય છે અને એમાં ખાખરા તો ચોક્કસ બધાને ગમતા જ હશે. ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નાસ્તા પ્રખ્યાત છે તેમ ગુજરાતમાં ખાખરા પ્રખ્યાત છે. તો જો તમને ઢોકળા જેવા નાસ્તા ખાવાનું પસંદ છે તો ખાખરાનો સ્વાદ પણ તમને ચોક્કસ ગમશે.
જો તમને ખાખરા ખાવાનું વધુ પસંદ છે તો ખાખરા ખરીદવા માટે બજારમાં જવાની જરૂર નથી, તમે ઘરે જ બનાવી શકો છો. તમે કોઈપણ રાજ્યમાં કે કોઈપણ દેશમાં રહેતા હોય પરંતુ આ રેસિપી જંયા પછી તમે પણ ઘરે ખાખરા બનાવતા શીખી જશો.
અમે તમને મસાલા ખાખરા બનાવવાની રીત જણાવીશું અને જેમને મસાલાવાળું ખાવાનું પસંદ છે તે લોકો ઘરે મસાલા ખાખરા બનાવીને ખાઈ શકે છે. ખાખરા પાપડ જેવા પાતાળ અને ક્રિસ્પી હોય છે, જેને ચા સાથે ખાવામાં આવે છે. તો ચાલો જાણીયે ખાખરા બનાવવા માટે જરૂરી સામગ્રી અને તેને બનાવવાની સાચી રીત.
સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- 1 ચમચી કસૂરી મેથી
- 1/4 ચમચી અજમો
- 2 ચમચી બેસન
- 2-3 ચમચી તેલ
- 1 ચપટી હીંગ
- 1/4 ચમચી હળદર
- 1/4 ચમચી જીરું
- 1/4 ચમચી લાલ મરચું પાવડર
- 1 જીણું સમારેલું લીલું મરચું
- સ્વાદ મુજબ મીઠું અને 1/2 કપ દૂધ
ખાખરા બનાવવાની રીત
એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, કસુરી મેથી, અજમો, હિંગ, હળદર, જીરું, લાલ મરચું પાવડર, જીણા સમારેલા લીલા મરચાં, મીઠું અને 2 ચમચી તેલ ઉમેરીને બધી સામગ્રીને મિક્સ કરો.
હવે ધીમે ધીમે દૂધ ઉમેરતા જાઓ અને રોટલીની કણક કરતા થોડી સખ્ત કણક બાંધી લો, જો કણક વધારે કઠણ થઇ જાય છે તો જરૂર લાગે તો 1-2 ચમચી પાણી પણ ઉમેરો. હવે કણકને 15 મિનિટ માટે ઢાકણીને રાખો, જેથી સેટ થઇ જાય.
આ રીતે ખાખરા વણો
કણક તૈયાર થઇ ગઈ છે તો હવે તમારા હાથ પર થોડું તેલ લગાવો અને લોટને ફરીથી મસળી લો. હવે કણકમાંથી નાના-નાના ગુલ્લાં બનાવો અને હવે એક લોઈ લો અને તેને સારી રીતે મસળીને ગોળ બનાવો અને તેને બાઉલમાં મુકો, આ જ રીતે બધા ગુલ્લાં (લોઈ) તૈયાર કરી લો.
હવે લોઈને એક પાટલા પર મૂકીને વેલણની મદદથી વણો, જો તે વેલણ પર ચોંટી જાય છે તો તરત જ તેને સૂકા લોટમાં લપેટો અને તેને ખૂબ જ પાતળી વણીને તૈયાર કરી લો.
આ પણ વાંચો : એકદમ ક્રિસ્પી અને બજાર જેવા જ મેથીના ખાખરા ઘરે બનાવાની રીત
ખાખરાને આ રીતે શેકો
ખાખરા શેકવા માટે તવાને ગેસ પર મૂકીને ગરમ કરો, જ્યારે તવો ગરમ થાય એટલે વણેલા ખાખરાને તવા પર મૂકો. ખાખરાનો નીચેનો ભાગ શેકવા લાગે, એટલે તરત જ તેને ફેરવી દો અને બીજી બાજુથી પણ શેકી લો.
ખાખરાને ચારે બાજુથી સારી રીતે શેકવા માટે સુતરાઉ કાપડથી ખાખરાને ચારે બાજુથી હળવા હાથે દબાવીને ધીમી આંચ પર શેકો. ખાખરાને બંને બાજુ બ્રાઉન નાના પરપોટા (સ્પોટ્સ) દેખાય ત્યાં સુધી શેકો. હવે ખાખરો શેકાઈ જાય એટલે શેકેલા ખાખરાને પ્લેટમાં કાઢી લો. હવે આ જ રીતે બધા ખાખરા એક પછી એક તૈયાર કરો.
તમે ઈચ્છો તો તેલ લગાવીને ખાખરા બનાવી શકો છો. ખાખરાને વણીને તવી પર મૂકો અને તે જ રીતે બંને બાજુ તેલ લગાવીને શેકો, જયારે બંને બાજુ હળવા દાગ દેખાય એટલે પ્લેટમાં કાઢી લો. તેલવાળા ખાખરાને શેકવા માટે તેને કપડાથી અથવા વાટકીથી દબાવી દબાવીને શેકવા જોઈએ.
ખાસ ટિપ્સ
ખાખરાને ખૂબ પાતળા વણશો તો જ તે વધુ ક્રિસ્પી બનશે. ખાખરાને શેકતી વખતે હંમેશા મધ્યમ આંચ પર રાખો. જ્યારે ખાખરા સંપૂર્ણપણે ઠંડા થઇ જાય પછી જ તેને કોઈપણ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો. આ ખાખરાને તમે આરામથી 15 દિવસ સુધી ખાઈ શકો છો.
આ પણ વાંચો
હવે દરેક શાક સ્વાદિષ્ટ બનશે, આ રીતે ઘરે બનાવો કાશ્મીરી ગરમ મસાલો અને લસણ ડુંગળી મસાલો
કોઈ પણ શાક અને શાકની ગ્રેવીને ચટાકેદાર બનાવવા મસાલા બનાવવાની 2 રીત
ગુજરાતી મસાલા ખાખરા બનાવવાની રીત.